વનીકરણના નામે શરૂ થયેલા કામને ત્રીજા ચરણમાં હવે અટકાવી દેવામાં આવ્યું છે પણ આખો મુદ્દો અને અત્યાર સુધીના ઘટનાક્રમને વિગતવાર સમજીએ
વનીકરણના નામે શરૂ થયેલા કામને ત્રીજા ચરણમાં હવે અટકાવી દેવામાં આવ્યું છે
આ ડિમાન્ડ છે બોરીવલીમાં ૨૭ જૈન સંઘોની આજે યોજાાનારી સભાની. પાલીતાણાના પર્વતનો એકેક કણ પવિત્ર છે ત્યારે ગિરિરાજનું મૅનેજમેન્ટ કરતી આણંદજી કલ્યાણજી પેઢી કયા આધારે ૨૧ ટનના મહાકાય મશીનથી પહાડ ચીરવાની સંમતિ આપી શકે? છેલ્લા બે મહિનાથી ચર્ચાઈ રહેલો આ વિવાદ અત્યારે ચરમસીમા પર પહોંચ્યો છે. વનીકરણના નામે શરૂ થયેલા કામને ત્રીજા ચરણમાં હવે અટકાવી દેવામાં આવ્યું છે પણ આખો મુદ્દો અને અત્યાર સુધીના ઘટનાક્રમને વિગતવાર સમજીએ
પાલીતાણાના શાશ્વત તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજની પવિત્રતા પર તરાપ મારવામાં આવી હોવાના આક્ષેપ સાથે હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રભરના જૈન સમાજમાં જ્વાળામુખી ફાટ્યો છે. વૃક્ષારોપણના રૂપાળા નામે પહાડ પર રસ્તા બનાવવા અને ભારેખમ મશીનરી ચલાવવા સામે શરૂ થયેલો વિરોધ હવે આરપારની લડાઈના મૂડમાં છે. મુંબઈના આશરે ૧૨૦૦ જૈન સંઘોમાં આ મુદ્દે સભાઓ યોજાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આજે બોરીવલીના ૨૭ જૈન સંઘો દ્વારા સવારે ધર્મયાત્રા અને મહાધર્મસભાનું આયોજન થયું છે, જ્યારે બપોરે સાયન જૈન ઉપાશ્રયમાં ગિરિરાજની ગ્રાઉન્ડ રિયલિટી બતાવતો વિડિયો-શો યોજાશે. આ આખો વિવાદ શું છે અને કયા કારણથી ઊઠ્યો એ સંદર્ભે આ આખા પ્રકરણ સાથે સંકળાયેલા તમામ પક્ષો સાથે સંપર્ક કરીને મિડ-ડેએ કરેલી વાતચીત પ્રસ્તુત છે.
ADVERTISEMENT
મુખ્ય મુદ્દો
એમાં બન્યું એવું કે શત્રુંજય પર્વતની હરિયાળી વધારવા માટે ગુજરાત સરકારના વન વિભાગ, યુએનએમ ફાઉન્ડેશન અને ટૉરન્ટ પાવર દ્વારા ગ્રીન પાલીતાણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, જેનો મુખ્ય ઉદ્દેશ કુલ ૪૦૦ હેક્ટર વિસ્તારમાં વનીકરણ કરવાનો હતો. આ માટે ૨૦૨૪ની ૧૧ જાન્યુઆરીએ રોજ પહેલો કરાર કરવામાં આવ્યો અને પ્રથમ તબક્કામાં ૪૦ હેક્ટર વિસ્તારમાં જુલાઈ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમ્યાન ૨૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી ટપક સિંચાઈની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. ત્યાર બાદ તળેટીથી ઇચ્છા કુંડ સુધી આશરે ૭૫૦ મીટર અને ૬૬૦ પગથિયાંની આસપાસના વિસ્તારમાં બીજા તબક્કા હેઠળ ૧૦૦૦ વૃક્ષો અને ૨૦૦૦ છોડ વાવવામાં આવ્યાં. આગળના વિસ્તરણમાં ૧૫૦ હેક્ટરના ત્રીજા તબક્કાની કામગીરી ઑગસ્ટ ૨૦૨૬થી શરૂ કરવામાં આવી, જ્યારે બાકીના ૨૧૦ હેક્ટરમાં ચોથા તબક્કા હેઠળ વનીકરણ કરવાનું આયોજન છે. આ વિસ્તાર પથરાળ અને ઢાળવાળો હોવાથી વૃક્ષો, માટી અને સિંચાઈની સામગ્રી પહોંચાડવા માટે કામચલાઉ રસ્તાઓ બનાવવા પડ્યા, જેમાં પોકલેન અને એક JCBનો ઉપયોગ થઈ રહ્યો હતો. અને અહીંથી જ આખા વિવાદની શરૂઆત થઈ. ગુજરાત સરકાર, આણંદજી કલ્યાણજી પેઢી અને કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી અંતર્ગત યુએનએમ ફાઉન્ડેશન અને ટૉરન્ટ પાવર વચ્ચે થયેલા કરારમાં પેઢીએ આ રીતે ગિરિરાજની શિલાઓને હાનિ થાય એવી અનુમતિ કઈ રીતે આપી અને આવનારા સમયમાં આ ડેવલપમેન્ટ ક્યાં જઈને અટકશે એ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ. સંખ્યાબંધ જૈનાાર્યોએ આ મુદ્દે પેઢીને પત્ર લખ્યો અને ગિરીરાજની પવિત્રતાના ભંગનો મુદ્દો ઉઠાવ્યો. જૈન શ્રાવકો પણ આ મુદ્દે ચર્ચાએ ઊતર્યા છે.
યુએનએમ ફાઉન્ડેશને શું કહ્યું?
આ રસ્તાઓ કાયમી નથી. વાવેતર પૂર્ણ થયા બાદ રસ્તાઓ બંધ કરીને ત્યાં પણ વૃક્ષારોપણ કરવામાં આવશે અને ખોદેલી માટીનો ઉપયોગ જમીન ફરી ભરવા માટે કરવામાં આવશે. હાલ કામ બંધ કરવામાં આવ્યું છે. અમે પહેલા ફેઝમાં JCBનો ઉપયોગ કરીને કામ કર્યું છે, કારણ કે રોડ બનાવવા માટે સુપરવિઝનમાં ગાંડો બાવળ કાપવાની મંજૂરી હોય છે, પરંતુ કોઈ ઝાડ કાપ્યા નથી અને જ્યાં ઝાડ નહોતા ત્યાં બાયપાસ કર્યો છે, જે કમિટીએ પણ જોઈ લીધું છે. અત્યાર સુધીમાં ૨૫થી ૨૬ હજાર જેટલા વૃક્ષ રોપવામાં આવ્યા છે. - જયેશ દેસાઈ, યુએનએમ ફાઉન્ડેશનના પ્રવક્તા
આણંદજી કલ્યાણજી પેઢી શું કહે છે?
મિડ-ડે સાથેની વાતચીતમાં આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ શ્રીપાલ શાહે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘પેઢીએ આ સમગ્ર બાબતે પોતાનું સ્પષ્ટીકરણ કરી દીધું છે અને અમે અમારી બધી જ રજૂઆતો પ્રવર સમિતિ સામે મૂકી દીધી છે. જે કોઈને પણ આ વિશે વાત કરવી હોય તેઓ પ્રવર સમિતિ સામે પોતાની વાત રજૂ કરી શકે છે. જ્યાં સુધી ૧૯ કિલોમીટરના રસ્તાની વાત છે, એ વિશે પણ પેઢી દ્વારા જરૂરી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.’ જોકે આ સિવાય ‘જો તમારે વધારે સ્પષ્ટતા જોઈતી હોય તો અમને રૂબરૂમાં મળવું પડે’ એમ કહીને તેમણે ફોન કટ કરી નાખ્યો હતો.
સભાઓનું આયોજન
શ્રી બોરીવલી ૨૭ જૈન સંઘોના ઉપક્રમે આજે સવારે ૯.૩૦ વાગ્યે જાંબલી ગલી ઉપાશ્રય ખાતે ધર્મસભા યોજાશે. આ અગાઉ સવારે ૮.૩૦ વાગ્યે ટી.પી.એસ. દેરાસરથી નીકળીને સાવરકર ઉદ્યાન અને ફૅક્ટરી લેન થઈને જાંબલી ગલી ઉપાશ્રય સુધી ધર્મયાત્રા યોજાશે. આયોજકો દ્વારા તમામ સંઘોને પોતાના બોર્ડ પર આ વિગતો મૂકવા અપીલ કરવામાં આવી છે, જેથી ચતુર્વિધ શ્રી સંઘને વનીકરણ દરમ્યાન થયેલા કથિત નુકસાન અને સોશ્યલ મીડિયા પર ફરતી વાતો વચ્ચે સાચું ચિત્ર સ્પષ્ટ થઈ શકે. બીજી તરફ રવિવારે બપોરે ૩થી ૫ વાગ્યા સુધી સાયન જૈન ઉપાશ્રય ખાતે પણ ગિરિરાજની વાસ્તવિક સ્થિતિ અને વિડિયો ફુટેજ સાથે લાઇવ કૉમેન્ટરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સંદર્ભે બોરીવલી ૨૭ જૈન સંઘના કન્વીનર સ્નેહલ શાહ કહે છે, ‘વૃક્ષારોપણના નામે પવિત્ર શિલાઓ તોડીને રસ્તા બનાવવામાં આવ્યા છે. પાલીતાણાના એક જીવાપુર નામના ગામ બાજુથી ગિરિરાજ પર આશરે ૧૯થી ૨૦ કિલોમીટરનો રસ્તો બની ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. આચાર્યો અને ગચ્છાધિપતિઓની સહમતી વિના કામગીરી થઈ છે. દોઢ મહિના પહેલાં અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ આશ્વાસન આપીને અમને ચૂપ કરી દેવામાં આવ્યા. જોકે હવે બહુ થયું. જૈનો માટે ગિરિરાજ સર્વસ્વ છે. એને એક કણ જેવી પણ હાનિ અમે નહીં ચલાવી લઈએ. અમારી દૃષ્ટિએ આચાર્યશ્રી અભયદેવસૂરિ મહારાજે પહેલાં આ પ્રશ્નને ઉઠાવ્યો હતો, પરંતુ અત્યારે તેમનું મૌન જોતાં અમને લાગે છે કે તેમને પણ મિસગાઇડ કરવામાં આવી રહ્યા છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને આ મામલે નેતૃત્વ લેવું જોઈએ. જોકે તેમણે સંપર્ક કર્યો હોવા છતાં પેઢીએ તેમને દાદ નથી આપી.’
વનવિભાગનો વ્યુ
ગિરિરાજ પર ગાઢ ફૉરેસ્ટ કરવાના હેતુથી શરૂ કરાયેલી આ આખી યોજનામાં ફૉરેસ્ટ વિભાગના માર્ગદર્શન અંતર્ગત કાર્ય થઈ રહ્યું છે. આ સંદર્ભે ડિવિઝનલ ફૉરેસ્ટ ઓફિસર યોગેશ દેસાઈએ મિડ-ડેને કહે છે, ‘રાજ્ય સરકારની મંજૂરી અને MOU હેઠળ ઇન્સ્પેક્શન બાદ વાવેતર માટે મંજૂરી અપાઈ છે. જ્યાં પણ અમને પરમિશનના અમલીકરણમાં ક્ષતિ દેખાઈ છે ત્યાં લેખિતમાં નોટિસ મોકલીને જવાબ પણ માગ્યો છે. સંપૂર્ણ લીગલી આખું કાર્ય કરવામાં આવી રહ્યું હતું. જે હેવી મશીનરીનો પર્વતમાં કામચલાઉ રસ્તો બનાવવામાં ઉપયોગ થયો છે એ સંદર્ભે પણ અમે તપાસ કરી રહ્યા છીએ.’
મુંબઈના આશરે ૧૨૦૦ સંઘોમાં સભાઓનું આયોજન થવાની ચર્ચા છે. તેમ જ થાણે, નાશિક, ધુલિયા, માલેગાવ અને નાનાં ગામડાંઓમાં પણ આંદોલન શરૂ થયું છે, જ્યારે સાયન, માટુંગા અને કોટનગ્રીન જેવા વિસ્તારોમાં નાના સ્તરે કામગીરી થઈ હોવાનું તેમણે નોંધ્યું.
