શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ વિદેશમાં પોતાનો બિઝનેસ છોડીને આવી હોય અને દેશમાં પરત ફરીને પાણીપુરી વેચતી હોય? તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં મારી મુલાકાત આવી જ એક વ્યક્તિ સાથે થઈ હતી. મેહુલકુમાર અને તેમનાં પત્ની દીપાબહેન છેલ્લા બે વર્ષથી `સૌરાષ્ટ્ર પાણીપુરી એન્ડ સ્નેક્સ સેન્ટર` નામથી સફળતાપૂર્વક પાણીપુરીનો વ્યવસાય ચલાવી રહ્યા છે. સમાજનો મોટો હિસ્સો, ખાસ કરીને મહિલાઓ, પાણીપુરી ખાવાની ભારે શોખીન હોય છે. પાણીપુરીનું નામ પડતાં જ કેટલીક મહિલાઓ તરત તે ખાવા પહોંચી જાય છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ પાણીપુરી સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે અને સરળતાથી મળી પણ જાય છે, પરંતુ જ્યાં કોઈ વાનગી પોતાના અનોખા સ્વાદને કારણે અલગ અને ખાસ સ્થાન ધરાવે છે, ત્યા હું ચોક્કસપણે મુલાકાત લઉં છું. સૌરાષ્ટ્ર પાણીપુરી સેન્ટર નિકોલમાં તેની ઉત્તમ સેવા અને સ્વાદિષ્ટ સ્વાદ માટે ખાસ જાણીતું છે. પાણીપુરી, દહીં પુરી, સેવ પુરી અને ગ્રીન રગડાપુરી જેવી મજેદાર વાનગીઓ માટે સેંકડો ગ્રાહકો અહીં દિનપ્રતિદિન આવે છે. ચોખ્ખાઈ અને વ્યવસ્થાપનમાં વિશિષ્ટ કાળજી રાખવાના કારણે, આ સ્થાન સ્થાનિક અને આજુબાજુના વિસ્તારોના લોકોમાં ખૂબ લોકપ્રિય બની ગયું છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
20 September, 2024 04:27 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent