Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નૉક, નૉક ... ઇમર્જન્સી કમિંગ

નૉક, નૉક ... ઇમર્જન્સી કમિંગ

Published : 01 November, 2026 11:20 AM | IST | United States Of America
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અટૅકને લીધે પણ અમેરિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશોની સરકારે પોતાના દેશના નાગરિકોને ચોક્કસ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનું કહેવા માંડ્યું છે. કયું છે એ કારણ અને શું કામ છે આવું ટેન્શન? ચાલો સમજીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માત્ર ત્રીજા વિશ્વયુદ્ધના ડરના કારણે જ નહીં; કોઈ પણ પ્રકારના અન્ય અટૅકને લીધે પણ અમેરિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશોની સરકારે પોતાના દેશના નાગરિકોને ચોક્કસ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનું કહેવા માંડ્યું છે. કયું છે એ કારણ અને શું કામ છે આવું ટેન્શન? ચાલો સમજીએ

સામાન્ય રીતે જે ગવર્નમેન્ટ પોતાના દેશના નાગરિકોને ઑલ ઇઝ વેલ એટલે કે બધેબધું સમુંસૂતરું છે એવી ખાતરી આપતી હોય અને દેશમાં પૅનિક ન ફેલાય એનું ધ્યાન રાખતી હોય, પૅનિક ફેલાવનારાઓને સીધાદોર કરતી હોય એવી સરકાર જ જો સામે ચાલીને એવી વાતો કરવા માંડે કે લોકોમાં ટેન્શન આવે અને લોકો સંઘરાખોરી કરવામાં લાગી જાય તો?



હા, આ સત્ય છે અને આ સત્ય પણ પાકિસ્તાન કે અફઘાનિસ્તાન જેવા ઑલમોસ્ટ ત્યજી દેવામાં આવેલા દેશોનું નથી. આ સત્ય છે અમેરિકા અને યુરોપના શ્રીમંત અને મહાકાય સિક્યૉર્ડ દેશોનું. અમેરિકા, બ્રિટન અને યુરોપના નૉર્ડિક દેશોની સરકારને અચાનક જ ટેન્શન શરૂ થયું છે અને આ ટેન્શન વચ્ચે આ દેશની સરકારો ખુલ્લેઆમ ચેતવણી આપતી થઈ છે કે આવનારા દિવસોમાં સ્થિતિ ક્યારેય બેકાબૂ થઈ શકે છે અને એટલે જ આ સરકારો નાગરિકોને ચોખ્ખું કહે છે કે તમારી સંભાળ જાતે લેવા માટે તૈયાર રહો.


દુનિયામાં બાહુબલી ગણાતા દેશો પોતાની પ્રજાને ઘરમાં રૅશન અને પાણીનો સંગ્રહ કરવાનું કહે ત્યારે સ્વાભાવિક છે કે મનમાં સવાલ આવે કે શું જગત કે એ દેશો પર કોઈ મોટી આફત આવવાની છે? જો તમે એવું માનતા હો કે આ કોઈ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની આગોતરી તૈયારી છે તો તમે ખાંડ ખાઓ છો. ના, આ કોઈ સામાન્ય કુદરતી આપત્તિની તૈયારી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલાં ભયાનક સમીકરણોનો પુરાવો છે અને એટલે જ દુનિયાના મહત્ત્વના દેશો અત્યારથી જ ઇમર્જન્સીની તૈયારીમાં લાગી ગયા છે.

કોણ શું કરી રહ્યું છે?


ઇમર્જન્સીની આ વૉર્નિંગ એક-બે દેશ પૂરતી સીમિત નથી. દુનિયાના અનેક દેશો અલગ-અલગ સ્તરે કહેવાતી આ આગામી ઇમર્જન્સી માટે સજ્જ થઈ રહ્યા છે અને એ પણ સત્તાવારપણે.

બ્રિટનની વાત કરીએ તો બ્રિટને ‘બી રેડી’ નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન મારફત બ્રિટિશ ગવર્નમેન્ટ દ્વારા નાગરિકોને સત્તાવાર અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાનાં ઘરોમાં ઓછામાં ઓછા ૭૨ કલાક એટલે કે ૩ દિવસ ચાલે એટલી ખાદ્ય સામગ્રી, પીવાનું પાણી, રોકડ રકમ અને ફર્સ્ટ-એઇડ કિટ તૈયાર રાખે તો અમેરિકાએ આ જ વાત ૯૦ દિવસના પ્લાન સાથે રેડી રાખવાનું કહ્યું છે.

અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રી એવા પ્લાન પર કામ કરે છે જેમાં અમેરિકાના તમામ મિલિટરી-બેઝ બહારની મદદ વિના ૯૦ દિવસ એટલે કે ૩ મહિના પોતાને સર્વાઇવ કરી શકે. અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રી આ તૈયારી કર્યા પછી નાગરિકોને પણ આ દિશામાં કામે લગાડવાની છે. અમેરિકા અને બ્રિટન કરતાં પણ સુખાકારીમાં અગ્રિમ હરોળમાં આવતા ફિનલૅન્ડ અને સ્વીડન જેવા દેશોએ પણ આ દિશામાં તૈયારી આદરી દીધી છે.

રશિયા સાથે બૉર્ડરથી નજીક હોવાને લીધે નૉર્ડિક દેશો આ બાબતે સૌથી વધુ સચેત છે. ફિનલૅન્ડ પાસે પોતાના નાગરિકો માટે ૯ મહિનાનું અનાજ રિઝર્વ છે તો સ્વીડને પણ ઑલરેડી આ તૈયારી કરી લીધી છે. ચાલો, માનીએ કે દેશના સત્તાધીશોની આ ફરજ જ છે, પણ વાત વધારે ટેન્શન ત્યારે ઊપજાવે છે જ્યારે તમને એ ખબર પડે કે હવે ફિનલૅન્ડ અને સ્વીડનની સરકારે પોતાના નાગરિકોને પોતપોતાનાં ઘરોમાં એક વીક સુધી ચાલે એવી વ્યવસ્થાઓ કરવાની અપીલ કરી દીધી છે અને એ એક વીક માટે ઘરમાં શું-શું હોવું જોઈએ એ સમજાવતી બુકલેટનું પણ લોકોમાં વિતરણ કર્યું છે.

આ જ દિશામાં જર્મની, પોલૅન્ડ, જપાન અને બાલ્ટિક દેશો છે. યુરોપિયન યુનિયનની નવી પ્રિપેર્ડનેસ યુનિયન સ્ટ્રૅટેજી હેઠળ જર્મની અને પોલૅન્ડે સિવિલ ડિફેન્સ માટે નવા કાયદાઓ અને માર્ગદર્શિકાઓ અમલમાં મૂકી દીધાં છે અને આ બાબતમાં સામાન્ય દેશવાસીઓને ટ્રેઇન કરવાનું પણ શરૂ કરી દીધું છે.

પેટમાં ચૂંથારો કરાવી દે, મનમાં શૂન્યાવકાશ સર્જી દે એવી આ વાત વાંચ્યા પછી સ્વાભાવિક વિચાર આવે કે શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધ તરફ કે પછી ન્યુક્લિયર વૉરની દિશામાં આગળ વધી રહી છે અને એની જ આગોતરી તૈયારી છે?

આ પૅનિકનેસ શું કામ?

અમેરિકા-બ્રિટન અને અન્ય દેશો દ્વારા શરૂ કરી દેવામાં આવેલી આ તૈયારીઓ પાછળ માત્ર ન્યુક્લિયર વૉર જ નહીં, બીજાં પણ અનેક જોખમો છે અને એટલે જ વિકસિત દેશોએ જાગી જઈને આ કામ શરૂ કરી દીધું છે. હા, એ ૧૦૦ ટકા સાચું કે દુનિયાભરમાં પ્રસરી ગયેલા જ્યોગ્રોફિકલ-પૉલિટિકલ ટેન્શને દુનિયાના દરવાજે ત્રીજું વિશ્વયુદ્ધ ઊભું રાખી દીધું છે. એક તરફ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે તો બીજી તરફ મિડલ ઈસ્ટના મતભેદમાં અમેરિકાએ જમાદારગીરી કરી છે જેને લીધે દુનિયાની બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકા રણમેદાનમાં છે. આવા સમયે પરમાણુ હથિયારો કે મિસાઇલ-હુમલાનું જોખમ હવે કાલ્પનિક નથી રહ્યું તો એ વાત પણ અસ્થાને નથી કે આ જમાદારીને સાચવી રાખવા અમેરિકા અને રશિયા પોતાના પક્ષોના દેશોને પણ રણમાં ખેંચી લાવે.

આવી સિચુએશનમાં એવું દૃઢપણે માનવામાં આવે છે કે યુદ્ધ આકાર બદલે અને બૉર્ડર સુધી સીમિત રહેવાને બદલે દુશ્મન દેશોના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ટાર્ગેટ કરવામાં આવે. જો એક જ રાતે પાવર ગ્રીડ હૅક થઈ જાય, બૅન્કિંગ-સિસ્ટમ અને ATM ઠપ થઈ જાય, હૉસ્પિટલોનાં કમ્પ્યુટર લૉક થઈ જાય અને સપ્લાય-ચેઇન સંપૂર્ણપણે ભાંગી પડે તો આખી વ્યવસ્થા ઠપ થઈ શકે છે. આ બાહ્ય પરિબળો ઉપરાંત ક્લાઇમેટ ચેન્જને પણ મહત્ત્વનું ફૅક્ટર માનવામાં આવે છે. પૂર, ભીષણ ગરમી, સાઇક્લોન અને ભૂકંપ જેવી કુદરતી આફતોના કારણે પણ સપ્લાય-ચેઇન અચાનક અટકી જવાની શક્યતાઓ ઉત્તરોતર વધતી જાય છે, જેનું જીવતુંજાગતું ઉદાહરણ નેપાલ રહ્યું છે. નેપાલમાં પૂરની તબાહીનું સાચું પિક્ચર મળ્યા પછી પણ સપ્લાય-ચેઇન તૂટી ગઈ હોવાથી લોકો સુધી પહોંચી શકાયું નહીં, જેને લીધે સેંકડો લોકોએ હોનારત પછી જીવ ગુમાવ્યા.

આ બધાં કારણોસર હવે ગવર્નમેન્ટ એ સ્તર પર પ્રૅક્ટિકલ બની છે કે જો અચાનક જ કોઈ મોટો સાઇબર-હુમલો થાય કે કુદરતી આપત્તિ ત્રાટકે તો શરૂઆતના ૭૨ કલાક પોલીસ, પ્રશાસન કે સેના સુધ્ધાં તાત્કાલિક દરેક ઘર સુધી મદદ પહોંચાડવામાં સક્ષમ નહીં હોય. આ જ કારણ છે કે નાગરિકોને શરૂઆતના દિવસોમાં આત્મનિર્ભર બનવા માટે કહેવામાં આવી રહ્યું છે અને એ દિશામાં ટ્રેઇન પણ કરવામાં આવે છે.

જપાને પણ આ શરૂ કર્યું છે અને જૅપનીઝ લોકોને ટ્રેઇન કરવા માંડ્યા છે કે તેમના ઘરમાં ૧૦૦ દિવસ સુધીનું ફૂડ અને ઇમર્જન્સી સામાન હોવાં જોઈએ. અલબત્ત, જપાન પાસે પોતાનાં કારણો છે. સતત સુનામી અને ભૂકંપનો સામનો કરતું જપાન હવે ઇચ્છે છે કે જૅપનીઝ પ્રજા પણ પોતાની રીતે એ પ્રકારની કુદરતી આફતો આવે ત્યારે સક્ષમ હોય અને જાતમેળે ઓછામાં ઓછા ૧૦૦ દિવસ સુધી સર્વાઇવ થઈ શકતી હોય. દેખીતી રીતે ટ્રેઇનિંગ જેવી લાગતી આ પ્રક્રિયાને જપાન ગવર્નમેન્ટ બહુ પ્રૅક્ટિકલ રીતે અને એકદમ સિરિયસ માઇન્ડસેટ સાથે લઈ રહી છે અને એટલે જ એ આ તૈયારી સામે સહેજ પણ આંખ આડા કાન કરતી નથી અને ટ્રેઇનિંગમાં સાથ આપે છે. જોકે સાવ એવું પણ નથી કે આ ટ્રેઇનિંગ પૂરતી જ વાત છે. જપાન કે પશ્ચિમના આ ધુરંધરોને અંદરખાને એવું લાગે પણ છે કે આવનારા સમયમાં ટેન્શન જન્મી શકે છે. જો સમયના ગર્ભમાં ટેન્શન હોય તો લોકોએ કેવી-કેવી તૈયારી રાખવી જોઈએ અને ઘરમાં શું-શું સંઘરવું જોઈએ એનું સૂચન ખુદ સરકાર જ એ પ્રજાને કરે છે.

ઘરમાં શું-શું રાખવું?
સૌથી પહેલી જે સૂચના આપવામાં આવી છે એ છે પીવાના પાણીની. ઘરમાં વ્યક્તિદીઠ દરરોજ ઓછામાં ઓછું ૪થી પાંચ લીટર પાણી પીવા અને ઉપયોગ માટે સંગ્રહ કરવાનું સૂચન કરવામાં આવે છે અને એ સૂચનની સાથોસાથ એ પણ કહેવામાં આવે છે કે ઓછામાં ઓછા ૩ દિવસનું સ્ટોરેજ હોવું જોઈએ.
બીજા નંબરે આવે છે ફૂડ. ફૂડમાં પણ એવો ખોરાક જે લાંબો સમય બગડે નહીં અને જેને રાંધ્યા વગર કે ઓછી મહેનતે ખાઈ શકાય. આ પ્રકારના ફૂડમાં રેડી-ટુ-ઇટ ફૂડ-આઇટમ્સ, એનર્જી બાર, ડ્રાયફ્રૂટ્સ અને કઠોળને મુખ્યત્વે ગણવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાએ તો આ ઇમર્જન્સીની તૈયારીના ભાગરૂપે દરેક ઘરમાં કૅન ખોલવા માટે મૅન્યુઅલ કૅન ઓપનર હોવું જોઈએ એવું પણ કહી દીધું છે.
ખાન-પાન પછીના ક્રમમાં મૂકવામાં આવી છે ફર્સ્ટ-એઇડ કિટ અને બૅન્ડેજ, ઍન્ટિ-સેપ્ટિક ક્રીમ, પેઇનકિલર્સ અને સાથોસાથ ફૅમિલી મેમ્બર્સની નિયમિત ચાલતી દવાઓ.
હવે જે વાત આવે છે એનો અમલ તો બધા હિન્દુસ્તાનીઓએ પણ કરવાની જરૂર છે. ખાન-પાન અને દવા પછી વિકસિત દેશોની સરકાર એના નાગરિકોને કહે છે કે ઓછામાં ઓછા ૩૦ દિવસ ચાલે એટલી ફિઝિકલ કૅશ ઘરમાં રાખો. જો સાઇબર-અટૅક કે પાવર-ફેલ્યરના કારણે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ATM કામ કરતાં બંધ થઈ જાય તો નાના-મોટા વ્યવહારો માટે હાથ પર કૅશ હોવી અનિવાર્ય છે. નહીં તો હાથ કપાઈ જાય અને વ્યવહાર અટકી જાય. આપણે UPIના આદિ થઈ ગયા છીએ તો અમેરિકા, બ્રિટનમાં PayPal એટલું જ પૉપ્યુલર છે. પણ ના, એના આધારે બેસી રહેવાને બદલે ઘરમાં કૅશ રાખવાની સલાહ આ સરકારો આપે છે. 
આ પછી જે ચીજવસ્તુઓ કહેવામાં આવી છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ ઇમ્પોર્ટન્ટ પણ એટલી જ છે. સરકાર કહે છે કે ઇમર્જન્સી લાઇટ, ટૉર્ચ કે ફ્લૅશલાઇટ, વધારાની બૅટરીઓ, ચાર્જ્ડ પાવર-બૅન્ક, સમાચાર સાંભળવા માટે રેડિયો, મદદ માટે સિગ્નલ આપવા વ્હિસલ, વેટ વાઇપ્સ, સૅનિટરી પૅડ્સ અને જો ઘરમાં પેટ ઍનિમલ હોય તો એનો ખોરાક રાખવાનું ભૂલવું નહીં.
મુદ્દો જે હોય એ, પણ એક વાતની સાક્ષી તો ઇતિહાસ પણ આપે છે કે જ્યારે-જ્યારે પૉલિટિકલ મહત્ત્વાકાંક્ષાઓ ટકરાઈ છે ત્યારે-ત્યારે ભોગ સામાન્ય પ્રજા જ બની છે. ભૂતકાળમાં જે કામ 
યુદ્ધ દરમ્યાન મજબૂરીમાં કરવું પડતું એ જ તૈયારીઓ આજે આધુનિક જોખમો સામે બચવા માટે સરકારો સ્વેચ્છાએ કરવા કહી રહી છે. પણ હા, મિનિમલિસ્ટ માનસિકતાને પ્રાધાન્ય આપવા માટે અને એક ક્ષણ પણ ટેક્નૉલૉજીથી દૂર ન રહી શકવાની માનસિકતા સાથે જીવતી જેન-ઝી માટે આવો રસ્તો અપનાવવામાં આવે તો ખોટું પણ નથી. 

ગુઝરા હુઆ ઝમાના - બીજા વિશ્વયુદ્ધમાં શું થયેલું?
આજે ભલે દુનિયાના કેટલાક દેશોમાં ઘરોમાં રૅશન અને બીજી ઇમર્જન્સીમાં જરૂરી ચીજવસ્તુઓ સંગ્રહ કરવાની વાત કરાતી હોય, પણ નાગરિકોના ખાવા-પીવા પર કાપ મૂકવાની કે ઇમર્જન્સીને પહોંચી વળવા માટે પહેલેથી વ્યવસ્થા ઊભી કરવાની આ પ્રક્રિયા કંઈ પહેલી વારની નથી. આ અગાઉ બીજા વિશ્વયુદ્ધ સમયે એટલે કે ૧૯૩૯થી ૧૯૪૫ના સમયગાળા દરમ્યાન પણ આ કામ કરવામાં આવ્યું હતું.
ચાલીસના દશકમાં જર્મનીએ બ્રિટન પર હવાઈ હુમલાઓ શરૂ કર્યા ત્યારે બ્રિટિશ સરકારે અનાજની ભારે તંગીને પહોંચી વળવા રૅશન-બુક સિસ્ટમ દાખલ કરી હતી. એ અંતર્ગત દરેક બ્રિટિશરને કૂપન આપવામાં આવતી જેના આધારે જ ખાંડ, માખણ, નૉન-વેજ ફૂડ, મેંદો, કૉફી જેવી જરૂરી ચીજવસ્તુઓ મર્યાદિત માત્રામાં મળતી. બાળકો અને વડીલો માટે ક્વૉન્ટિટી વધારી મળતી, પણ બીજા લોકોએ સખત મર્યાદામાં જીવવું પડતું.
એવું નથી કે એ સમયે બ્રિટને જ રૅશન-બુક સિસ્ટમ જોઈ. અમેરિકા પણ એ જ હરોળમાં હતું. હા, અમેરિકાની ધરતી પર સીધું યુદ્ધ નહોતું થયું, પરંતુ સૈનિકો માટે ખાદ્ય સામગ્રી મોકલવા માટે અમેરિકાએ પણ ૧૯૪૨માં રૅશનિંગ લૉ લાગુ કર્યો હતો અને ગાડીઓનાં ટાયરથી લઈને પેટ્રોલ, કૉફી, ખાંડ અને નૉન-વેજ આઇટમો જેવી ચીજો પર કડક નિયંત્રણો લાદી દીધાં હતાં. આ પિરિયડમાં અમેરિકન ગવર્નમેન્ટ લોકોને પોતાના આંગણામાં જ શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરતી હતી, ઘરઆંગણે બનેલા આ બગીચાને વિક્ટરી ગાર્ડન્સ નામ આપવામાં આવ્યું હતું. આવા ગાર્ડન બનાવનારાઓના ઘરે કાઉન્સિલના સભ્યો જતા અને જે લોકો આજુબાજુના લોકોને ફ્રીમાં શાકભાજી આપી દેતા તેમને સરકાર દ્વારા પ્રતિ વીક એક ડૉલર આપવામાં આવતો.
એ જમાનામાં રાત્રે દુશ્મન વિમાનો હુમલો ન કરે એ માટે આખી રાત શહેરોમાં બ્લૅકઆઉટ રાખવામાં આવતું હતું અને ઘરોના બેઝમેન્ટમાં બૉમ્બ-શેલ્ટર્સ બનાવવામાં આવતાં. બ્લૅકઆઉટનું એક કારણ ઇલેક્ટ્રિસિટીની બચત પણ હતું.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 11:20 AM IST | United States Of America | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK