Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભજન જૅમિંગની આખરી પાંચ મિનિટ અને કાયમ માટે અવાજ શાંત થઈ ગયો

ભજન જૅમિંગની આખરી પાંચ મિનિટ અને કાયમ માટે અવાજ શાંત થઈ ગયો

Published : 30 September, 2026 07:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુલુંડના કાલિદાસ ઑડિટોરિયમમાં લાઇવ પર્ફોર્મન્સ પૂરો થવાની છેલ્લી પાંચ મિનિટ બાકી હતી અને સિંગર દિલેશ દોશી ઢળી પડ્યા, બ્રેઇન-સ્ટ્રોક બાદ સારવાર દરમ્યાન ગઈ કાલે તેમનું નિધન થયું, મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં ઘેરો શોક

દિલેશ દોશી

દિલેશ દોશી


ગુજરાતી લાઇવ મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી અને મનોરંજનજગત માટે અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પોતાના અનોખા અવાજથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેતા અને સ્ટેજ પર ભરપૂર ઊર્જા સાથે પર્ફોર્મ કરતા ગાયક દિલેશ દોશીનું બાવન વર્ષની ઉંમરે નિધન થયું છે. દિલેશ દોશીને ભજન જૅમિંગના ચાલુ કાર્યક્રમ દરમ્યાન બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો અને મુલુંડની ફો‌ર્ટિસ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. ગઈ કાલે ૨૯ સપ્ટેમ્બરે બપોરે ૩.૩૫ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિલેશ દોશીની આમ અચાનક વિદાયથી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે.
દિલેશ દોશી RDX The Wireless Band સાથે સંકળાયેલા હતા. બૅન્ડના આયોજક તુષાર સોનિગ્રાએ ભારે હૈયે ​‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૪ સપ્ટેમ્બરે મુલુંડના કાલિદાસ ઑડિટોરિયમમાં ભજન જૅમિંગનો લાઇવ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સમગ્ર હૉલ ભક્તિના રંગમાં રંગાયેલો હતો. કાર્યક્રમ પૂરો થવાને માત્ર પાંચ જ મિનિટ બાકી હતી ત્યારે સ્ટેજ પર દિલેશને અચાનક બ્રેઇન-સ્ટ્રોક આવ્યો અને તેઓ ઢળી પડ્યા. તબિયત એકાએક લથડતાં તેમને તાત્કાલિક મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ બ્રેઇન-હૅમરેજ થયું હોવાનું નિદાન કર્યું હતું. પાંચ દિવસ સુધી જિંદગી અને મરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ આખરે તેઓ જિંદગીનો જંગ હારી ગયા હતા. બે વર્ષ પહેલાં પણ તેમને આવો એક નાનકડો અટૅક આવ્યો હતો, પરંતુ આ વખતે મેજર સ્ટ્રોક આવતાં સર્વાઇવ ન કરી શક્યા.’

તુષારભાઈએ આગળ જણાવ્યું હતું કે ‘અમારા માટે આ સમાચાર સ્તબ્ધ કરી દેનારા છે. અમારા બૅન્ડ અને આગામી નવરાત્રિ મહોત્સવ માટે દિલેશ માત્ર મુખ્ય કલાકાર જ નહોતો, મારો ભાઈબંધ અને અમારા આર્ટિસ્ટ-પરિવારનો સભ્ય હતો. સંગીત પ્રત્યેનો તેનો લગાવ અને નરમાશભર્યો વ્યવહાર યાદ આવે છે. દુનિયામાં આર્ટિસ્ટો તો ઘણા મળી જશે, પણ દિલેશ જેવો ભાઈબંધ ક્યાંથી લાવવો? આજે અમે એક ભાઈ, એક સાચો મિત્ર અને ઉમદા કલાકાર ગુમાવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી હૉસ્પિટલમાં દરરોજ કલાકારો અને મિત્રોનો મેળાવડો જામતો હતો. ૧૦૦ જેટલા લોકોની ભીડ ઊમટતી હતી. અમારો આખો મ્યુઝિક-પરિવાર તેના સાજા થવાની રાહ જોતો હતો, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.’



૧૦ વર્ષ પછી ઘાટકોપરમાં યોજાઈ રહેલા નવરા‌ત્રિ મહોત્સવ રાસરંગ 2026માં દિલેશ દોશી મુખ્ય સિંગર તરીકે પર્ફોર્મ કરવાના હતા. આ મામલે રાસરંગના આયોજક જિતેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ‘હજી ૨૦ સપ્ટેમ્બરે નવરાત્રિ પહેલાં યોજાયેલી પૂજામાં દિલેશ હાજર હતો અને ત્યારે તે એકદમ સ્વસ્થ અને ઉત્સાહમાં હતો. કોઈ કલ્પના પણ નહોતી કે આવું કંઈક બનશે. ૨૪ તારીખે તેને સ્ટ્રોક આવ્યો ત્યારે જ મેડિકલ પરિસ્થિતિ જોતાં અમને ખ્યાલ આવી ગયો કે સર્વાઇવ કર્યા પછી પણ તે સ્ટેજ પર પર્ફોર્મ નહીં કરી શકે. ભારે હૈયે અમારે તાત્કાલિક મોટો નિર્ણય લેવો પડ્યો અને તેની જગ્યાએ સિંગર તરીકે હર્ષિત ચૌહાણને બુક કરવો પડ્યો. તેના નિધનના સમાચારથી અમે ઊંડા આઘાતમાં છીએ.’


બાવન વર્ષના દિલેશ દોશીના પરિવારમાં પત્ની સોનલ દોશી, માતા મીના દોશી, દીકરી હિઝા, બહેન સ્વાતિ અને બનેવી ધર્મેશ ઉદવાની છે.

લાઇવ વાયર તરીકે ઓળખાતા હતા ‌દિલેશ દોશી
દોઢ દાયકાથી પણ વધુ સમયથી દિલેશ દોશી ગુજરાતી અને બૉલીવુડ લાઇવ મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. તેઓ અદ્ભુત પર્ફોર્મર હતા અને પ્રેક્ષકોને છેક સુધી જકડી રાખતા. અદમ્ય ઊર્જા અને હાઈ-વૉલ્ટેજ પર્ફોર્મન્સને કારણે સંગીતના ચાહકો તેમ જ સાથી કલાકારોમાં તેઓ લાઇવ વાયર (Live Wire) તરીકે લોકપ્રિય હતા. તેમની સંગીતયાત્રાને નવી ઊંચાઈઓ આપવાનું કામ તુષાર સોનિગ્રાના Beats 16 મૅનેજમેન્ટે કર્યું, જે હેઠળ તેઓ લાઇવ મ્યુઝિક બૅન્ડ RDX The Wireless Bandના લીડ સિંગર તરીકે દેશ-વિદેશમાં નામના મેળવી ચૂક્યા હતા. દિલેશની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ બૉલીવુડનાં રેટ્રો ગીતો, સૂફી સંગીત, ગરબા અને વેસ્ટર્ન ફ્યુઝન મ્યુઝિકને તાલમેલ સાથે સ્ટેજ પર રજૂ કરતા. તેમણે ૧૦૦૦થી વધુ સફળ લાઇવ પર્ફોર્મન્સ આપ્યા છે. સંગીતજગતમાં લાવેલા રિવૉલ્યુશનરી કન્સેપ્ટ ભજન જૅમિંગ અને ભજન ક્લબિંગમાં તેમણે પરંપરાગત પ્રાચીન ભજનો અને સ્તોત્રોને વેસ્ટર્ન બીટ્સ તથા ઇલેક્ટ્રૉનિક ડાન્સ મ્યુઝિક સાથે જોડીને એક નવો જ ટ્રેન્ડ શરૂ કર્યો હતો, જેને યુવા પેઢીએ ઉત્સાહભેર આવકાર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK