શાસ્ત્રોમાં સાતેસાત દિવસને એક ચોક્કસ ગ્રહ સાથે જોડવામાં આવ્યા છે ત્યારે એ જાણવું જરૂરી છે કે કયા દિવસે કયા પ્રકારનું કામ કરવું બેસ્ટ છે
પ્રતીકાત્મક તસવીર
શાસ્ત્રોમાં રોજબરોજની ઉપયોગી ઘણી એવી વાતો છે જેમને આજના જીવનમાં પણ લાવવામાં આવે તો જીવન બહેતર બને. આજે આપણે એ વાત કરવાની છે કે અઠવાડિયાના ૭ દિવસ દરમ્યાન કયું કામ કરવા માટે કયો દિવસ શ્રેષ્ઠ છે? શાસ્ત્રોમાં દરેક દિવસને એક વિશેષ મહત્તા આપવામાં આવી છે. એ મહત્તાને ધ્યાનમાં રાખીને જ આપણે કયા દિવસે કયું કામ કરવું શ્રેષ્ઠ છે એની ચર્ચા કરવાના છીએ.
નવા કામ માટે સોમવાર
ADVERTISEMENT
મન માટે ચંદ્ર છે અને સોમવાર ચંદ્રનો દિવસ છે. ઇન્ટ્યુશન અને પર્ફેક્ટ પ્લાનિંગ સાથે જો કોઈ કામ આગળ વધારવા માગતા હો અને જો દિવસ પસંદ કરવાનું હાથમાં હોય તો સોમવારને પસંદ કરવો જોઈએ. ફાઇનૅન્શિયલ પ્લાનિંગની શરૂઆત પણ સોમવારથી કરવી જોઈએ અને આધ્યાત્મિકતાને લગતો જો કોઈ નિર્ણય લેવો હોય તો પણ સોમવાર એના માટે બેસ્ટ છે. નવા વર્ષે જો કોઈ રેઝોલ્યુશન લીધું હોય અને એનું પાલન ન થઈ શકે તો એની નવેસરથી શરૂઆત કરવા માટે સોમવારને પસંદ કરજો. એ રેઝોલ્યુશન સફળ થવાની સંભાવના વધી જશે.
અમલ માટે મંગળવાર
મંગળ ગ્રહની વાત કરીએ તો એ હાઈ-એનર્જી ધરાવતો ગ્રહ છે તો સાથોસાથ મંગળ ઍક્શનનો દિવસ છે. પડકારજનક, જેમાં સાહસની જરૂર પડતી હોય કે પછી કઠિન કાર્ય હોય તો એ શરૂ કરવા માટે મંગળવારની પસંદગી કરવી જોઈએ. મંગળવારે આરંભેલું કામ મોટા ભાગે અટકતું નથી તો સાથોસાથ એ પણ એટલું જ સાચું કે મંગળવારે લીધેલો નિર્ણય મોટા ભાગે અકબંધ રહે છે, કારણ કે મંગળ જીદ આપવાનું કામ પણ કરે છે. કાયદાકીય પેપર્સ કે કૉન્ટ્રૅક્ટ કરવા માટે પણ મંગળવારનો દિવસ શ્રેષ્ઠ છે.
બ્રૅન્ડિંગ માટે બુધવાર
બુધ ગ્રહ કમ્યુનિકેશનનો ગ્રહ છે અને એટલે જ બુધવારનો દિવસ કમ્યુનિકેશન માટે શ્રેષ્ઠ છે. નવું ઍડ્વર્ટાઇઝિંગ કૅમ્પેન અથવા સોશ્યલ મીડિયા કૅમ્પેન કરવા માટે બુધવાર સારો દિવસ છે તો સાથોસાથ મીટિંગ માટે પણ બુધવાર બેસ્ટ છે. ક્રીએટિવ ફીલ્ડ સાથે સંકળાયેલા લોકોએ પણ પોતાના કામની શરૂઆત જો બુધવારથી કરવાની આવે તો ખુશ થવું. સારી વસ્તુ ખરીદવા માટે પણ બુધવારને બેસ્ટ માનવામાં આવ્યો છે. બુધવારના દિવસે નવી વ્યક્તિ સાથે મીટિંગ થાય તો તે વ્યક્તિ કેટલી કામની છે એ ઇન્ટ્યુશન પણ બહુ ઝડપથી મળી જવાની સંભાવના રહે છે. અલબત્ત, એ વ્યક્તિના ઇન્ટ્યુશન-પાવર પર પણ આધાર ધરાવે છે.
પ્રૉપર્ટી લેવા માટે ગુરુવાર
ગુરુવારને તો અનેક કામો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ કરીને વૃદ્ધિ અને સંપત્તિના વિકાસ માટે એ ઉત્તમ છે. જો પ્રૉપર્ટી ખરીદવાની હોય તો એના માટે ગુરુવાર પસંદ કરવો જોઈએ. એજ્યુકેશન-પ્લાનિંગ પણ ગુરુવારના દિવસે કરવામાં આવે તો એનું સફળ રિઝલ્ટ મળે છે. સ્પિરિચ્યુઅલ દિશાનો કોઈ પણ નિર્ણય ગુરુવારે સાચું જ્ઞાન પૂરું પાડે છે. જો સંભવ હોય તો ગુરુવારના દિવસે શુભ કાર્યનો આરંભ કરવો. ગુરુવારે આરંભેલા કાર્યમાં વિઘ્નો આવતાં નથી અને આવે છે તો નિમ્ન સ્તરનાં હોય છે.
સૌંદર્ય માટે શુક્રવાર
આ વાત એ સૌ યાદ રાખે જેમના મનમાં ગ્રૂમિંગ માટે કયો દિવસ બેસ્ટ કહેવાય એવો પ્રશ્ન છે. શુક્ર સૌંદર્યનો ગ્રહ છે. શુક્રવારે એ પ્રકારનાં કામો કરવાં જ જોઈએ અને શુક્રવાર એના માટે ફાળવેલો રાખવો જોઈએ. અલબત્ત, આ ઉપરાંત શુક્રવારનો દિવસ બીજાં કામો માટે પણ મહત્ત્વનો છે. સર્જનાત્મક કામોમાં પણ શુક્રનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો સાથોસાથ ક્રીએટિવ પ્રોજેક્ટ્સ માટે પણ શુક્રવાર ઉત્તમ છે. વ્યક્તિગત રીતે અંગત સંબંધોમાં સમય આપવાનું જો બને તો એ દિવસ શુક્રવાર હોય એવો પ્રયાસ થવો જોઈએ. શુક્રવારના દિવસે પતિ-પત્નીએ પણ એકબીજાને સમય આપવાની કોશિશ કરવી જોઈએ.
જવાબદારીનો દિવસ શનિ
જો લોન લેવાની હોય, ઉધારી લેવાની હોય તો એ દિવસ શનિવાર હોવો જોઈએ. શનિવારે લીધેલી લોન કે ઉધારી ચૂકવવામાં વ્યક્તિ અચૂક સફળ રહે છે તો સાથોસાથ શનિની એક બીજી પણ ખાસિયત છે. ઇન્સ્પેક્શનમાં શનિ શ્રેષ્ઠ છે એટલે જો કોઈ વસ્તુ કે વ્યક્તિની તપાસ કરવી હોય, ઇન્ક્વાયરી કરવાની હોય તો એના માટે પણ શનિવારનો દિવસ ઉત્તમ છે. શનિનું કામ સુધારવાનું છે એટલે રિનોવેશન કે રિપેરિંગ જેવાં કામો માટે પણ શનિવારનો ઉપયોગ થવો જોઈએ.
રીચાર્જિંગ રવિવારે
અસ્તવ્યસ્ત પડ્યું હોય એ બધું એકત્રિત કરવાનું કામ રવિવારના દિવસે કરવું જોઈએ અને એટલે જ શાસ્ત્રોમાં રવિવારને રજા તરીકે લેવામાં આવી છે. રવિવારના દિવસે રીચાર્જ થઈને આવતા અઠવાડિયાનું પ્લાનિંગ કરવાનું હોય. એ પ્લાનિંગની સાથોસાથ તન અને મનને આરામ આપવાનું કામ પણ રવિવારના દિવસે કરવું જોઈએ. રવિવારે કરેલો આરામ આખું વીક સાથે રહે છે તો રવિવારે કરેલું પ્લાનિંગ પણ ખાસ્સું ઉમદા પરિણામ આપવાનું કામ કરે છે.


