Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશના આ ગામમાં સ્પૅનિશ સહેલાણીઓ ખાસ આવે છે કેમ કે ગામલોકો મસ્ત સ્પૅનિશ બોલે છે

ઉત્તર પ્રદેશના આ ગામમાં સ્પૅનિશ સહેલાણીઓ ખાસ આવે છે કેમ કે ગામલોકો મસ્ત સ્પૅનિશ બોલે છે

Published : 01 November, 2026 10:37 AM | IST | Uttar Pradesh
Laxmi Vanita

હવે આ ગામનાં બાળકોને ફર્રાટેદાર સ્પૅનિશ બોલતાં જોઈને સ્પૅનિશ પર્યટકો ખાસ ગામની મુલાકાતે આવી રહ્યા છે.

પુરે બરવાન ગામનાં બાળકો સાથે રિઝવાન ખાન, સ્પૅનિશ ટૂરિસ્ટો સાથે પુરે બરવાન ગામનાં બાળકો અને યુટ્યુબ પર સ્પૅનિશ શીખવતો રિઝવાન.

પુરે બરવાન ગામનાં બાળકો સાથે રિઝવાન ખાન, સ્પૅનિશ ટૂરિસ્ટો સાથે પુરે બરવાન ગામનાં બાળકો અને યુટ્યુબ પર સ્પૅનિશ શીખવતો રિઝવાન.


બારાબંકી જિલ્લાના પુરે બરવાન ગામના હિન્દીના ટીચર રિઝવાન ખાનને સ્પૅનિશમાં હિન્દી શીખવવાની રિક્વેસ્ટ મળી જેને તેણે ચૅલેન્જ તરીકે સ્વીકારી અને ધીમે-ધીમે તેણે પોતે શીખેલી નવી ભાષા આખા ગામને શીખવી અને ગામની સિકલ જ બદલાઈ ગઈ. હવે આ ગામનાં બાળકોને ફર્રાટેદાર સ્પૅનિશ બોલતાં જોઈને સ્પૅનિશ પર્યટકો ખાસ ગામની મુલાકાતે આવી રહ્યા છે. એક અશક્ય લાગતા વિચારને હકીકતમાં ફેરવનાર રિઝવાન ખાનની અનોખી સફર તેની જ જુબાનીમાં જાણીએ

સરકારી નોકરીની પરીક્ષામાં મેઇન્સ પાસ કરવામાં નિષ્ફળતા મળતાં ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના હૈદરગઢ નજીક આવેલા પુરે બરવાન નામના નાનકડા ગામના વતની રિઝવાન ખાને આજીવિકા માટે પોતાની યુટ્યુબ ચૅનલ Our language School પર હિન્દી શીખવવાનું શરૂ કરેલું.  તેનો એક વિડિયો બોલિવિયા સુધી પહોંચ્યો અને સ્પૅનિશ ભાષામાં હિન્દી શીખવવાની વિનંતી મળી. બસ, અહીંથી શરૂ થઈ એક અનોખી સફર. ઑનલાઇન કમ્યુનિટીના મિત્રો પાસે સ્પૅનિશમાં પાઠ તૈયાર કરાવી, એને દેવનાગરી લિપિમાં રૂપાંતરિત કરીને અને સ્પૅનિશનાં શબ્દો-વાક્યો ગોખીને તેણે સ્પૅનિશભાષીઓને હિન્દી શીખવવાનું શરૂ કર્યું. કોવિડ બાદ પોતાના ગામને પર્યટનસ્થળ તરીકે વિકસાવવાનો વિચાર આવ્યો અને તેણે ગામનાં બાળકોને સ્પૅનિશ શીખવવાનું શરૂ કર્યું. આજે આ બાળકો સ્પૅનિશ બોલી શકે છે અને ગામની ઓળખ બદલાઈ ગઈ છે.



ઇન્ટરનેટ વ્યક્તિનું જીવન બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. એણે વ્યક્તિગત જીવનથી લઈને આખા ગામની ઓળખ સુધી અનેક પરિવર્તનો આણ્યાં છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટીના સહારે એક નાનકડા ગામની સૂરત બદલાઈ ગઈ હોય એવી અદ્ભુત કહાણીઓ પણ ભારતમાં આકાર લઈ રહી છે. આવી જ એક કહાણી છે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના હૈદરગઢ નજીક આવેલા પુરે બરવાન ગામના વતની મોહમ્મદ રિઝવાન ખાનની. લખનઉ અને પોતાના ગામ વચ્ચે કામકાજ તથા પારિવારિક જવાબદારીઓ નિભાવતા રિઝવાનની વાત કરવાની છટા એવી કે જાણે કોઈ પાડોશી બેઠાં-બેઠાં પોતાની વાત માંડી રહ્યો હોય, પરંતુ આ સહજ વાતો પાછળ એક અસાધારણ પ્રયાસની કહાણી છે. વિદેશીઓને ભારતની સાચી ઝલક બતાવવાના આશયથી રિઝવાન છેલ્લાં કેટલાંક વર્ષોથી પોતાના આખા ગામની સૂરત બદલવાના પ્રયાસમાં લાગેલો છે. આજે ખાસ કરીને સ્પૅનિશ પ્રવાસીઓના આગમનથી તેના ગામને એક નવી ઓળખ મળી રહી છે. ઇન્ટરનેટથી શરૂ થયેલી આ સફર શૂન્યમાંથી સર્જન સુધી કેવી રીતે પહોંચી એ જાણીએ.


સર્ટિફિકેટથી ઘર ન ચાલે

મધ્યમવર્ગીય પરિવારોમાં એવી માન્યતા હોય છે કે ક્રીએટિવિટી, વિડિયો-મેકિંગ કે કવિતાઓ લખવાથી ઘર ન ચાલે અને મારા ઘરમાં પણ આવો જ માહોલ હતો એમ વાતની શરૂઆત કરતાં મોહમ્મદ રિઝવાન ખાન કહે છે, ‘મારું ગામ બારાબંકીમાં છે અને પપ્પા લખનઉમાં નોકરી કરતા હતા. અમે બે ભાઈઓ અને બે બહેનો છીએ.
દાદા-દાદી હતાં ત્યારે વેકેશનમાં ગામડે જવાનું થતું. તેમના અવસાન બાદ મમ્મીએ ગામડે રહેવું પડ્યું એટલે તેમની મદદ કરવા માટે અમે પણ મોટા ભાગે ગામમાં રહેતા. મને એન્જિનિયરિંગનો શોખ હતો. બારમા ધોરણ પછી એન્જિનિયરિંગની પ્રવેશ-પરીક્ષાની તૈયારી માટે એક વર્ષનો ગૅપ પણ લીધો, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે ચારેય ભાઈ-બહેનોના અભ્યાસનો ખર્ચ સરળતાથી ઉઠાવી શકાય. એવામાં ન્યુઝપેપર દ્વારા મને જાણ થઈ કે લખનઉની KKC કૉલેજમાં BBAની કેટલીક બેઠકો ખાલી છે એટલે ૨૦૧૦માં એજ્યુકેશન લોન લઈને મેં ત્યાં પ્રવેશ લઈ લીધો. ત્યાં મેં એક નવી જ દુનિયા જોઈ. લોકો નાટકો કરતા, પબ્લિક સ્પીકિંગમાં ભાગ લેતા અને જાતજાતનાં સર્જનાત્મક કામ કરતા. મારામાં પણ પરિવર્તન અહીંથી જ શરૂ થયું. કવિતાઓ લખવાનો શોખ પણ કૉલેજકાળમાં જ જન્મ્યો. નાટકોમાં ભાગ લેતો, સર્ટિફિકેટ અને ટ્રોફી જીતતો. અખબારોમાં મારું નામ પણ છપાતું. જોકે મમ્મી કહેતાં કે આ સર્ટિફિકેટથી ઘર નહીં ચાલે, બીમારીમાં હૉસ્પિટલનું બિલ કવિતાઓ લખીને ન ચૂકવી શકાય. ઘરેથી સરકારી નોકરીની પરીક્ષાઓની તૈયારી કરવાનું દબાણ હતું એટલે મેં એ દિશામાં પ્રયાસ શરૂ કર્યા. પ્રિલિમ્સ પાસ કરી લેતો, પણ મેઇન્સમાં સફળતા મળતી નહોતી. એ દરમ્યાન સરકારી નોકરીની શોધમાં યુટ્યુબ પર વિડિયો જોતો રહેતો. મને હિન્દી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એક દિવસ વિચાર આવ્યો કે હું જ લોકોને ઑનલાઇન હિન્દી કેમ ન શીખવું?’


સ્પૅનિશનો એક શબ્દ આવડતો નહોતો

વિદેશીઓને હિન્દી શીખવવા માટે મેં પહેલાં મારી અંગ્રેજી સુધારી એમ જણાવતાં રિઝવાન કહે છે, ‘એ જ અરસામાં મને બ્રાઝિલનો એક વિદ્યાર્થી મળ્યો જેને મેં અંગ્રેજીમાં હિન્દી શીખવી. તેણે મને ૧૦૦૦ રૂપિયા પણ મોકલ્યા. ઇન્ટરનેટના માધ્યમથી મને પહેલી વાર પૈસા મળ્યા હતા. મારા માટે એ બહુ મોટી વાત હતી. કૉલેજ પૂરી થઈ ગઈ હતી અને એજ્યુકેશન લોન ચૂકવવાની હતી એટલે હું ટ્યુશન કરતો. કમાતો એટલા બધા પૈસા લોન ચૂકવવામાં જ જતા રહેતા. હિન્દી શીખવવાના વિડિયો બનાવવાનો વિચાર આવ્યો ત્યારે મને વિડિયો બનાવતાં કે એડિટિંગ કરતાં પણ આવડતું નહોતું. એ બધું શીખ્યો અને ૨૦૧૭માં ‘Our language School’ નામની યુટ્યુબ ચૅનલ શરૂ કરીને અંગ્રેજીમાં હિન્દી શીખવવાનું શરૂ કર્યું. મારો એક વિડિયો બોલિવિયા સુધી પહોંચ્યો. ત્યાંના કેટલાક લોકોએ મારો સંપર્ક કર્યો. તેમને હિન્દી શીખવી હતી અને ભારતની મુલાકાત પણ લેવી હતી. મેં તેમને પહેલો ટ્રાયલ ક્લાસ આપ્યો ત્યારે ખબર પડી કે તેઓ બધા સ્પૅનિશ બોલે છે. મેં તો જીવનમાં સ્પૅનિશનો એક શબ્દ પણ સાંભળ્યો નહોતો. તેમણે મને સ્પૅનિશમાં હિન્દી શીખવવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો. કૉલેજમાં નાટકો કર્યાં હતાં અને સ્ક્રિપ્ટ લખવાનો પણ અનુભવ હતો એટલે મેં વિચાર્યું કે એક શિક્ષક તરીકે ક્લાસમાં સ્પૅનિશમાં કયાં વાક્યો બોલવાની જરૂર પડે? એ મુજબ સ્ક્રિપ્ટ તૈયાર કરી અને આખું અઠવાડિયું એને ગોખવામાં કાઢ્યું. ડેમો ક્લાસ બાદ હિન્દી શીખવવા માટે મારી પસંદગી થઈ ગઈ. દર રવિવારે એક ક્લાસ લેતો. આ રીતે લગભગ ૪ મહિના સુધી ક્લાસ લીધા, જેના બદલામાં મને ૧૦૦ ડૉલર મળ્યા. આ પડકાર મેં જાતમહેનતે પાર પાડ્યો હતો. જોકે ત્યાર બાદ મને એક નવી સલાહ મળી - હવે સ્પૅનિશ ભાષામાં જ સ્પૅનિશ શીખવતા વિડિયો બનાવવાનું શરૂ કરું.’

ખૂલ્યાં નવી દુનિયાનાં દ્વાર

ભણાવતી વખતે વિદ્યાર્થીઓના પ્રશ્નનો જવાબ ન આવડે તો તેમની પાસે સમય માગીને બીજા દિવસે કહીશ એવી વિનંતી કરીને ક્લાસ ચલાવતો એમ જણાવીને રિઝવાન કહે છે, ‘વિડિયો બનાવવાની સફર દરમ્યાન ફેસબુક પર વિદેશી મિત્રો બન્યા હતા. તેમણે મને પ્રોત્સાહન આપ્યું કે સ્પૅનિશમાં જ વિડિયો બનાવવાનું શરૂ કરું. સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં પણ તેઓ મદદ કરશે એવી ખાતરી આપી. તેમણે મને સ્પૅનિશમાં સ્ક્રિપ્ટ મોકલવાનું શરૂ કર્યું. હું એ સ્ક્રિપ્ટ દેવનાગરી લિપિમાં લખી લેતો, ગોખતો અને પછી વિડિયો રેકૉર્ડ કરતો. મારા પહેલા જ વિડિયોને ૨૦,૦૦૦ વ્યુઝ મળ્યા. શરૂઆતમાં હિન્દી શીખવા માટે વિદ્યાર્થીઓ જોડાતા નહોતા. જોકે ત્યાં સુધીમાં હું સ્પૅનિશ ભાષા ઘણી શીખી ગયો હતો. મારા વિડિયો દૂર-દૂર સુધી પહોંચવા લાગ્યા અને કેટલાક લોકોએ મારી સાથે ભારતભ્રમણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. શરૂઆતમાં એકાદ-બે દિવસ માટે હું પ્રવાસીઓ સાથે ફરવા જતો. ૨૦૧૮માં કોલંબિયાથી સોલ નામની એક પ્રવાસી મારી સાથે જોડાઈ. તેણે મને ૨૬ દિવસ સુધી ભારતભ્રમણમાં સાથ આપવાનું કહ્યું. મને પ્રવાસન, બુકિંગ કે ટૂર-મૅનેજમેન્ટનો કોઈ અનુભવ નહોતો એટલે મેં તેને પ્રોફેશનલ ગાઇડની મદદ લેવાની સલાહ આપી. જોકે તે મારા વિડિયો અને ઑનલાઇન ક્લાસના માધ્યમથી મને અને મારા પરિવારને ઓળખતી હતી. એક મહિલા તરીકે તેના માટે સૌથી મહત્ત્વનો મુદ્દો સલામતીનો હતો. તેને મારા પર વિશ્વાસ હતો અને તેણે જ સમગ્ર પ્રવાસનું આયોજન કર્યું. તેને અંગ્રેજી કે હિન્દી આવડતી નહોતી, જ્યારે મને સ્પૅનિશનું તૂટ્યું-ફૂટ્યું જ્ઞાન હતું. મારે તો માત્ર તેને સાથ આપવાનો હતો. જોકે આ પ્રવાસ દરમ્યાન મારી બોલચાલની સ્પૅનિશમાં ઘણો સુધારો થયો. આમ ટૂરિઝમ ક્ષેત્રે મારી શરૂઆત થઈ. ધીમે-ધીમે મોટાં જૂથો મારી સાથે પ્રવાસ કરવા લાગ્યાં. આ રીતે અનેક લોકો સાથે ભારતભ્રમણ કર્યું.’

લૅપટૉપ પર સ્પૅનિશના પાઠ

કોવિડના ગાળામાં ગામમાં રહીને લૅપટૉપ પર હિન્દી શીખવવાના ઑનલાઇન ક્લાસ લેતાં-લેતાં ક્યારેય રિઝવાન ગામનાં બાળકોથી ઘેરાઈ જતો હતો. સર્ટિફાઇડ ટૂર ગાઇડ અને સર્ટિફાઇડ બેઝિક સ્પૅનિશનો શિક્ષક રિઝવાન કહે છે, ‘બાળકો કુતૂહલથી જોતાં કે આ સર કઈ ભાષામાં વાત કરે છે. ધીમે-ધીમે આ કુતૂહલ શીખવાની ઇચ્છામાં ફેરવાયું અને બાળકો મારી પાસે સ્પૅનિશ શીખવા આવવા લાગ્યાં. આમાં કોઈ મોટું આયોજન નહોતું. લૅપટૉપની આસપાસથી સ્પૅનિશ શીખવવાની શરૂઆત થઈ. હું માત્ર બાળકોને નવી ભાષા શીખવવાનો પ્રયાસ નહોતો કરી રહ્યો, હું જે ભાષા દ્વારા દુનિયાભરના લોકો સાથે જોડાયો એ જ ભાષા મારા ગામનાં બાળકો સુધી પહોંચાડી રહ્યો હતો. બાળકોને સ્પૅનિશના શબ્દો અને વાક્યો શીખવતાં-શીખવતાં મને એક નવી દિશા દેખાઈ કે ગામમાં રહીને પણ બહારની દુનિયા સાથે સીધો સંવાદ સાધી શકાય. કોવિડ વખતે ભારતમાં અનેક વિદેશીઓ ફસાઈ ગયા હતા. તેમને અહીં રોજિંદા જીવનમાં કામ લાગે એ માટે હિન્દી શીખવી હતી એટલે મેં તેમને ઑનલાઇન ટ્યુશન આપવાનું શરૂ કર્યું. એ જ દરમ્યાન મમ્મીએ મને ભારતીયોને સ્પૅનિશ શીખવવાની સલાહ આપી. શરૂઆતમાં લગભગ ૧૦ વિદ્યાર્થીઓ મળ્યા. મારી ફી પણ ઓછી હતી એટલે ધીમે-ધીમે વિદ્યાર્થીઓ જોડાવા લાગ્યા. આવી રીતે મારા ગામનાં બાળકોના સ્પૅનિશ બોલતા વિડિયો પણ વાઇરલ થયા. આ કહાણી કંઈક અજુગતી લાગતાં મીડિયામાં વાઇરલ થઈ. આજે મારા ગામનાં બાળકો સ્પૅનિશ બોલે છે એ જાણીને અહીં લોકોનો ધસારો થાય છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 10:37 AM IST | Uttar Pradesh | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK