આ દુનિયામાં ભૂલવા જેવું જીવન તો લાખો-કરોડો લોકો જીવી વિદાય લે છે, પરંતુ કોઈક એવા મહાપુરુષ હોય જેની વિદાય પછી યુગો યુગો સુધી સૌના હૃદયમાં તેમની જીવંત જ્યોત પ્રજ્વલિત હોય છે
વેરાવળમાં ઊજવાયો નૂતન ધર્મસ્થાનકમાં ધર્મોત્સવ
આ દુનિયામાં ભૂલવા જેવું જીવન તો લાખો-કરોડો લોકો જીવી વિદાય લે છે, પરંતુ કોઈક એવા મહાપુરુષ હોય જેની વિદાય પછી યુગો યુગો સુધી સૌના હૃદયમાં તેમની જીવંત જ્યોત પ્રજ્વલિત હોય છે. એવા સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજસાહેબની ૬૮મી પુણ્ય સ્મૃતિના અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં ૨૮-૨૯ ડિસેમ્બરે નૂતન જૈન ઉપાશ્રય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
શ્રી ભીખાલાલ નેમચંદ શાહ પરિવારના આંગણેથી પ્રારંભ થયેલી અનેક વિવિધતાથી શોભતી ભવ્ય શોભાયાત્રા જિનશાસન અને ગુરુવર્યોનો જય-જયકાર ગજાવતી ડુંગર દરબારમાં પહોંચતાં જ ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. આ અવસરે સદાનંદી પૂજ્ય શ્રી સુમતિબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી હસ્મિતાબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી કલ્પનાબાઈ મહાસતીજી તથા પૂજ્ય શ્રી અજિતાબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી સુનીતાબાઈ મહાસતીજી આદિ એવમ્ પૂજ્ય શ્રી પરમ પવિત્રાજી મહાસતીજી આદિ ઠાણાની પાવન નિશ્રામાં સૌરાષ્ટ્રભરના શ્રી સંઘો, શ્રેષ્ઠીવર્યો, મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સાથે લાઇવના માધ્યમથી દેશ-વિદેશના લાખો ભાવિકો એ પળના સાક્ષી બન્યા હતા જ્યારે માત્ર ૭ મહિનાના અલ્પ સમયમાં સર્જન પામેલ નૂતન ધર્મસ્થાનક શ્રી શોભાચંદ કરસનજી ધર્મવત્સલા હેમાક્ષીબહેન રમેશભાઈ જમનાદાસ શાહ જૈન ઉપાશ્રયનું દ્વાર ઉદ્ઘાટન લાભાર્થી શ્રી શેઠ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
વિશેષરૂપે વેરાવળના શ્રી રાજેશભાઈ ચૂડાસમા, સંસદસભ્ય; શ્રી વિમલભાઈ ચૂડાસમા, ધારાસભ્ય; શ્રી પલ્લવીબહેન જાની, મ્યુનિસિપલ પ્રમુખ; શ્રી ઝવેરીભાઈ ઠકરાર, મંત્રી શ્રી પ્રદેશ ભાજપ; શ્રી રાજશીભાઈ જોટવા, Ex MLA; શ્રી માનસિંગભાઈ પરમાર, Ex BJP President; શ્રી નવીનભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી શાંતિનાથ જૈન દેરાસર, ચૅરમૅન VMC Bank, ટ્રસ્ટી વેરાવળ પાંજરાપોળ; શ્રી ઉદયભાઈ શાહ પ્રમુખ નવનાત વણિક સમાજ ઉપસ્થિત રહ્યા હતા.
ગુરુ પ્રાણને મહાપુરુષરૂપે ઓળખાવીને પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે મહાપુરુષોનો સંકલ્પ પહાડ જેવો હોય, એક વાર લેવાય તો કદી તૂટે નહીં. હૃદયમાં સ્થાન એવા ગુરુ-પરમાત્માને આપો જે તમને સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચાડી દે, મોક્ષ સુધી પહોંચાડી દે.
બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત ગુરુ પ્રાણ જીવન દૃશ્યાવલિની અદ્વિતીય પ્રસ્તુતિ સાથે નાનાં ભૂલકાંઓ અને યુવાનોએ વિવિધ નૃત્ય-નાટ્ય પ્રસ્તુતિ કરી હતી. શ્રી હેમાક્ષીબહેન રમેશભાઈ શાહ એવમ શ્રી નિકિતાબહેન ભૂષણભાઈ શાહે ચતુર્થ શ્રાવક વ્રત - નાની દીક્ષાના પ્રત્યાખાન ગ્રહણ કર્યા હતા. સાથે જ પ્રથમ ઇંગ્લિશ આગમ શ્રી ઉપાશક દશાંગ સૂત્રનું અહોભાવે શ્રુતપૂજન એવમ્ આગમોનું મહત્ત્વ દર્શાવતી સુંદર નાટ્ય પ્રસ્તુતિ સાથે મહોત્સવની યશકલગી સમાન અર્હમ રિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત સાધર્મિક ભાવિકોને પોતાની માલિકીની રિક્ષા અર્પણ કરવાનું સત્કાર્ય તેમ જ ઑલ ઓવર વર્લ્ડમાં લુક ઍન લર્નની ૧૦૦થી વધુ શાખાઓ બાદ વેરાવળની ભૂમિ પર ઑર એક શાખાનો પ્રારંભ થતાં વાતાવરણ હર્ષોલ્લાસિત થયું હતું.
નૂતન ઉપાશ્રયના નિર્માણ અર્થે અનુદાન અર્પણ કરનાર દરેક લાભાર્થી પરિવારને શ્રી સંઘ તરફથી ચાંદીની માળા એવમ્ પરમ ગુરુદેવના શ્રી હસ્તે સન્માનનું પ્રતીક અર્પણ કરવામાં આવ્યું હતું. ઉપાશ્રયના નવસર્જનમાં સેવા અર્પણ કરનાર શ્રી ધવલભાઈ કારભારીનું ગોંડલ સંપ્રદાય વતી શ્રી હરેશભાઈ વોરા, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, શ્રી જિજ્ઞેશભાઈ વોરા, શ્રી મનીષભાઈ દેસાઈએ સન્માન કર્યું હતું.
શ્રી ઉવસ્સગહર સ્તોત્ર અભિમંત્રિત કળશનો લાભ શ્રી સુરેશભાઈ કંપાણી, શ્રી ધવલભાઈ કારભારી, શ્રી નિર્મળભાઈ શાહ અને શ્રી નરેન્દ્રભાઈ દોશી લઈ ધન્ય બન્યા હતા.
વિશેષમાં નૂતન ધર્મસ્થાનકના ઉદ્ઘાટનની પાવનતાનો આનંદ પ્રસરાવવા વેરાવળના ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવેલા ચણાના લોટના ૫૦,૦૦૦થી વધુ લાડવા વેરાવળ તેમ જ આસપાસના વિસ્તારોના હજારો જરૂરિયાતમંદ પરિવારોમાં અર્પણ કરીને સૌને આ અવસરમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા.