Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ પાનખરમાં...

આ પાનખરમાં...

Published : 22 November, 2026 01:57 PM | Modified : 22 November, 2026 02:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડું હાંફતી પ્રિશા એક બેન્ચ પર બેસી ગઈ. આ બેન્ચ પરથી સામે પથરાયેલા પ્રશાંત મહાસાગરનો સરસ વ્યુ દેખાતો હતો. વરુણની પણ આ ફેવરિટ જગ્યા હતી.

ઇલસ્ટ્રેશન

નવલિકા

ઇલસ્ટ્રેશન


પ્રિશાએ સ્માર્ટવૉચમાં જોયું. બરાબર કલાક થવા આવ્યો હતો. વર્ષોથી તે આ પાર્કમાં વૉક લેવા આવે છે. હમણાં સુધી તો વરુણ સાથે આવતો હતો. તેની સાથે વાત કરવાનો આ જ સમય તો મળતો હતો. બાકી લૉસ ઍન્જલસની સુપરફાસ્ટ લાઇફમાં પતિપત્ની પણ વીક-એન્ડમાં જ મળતાં હોય છે. વરુણની તો વાતો અટકે જ નહીં. વારે-વારે પ્રિશાના ખભે હાથ મૂકી પોતાની અસ્ખલિત વાતને સાંભળવા પ્રિશાને મજબૂર કરી દેતો. ઑફિસ, બિઝનેસ, ફ્રેન્ડ, પૉલિટિક્સ... ઘણી વાર પ્રિશા ટોકતી
‘વરુણ, બ્રિસ્ક વૉક સાથે બોલવું ઈઝ નૉટ હેલ્ધી.’
પણ સાંભળે કોણ?
થોડું હાંફતી પ્રિશા એક બેન્ચ પર બેસી ગઈ. આ બેન્ચ પરથી સામે પથરાયેલા પ્રશાંત મહાસાગરનો સરસ વ્યુ દેખાતો હતો. વરુણની પણ આ ફેવરિટ જગ્યા હતી.
વરુણનો સાથ ભલે ઓછો રહ્યો, પણ આટલાં વર્ષોમાં તેનો અનર્ગળ વરસતો પ્રેમ કેટલી મધુર યાદો તરીકે હૃદયમાં સચવાયેલી છે.
પાનખર ૠતુમાં અનેક પર્ણો ખરીને બેન્ચની આજુબાજુ પથરાઈ ગયાં હતાં. બૉટલમાંથી પાણી પીતાં વરુણ વગરના દિવસો કેવા લાગશે એ વિચારી તેનાથી એક નિઃશ્વાસ નીકળી ગયો. શૂન્યમનસ્ક એ સામે જોઈ રહી હતી.
વરુણ એટલે સ્નેહ, કાળજી, મૈત્રી, ધોધમાર પ્રેમના ઘાટા મિશ્રણનો શીતળ લેપ. 
 મેપલ ટ્રી પાનખરમાં નીખરી ઊઠ્યું હતું. પાતળી ડાળીઓ પર સુંદર લાલ પર્ણો બસ ખરતાં પહેલાંનું જીવન માણી રહ્યાં હતાં. 
‘એક્સ્ક્યુસ મી... કૅન આઇ સીટ હિયર?’
શાર્પ ફીચર્સ ધરાવતી પિસ્તાલીસની આસપાસ ઉંમર ધરાવતી પાતળી, પણ સશક્ત લાગતી સ્ત્રીએ સસ્મિત પૂછ્યું. 
પ્રિશાને નવાઈ લાગી. શનિવારની સવારે રોજ કરતાં વધારે માણસો પાર્કમાં આવે, પરંતુ આટલા મોટા પાર્કમાં અનેક ખાલી બેન્ચ હતી પછી અહીં બેસવાનો આગ્રહ શા માટે હશે?
‘ઓહ... શ્યૉર...’ કહેતાં તે થોડી ખસી.
‘ફૉલ સીઝન લુક્સ સો બ્યુટિફુલ. કુદરતના ક્રમમાં તો પાનખર વરસમાં એક વાર આવે, પરંતુ જીવનમાં કંઈ કેટલી વાર આવી જાય નહીં?’...
‘અં...હા... ટ્રુ...’ પ્રિશાએ એકાક્ષરી પતાવ્યું. 
‘તમે જરા સૅડ લાગતાં હતાં એટલે ખાસ અહીં આવી બેસી ગઈ. માય નેમ ઇઝ મોનિકા...’ આવનાર સ્ત્રીએ કહ્યું. 
‘યા... ડૉન્ટ નો હાઉ... બટ યસ. આઇ ઍમ પ્રિશા. આઇ હૅવ જસ્ટ લૉસ્ટ માય હસબન્ડ ટુ વીક્સ બૅક.’
‘ઓહ... આઇ ઍમ સો સૉરી. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. શું થયું હતું?’ 
‘કંઈ નહીં... બસ રાત્રે થોડું છાતીમાં દુખ્યું અને હૉસ્પિટલ લઈ ગયા, પણ પહોંચતાં પહેલાં જ...’ પ્રિશાનો સ્વર મંદ થઈ ગયો અને ગળામાં સહેજ ખરાશ બાઝી.
‘ઓહ... મૅસિવ હાર્ટઅટૅક. એટલે જ કહ્યું છે કે દિલ કોઈ પાસે તો ખોલવું જ જોઈએ. નહીં તો ક્યારે ફસડાઈ પડે કહેવાય નહીં.’ 
‘હં...’
‘શું તમને બધી જ વાત કહેતા હતા તે?’
‘હા... બધી જ. અમે સવારે વૉક લેવા આવીએ ત્યારે વરુણ જ બોલતો હોય.’
‘ઓકે...’ કહી મોનિકા અચાનક ચૂપ થઈ ગઈ. 
‘ઓકે... nice meeting you.’ કહી મોનિકા જતી રહી.
ખબર નહીં, પ્રિશાને એમ લાગ્યું એ અનિચ્છાએ ઊભી થઈ જતી રહી.
બેત્રણ દિવસ પ્રિશાના ખૂબ વ્યસ્ત ગયા. સરકારી વૉટર-સપ્લાયની ઑફિસમાં ઘણું કામ રહેતું. પાણીના સેમ્પલ ભેગા કરવા. એનું પૃથક્કરણ કરી રિપોર્ટ આપવા એ કોઈ વાર ખૂબ કંટાળાજનક લાગતું, પણ એય આશા હતી કે લોકોના સ્વાસ્થ્યનો આધાર લૅબોરેટરી દ્વારા તપાસ થયેલા શુદ્ધ પાણી પર હોય છે અને અમેરિકા એ માટે કોઈ આળસ કે બાંધછોડ ચલાવી લેતું નથી. નજીકના મિત્રવર્તુળમાં એ વૉટરબેબી તરીકે ઓળખાતી હતી.
આજે પ્રમાણમાં ઓછું કામ હતું એટલે ચાર વાગ્યે ઘરે આવી. તરત જ શૂઝ પહેરી પાર્કમાં ચાલવા આવી ગઈ. 
ખબર નહીં પાર્કને જોતાં જ વરુણની યાદ ઘેરી વળતી. હવેથી થોડે દૂર આવેલા બીજા પાર્કમાં ચાલવા જઈશ એમ વિચારી ઝડપથી ચાલવા લાગી. ૧૦ મિનિટ પછી તેને કોઈ પીછો કરતું હોય એમ સાથે ચાલતા પડછાયા પરથી લાગ્યું. તેણે પાછળ જોયું તો મોનિકા માથા પર હૂડી પહેરી પાછળ આવી રહી હતી.
‘હાય...’ કહી તેણે હાથ હલાવ્યો. 
નાછૂટકે પ્રિશાએ ઊભાં રહેવું પડ્યું. 
‘આજે આ સમયે? મેં તમને પહેલાં પાર્કમાં જોયાં નથી.
‘યસ... હું અહીં મારી કઝિન પાસે આવી રહેવા આવી છું. પછી જરા અટકીને બોલી, ‘ગોવા.. ઇન્ડિયાથી...’
‘પ્રિશા કંઈ ન બોલી. તેના હાવભાવનું અવલોકન કરતાં મોનિકા હળવેથી બોલી... ‘તમે ક્યારેય ગયાં છો ગોવા?’
‘ના...’
‘અને તમારા પતિ?’
અચંબિત થઈ પ્રિશાએ મોનિકા સામું જોયું. ‘નો નેવર... વરુણ ૧૨ વર્ષનો હતો ત્યારથી જ તેનું કુટુંબ અમેરિકા આવી ગયેલું. ઘણી વાર વડોદરાની શહેર અને તેની સ્કૂલની વાત કરતો, પણ ગોવા ક્યારેય નથી ગયો.’
‘હું અને વરુણ ગોવામાં સાથે મ્યુઝિક સ્કૂલમાં જતાં હતાં.’
‘વૉટ?’
‘આર યુ સિરિયસ? કોણ છો તમે? અને મને શા માટે ફૉલો કરો છો?’ પ્રિશાનો અવાજ જરા ઊંચો થઈ ગયો.
‘સી... તમે અપસેટ ન થતાં. મારે બસ થોડી જ વાત કરવી હતી. આપણે જરા બેસી જઈએ?’
અનાયાસે જ વરુણની ફેવરિટ બેન્ચ પર આવી બન્ને બેઠાં.
‘હું ક્યાંથી શરૂ કરું? પ્રિશા તમારાં લગ્ન ક્યારે થયાં?’
’૧૫ વર્ષ પહેલાં. વરુણ ૩૪ વર્ષનો હતો અને હું પાંત્રીસની... અમે મૅરેજબ્યુરો દ્વારા મળેલાં.’ 
‘અને બાળકો?’
‘નથી... લગ્ન જ મોડાં થયાં પછી બે-ત્રણ વર્ષ પછી ટ્રાય કરી, પણ કદાચ ઉંમર થવાને કારણે ન થયાં. મને ઇચ્છા હતી એટલે અમે એક અનાથાલયમાં એક આપણા ઇન્ડિયન છોકરાની બધી જવાબદારી લીધી હતી. તેનું નામ નીલ છે.’
તેનો ભણવાનો તથા મ્યુઝિક ક્લાસનો ખર્ચ અમે ઉઠાવતાં હતાં. દર પંદર દિવસે તે અમારા ઘરે આવે અને રહે. પછી પાછો જતો રહે. હવે સીએટલમાં ભણે છે. વેરી ગુડ બૉય.’
‘સો કાઇન્ડ ઑફ યુ. તમે તેને માતા-પિતાનો પ્રેમ આપ્યો. શ્રીકૃષ્ણે પણ યશોદામાને વધુ પ્રેમ આપ્યો હતોને...’
‘હા... નાનો હતો ત્યારથી જ ક્યુટ અને સ્વીટ હતો. હવે તો બાવીસ વર્ષનો ફુટડો જુવાન થઈ ગયો છે. કદાચ આ વીકએન્ડમાં મને મળવા આવશે.’ પ્રિશા ભાવુક થઈ ગઈ.
‘તમે નસીબદાર છો.’
‘યસ... વરુણ જેવો જ લવિંગ પ્રેમાળ છે. મોનિકા તમે મને કોઈ વાત કહેવાનાં હતાં.’ 
‘હં... હું અને વરુણ ગોવામાં મળ્યાં હતાં. ત્યારે વરુણ પચીસ વર્ષનો હતો અને અમેરિકન કંપની તરફથી ગોવા એક પ્રોજેક્ટ માટે આવ્યો હતો. હું ગોવાની જ છું. એક મ્યુઝિક સ્કૂલમાં અમે ગિટાર શીખતાં હતાં. મારા પિતાનું જલદી અવસાન થયેલું એટલે મારી માની જવાબદારી મારે માથે હતી. ઑડ જૉબ્સ કર્યા કરતી. મારા મહોલ્લાનો મરાઠી છોકરો સંજય ગાવકર અને હું સાથે ભણતાં. બારમી પછી તે પોલીસ-ઍકૅડેમીમાં જોડાઈ ગયો. તેણે મને પણ જોડાવાનું કહેલું, કારણ કે તે મને ખૂબ ચાહતો હતો. હું ક્રિશ્ચિયન છું તો પણ.’
‘પણ વરુણ સાથે મારે જનમ-જનમનું ઋણાનુબંધ હશે તેથી અમે મળ્યાં કે તરત જ એકબીજા પ્રત્યે અદમ્ય આકર્ષણ અનુભવતાં હતાં.’ 
પ્રિશા પારાવાર અચરજ અને આઘાતથી મોનિકાને જોઈ રહી. શું વરુણે આને પણ ઉત્કટતાથી ચાહી હશે?
અમે સાંજે ક્લાસમાં મ્યુઝિક શીખતાં અને પછી દરિયાકિનારે જઈને એની પ્રૅક્ટિસ કરતાં. ઉપર આસમાન, સામે દરિયો, બે જુવાન હૈયાં અને મ્યુઝિક... બસ પ્રેમમાં પડવા માટે આથી વધુ શું જોઈએ?’ 
મોનિકાએ એક ઊંડો શ્વાસ લીધો. તેનો અવાજ ગળગળો થઈ ગયો હતો. 
પ્રિશા પાષાણવત્ બધું સાંભળી રહી.
સામે મેપલ ટ્રીની ડાળ પરથી પાંદડાં ખરી રહ્યાં હતાં.
‘એક વર્ષ સુધીમાં ગોવાના બધા બીચ અને ખૂણેખૂણો અમારા પ્રેમનાં સાક્ષી બની ચૂક્યાં હતાં. વરુણ પાસે થોડા પૈસા હતા, પણ મારે તો ખુદ કમાવા હતાં. મને કોઈ-કોઈ નાની રેસ્ટોરાં અને બર્થ-ડે પાર્ટીમાં ગાવા મળતું, પણ મારે તો પોતાની નાની રેસ્ટોરાં ખોલવી હતી. એ માટે ક્યાંથી લાવવા પૈસા? 
સંજય હવે ગોવા પોલીસ-સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર થઈ ગયો હતો. વરુણની સાથે મારું અફેર જાણવા છતાં તેણે મને રેસ્ટોરાં માટે થોડી રકમ આપવા કબૂલ કરેલું. મારી મમ્મી મારી ચિંતા કર્યા કરતી. તેને પણ વરુણ ખૂબ ગમતો, પણ તે મને સંજય સાથે પરણવાનું કહ્યા કરતી.
એક સાંજે વરુણના બર્થ-ડે ૨૩ નવેમ્બરે અમે ઢળતાં સૂરજની સામે બીચ પર રેતીમાં બેસી ખૂબ ફેની પીધી. નશામાં મેં તેને મારી સાથે લગ્ન કરવાનું કહ્યું. તે ખૂબ ખુશ થઈ ગયો અને અમે મંદિર શોધવા નીકળ્યાં. ક્યાંક દૂર એક શિવાલય ખુલ્લું હતું. બહારથી ફૂલનો હાર ખરીદી અમે અંદર જઈ એકબીજાને પહેરાવી દીધા. વરુણને થોડા મંત્રો આવડતા હતા એ થોડી લથડાતી જીભે બોલ્યો અને અમે કિસ કરી. રસ્તે જતા એક જણ પાસે અનેક પૉઝમાં ફોટા પડાવ્યા.’ 
પ્રિશા અસ્વસ્થ થઈ જરા સીધી બેસી ગઈ. હજી તેને આ બધું સાવ જુઠ્ઠું અને બનાવટી જ લાગતું હતું. 
‘એ રાતે અમે થોડી સસ્તી હોટેલમાં ગયાં અને મધુરજની ઊજવી. બીજા દિવસે સવારે અગિયાર વાગ્યે આંખ ખૂલી ત્યારે અમને સમજાયું કે અમે ક્યાં અને કેમ હતાં.’
Varun was thoroughly a gentleman. તે મૂંઝાયો, પણ તેણે મારો સ્વીકાર કર્યો. મેં તેને કોઈ વાતે દબાણ નહોતું કર્યું અને જો તેની ઇચ્છા ન હોય તો સઘળું ભૂલવા તૈયાર હતી, પણ તે એક સાચો પ્રેમી હતો. નિષ્ઠાવાન અને ખૂબ સંવેદનશીલ...’
‘હા... પ્રેમાળ અને સંવેદનશીલ...’ પ્રિશા અભાન રીતે બોલી. લગ્ન વખતે અમે મૅચ્યોર હતાં અને મારાં માતાપિતા તો ચિંતામુક્ત થયાં હતાં. એટલે ખાસ ઉદાસ થવાનો પ્રશ્ન નહોતો.
વિદાય વખતે જ્યારે હું જરાતરા રડી ત્યારે વરુણની આંખો તો અનરાધાર જ વરસી રહી હતી. કોઈકે ટીખળ કરી હતી કે સાસરે કોણ જાય છે? પણ હવે મને સમજાય છે એ આંસુ તમારાં લગ્નની સ્મૃતિની વેદનાને કારણે હતાં.’ 
‘હોઈ શકે... વરુણની દરેક લાગણી સાચી જ હતી. મારી સાથે અને તમારે માટે પણ...’
અમે બધાંને લગ્નની વાત એક વાર રેસ્ટોરાં લઈ જઈએ પછી કહીશું એમ નક્કી કરેલું. રેસ્ટોરાં ખરીદવા મારા અંકલે પણ પૈસા આપવાનું કહેલું, તેથી એક દિવસ તેમને મળવા ગઈ. તે મારો અંકલ ગોરખધંધા કરીને પૈસા કમાયેલો. તેણે મને એક ગિફ્ટ ણૅપ કરેલું બૉક્સ આપીને કહ્યું કે તેના એક ફ્રેન્ડના ઘરે આપી આવ અને તે રેસ્ટોરાં માટે ચોક્કસ મદદ કરશે.
અંકલનો ફ્રેન્ડ ખૂબ દૂર રહેતો હતો અને સાંજ પણ પડી હતી તેથી વરુણ મારી સાથે આવવા તૈયાર થઈ ગયો. હું સ્કૂટર ચલાવતી હતી અને તે મને પાછળ કમરેથી વળગીને મોટેથી ગીત ગાઈ રહ્યો હતો. 
જ્યારે અમે ફ્રેન્ડના ઘરે પહોચ્યાં ત્યારે જોયું કે તે રશિયન હતો અને સાવ ઝૂંપડા જેવું ઘર હતું. કાકાનો ફ્રેન્ડ આવો મેલોઘેલો? તેણે કહ્યું કે આજે તેનો બર્થ-ડે હતો. તે અંદર કેક લેવા ગયો. એટલામાં જ અચાનક ક્યાંકથી પોલીસ આવી ચડી અને અમને ઘેરી વળ્યા. દરેકના હાથમાં ગન હતી.
મારી પાસે ગિફ્ટ-બૉક્સ હતું. ઇન્સ્પેક્ટર સંજય મને જોઈને અચંબિત થઈ ગયો. 
‘મોનિકા તું? ડ્રગ્સ?’ 
‘નો નો... સંજય હું તો અંકલના ફ્રેન્ડને ગિફ્ટ આપવા આવેલી.. ઓહ. નો... આમાં ડ્રગ્સ છે?’ 
સંજયે મારા હાથમાંથી બૉક્સ ઝૂંટવી રૅપર ફાડ્યું. બૉક્સ ખોલતાં જ અંદરથી પ્લાસ્ટિકમાં પૅક કરેલું કોકેન મળી આવ્યું. 
પોલીસ-સ્ટેશનમાં મારી મા પારાવાર રડતી હતી. અંકલે ડ્રગ્સની જવાબદારી જ ન લીધી, પણ મેં સંજયને ખૂબ વિનવણી કરી, વરુણને છોડી દેવા કહ્યું. પહેલાં તો વરુણ ન માન્યો અને કેસ લડીશું, વકીલ રોકીશું વગેરે કહેતો રહ્યો, પરંતુ સબૂત મારા હાથમાં જ હતાં. સંજયની લાગવગથી વરુણનું નામ કેસમાં ન આવ્યું, નહીંતર તેની જૉબ, તેનો વિઝા, તેનાં માબાપ કરીઅર બધું ખતમ...
મને ૭ વર્ષની જેલ થઈ. વરુણ વારંવાર મને મળવા આવતો. તેના બધા મિત્રો તેને વારતા રહ્યા, છતાં તે આવતો..
વરુણનું હવે આ છેલ્લું વર્ષ હતું અને ખૂબ કામ હતું. હું પ્રેગનન્ટ હતી. હસવું કે રડવું કે ખુશ થવું કે દુખી થવું મને સમજાતું નહોતું. મેં સંજયને મનાવીને મારી જેલ બદલાવી દીધી હતી. હવે વરુણ રોજ-રોજ મળવા આવી શકતો નહોતો. અમે કૅથલિક હતાં એટલે મારી મા અબૉર્શન કરાવવાથી ડરતી હતી. મારા જેલ જવા ને પ્રેગ્નન્ટ થવાના આઘાતમાં એ પણ થોડા સમય પછી ડિપ્રેશનમાં સરી ગઈ હતી.
વરુણનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં હતો અને તેને સખત કામ રહેતું હતું. ઘણી વાર તે ઑફિસમાં જ સૂઈ જતો. મારી માસી મને નિયમિત વરુણના ખબર આપતી રહેતી. પૂરા દિવસે મેં એક છોકરાને જન્મ આપ્યો. ત્રણ મહિના પછી મારી માસીએ તેને દત્તક રાખી લીધો. 
આખરે વરુણનો પ્રોજેક્ટ પૂરો થયો. તેણે મારી માસી પાસેથી બધી વાત જાણી લીધી. 
તે મને જેલમાં મળવા આવ્યો. અમે બંને ખૂબ રડ્યાં. જીવન એક એવા વળાંક પર આવીને ઊભું હતું જ્યાંથી અમે બંને સાથે ચાલી શકીએ એવો એકેય રસ્તો નહોતો. અનેક પ્રશ્નો, શક્યતાઓ વિચાર્યા પછી પણ કોઈ સમાધાન મળ્યું નહીં. મેં વરુણને અમેરિકા જઈ એક નવી જિંદગી શરૂ કરવા કાલાવાલા કર્યા. વરુણના પપ્પા-મમ્મીના વારંવાર ફોન આવતા હતા. 
આખરે તે માન્યો, પણ...
પ્રિશા ઉત્સુક થઈ ઊઠી. તેણે મોનિકાની આંખ સામે જોયું. 
ભલે... હું કાયમ માટે તારાથી દૂર જઈશ, પણ એકલો નહીં જાઉં. બાળકને પણ લઈ જઈશ. 
‘કોઈ પૂછશે તો શું કહીશ? તેની દેખભાળ કોણ કરશે? 
‘હું તેને સારા અનાથાલયમાં મૂકી તેની જવાબદારી લઈશ, તારી માસીને પણ લઈ જઈશ.
‘એટલે... એટલે... નીલ તારો અને વરુણનો છોકરો..? ઓહ માય ગૉડ... અને આટલાં વર્ષ હું તેને મારો સમજતી રહી.’ પ્રિશા રડી પડી.
‘તે તમારો જ છે. હું તો તેને ક્યારેય મળી નથી. ફક્ત ફોટા જોયા છે... મારી માસી અહીં જ રહે છે. લીલી રોડ્રિક્સ.
‘ઓહ... લીલીઆન્ટી. તમે બધાંએ મારાથી કેટલું છુપાવ્યું. પ્રિશા બે હાથમાં મોં છુપાવી બોલી.
‘માસી કાયમ તમારા ખુશહાલ લગ્નજીવનની વાતો કરતી અને મને એક સંતોષ અને હાશકારો થતો. વરુણ તમને ખૂબ પ્રેમ કરતો હતો.
બસ હું તમને આ સત્ય કહ્યા વગર આ દુનિયા છોડી ન શકત. આ અમારાં લગ્ન પછીના ફોટા છે.
પ્રિશા આઘાતથી ફોટા જોઈ રહી.
We are sorry. તમે વરુણનો સાચો પ્રેમ પામ્યાં છો અને સાચો પ્રેમ આપ્યો છે. તમે તેનાં માતાપિતાને સાચવ્યાં છે. હવે એક આખરી ઉપકાર કરશો?
‘શું? 
એક વાર મને નીલને મળવા દો. મારી ઓળખાણ ન આપતાં. બસ તે જ્યારે આવે ત્યારે તમારી સખીને નાતે તેને હાલતાં-ચાલતાં-બોલતાં જોવો છે... બસ એક વાર.
‘I do not know... હું એ કરી શકીશ કે નહીં.’ કહી પ્રિશા લગભગ દોડતી પાર્ક છોડી ગઈ. 
મોનિકા સ્તબ્ધ શી ઊભી રહી...
સામે મેપલ ટ્રીનાં અવિરત ખરતાં પાંદડા જાણે સ્મરણોનો ઢગલો પાથરી રહ્યાં હતાં.

(સમાપ્ત)



- માના વ્યાસ (સ્પંદના)


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK