૨૪ કલાકની ફ્રી વિન્ડોમાં પણ કંપનીઓએ ગ્રાહકોને મેસેજ મોકલવા માટે ચાર્જ ચૂકવવો પડશે
પ્રતીકાત્મક તસવીર
જો તમે વૉટ્સઍપ પર કોઈ કંપની પાસેથી ઑર્ડર કે ડિલિવરી વિશેના મેસેજ મેળવો છો તો તમારા માટે કોઈ ચાર્જ નથી, પરંતુ કંપનીઓ માટે હવે વૉટ્સઍપ બિઝનેસ પ્લૅટફૉર્મ પર મેસેજ મોકલવા મોંઘા થવા જઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી મેટા પહેલી ઑક્ટોબરે ભારતમાં પોતાની પ્રાઇસિંગ પૉલિસીમાં ફેરફાર કરવા જઈ રહી છે. એ અંતર્ગત ૨૪ કલાકની વિન્ડોમાં મોકલાતા કેટલાક ફ્રી મેસેજ પર પણ ચાર્જ વસૂલ કરવામાં આવશે.
૩૦ સપ્ટેમ્બરે આ નિયમ પૂરો થઈ રહ્યો છે જ્યાં કંપનીઓ ૨૪ કલાકની અંદર ગ્રાહકને ઑર્ડર કન્ફર્મેશન કે ડિલિવરી અપડેટ ફ્રીમાં મોકલી શકતી હતી. પહેલી ઑક્ટોબરે નવા નિયમ મુજબ કંપનીઓને દર મહિને ૧૦૦૦ સર્વિસ મેસેજ મફત મળશે. ત્યાર બાદ મોકલાતા વધારાના મેસેજ માટે ૦.૧૧૫ રૂપિયા અને ૧૮ ટકા GST ચૂકવવો પડશે.
જો કોઈ કંપની ૧૫૦૦ મેસેજ મોકલે તો ૧૦૦૦ ફ્રી રહેશે અને બાકીના ૫૦૦ માટે ૫૭.૫૦ રૂપિયા વત્તા GST મળીને આશરે ૬૭.૮૫ રૂપિયા ચૂકવવા પડશે. જોકે મેટાએ ફેસબુક પેજ કે ક્લિક ટુ વૉટ્સઍપ ઍડ્સ પરથી આવતા મેસેજ માટે ૭૨ કલાકની ફ્રી વિન્ડો યથાવત્ રાખી છે. ગ્રાહકો માટે વૉટ્સઍપનો ઉપયોગ પહેલાંની જેમ જ સંપૂર્ણ ફ્રી રહેશે.
