Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય ગઢવી vs બજરંગ દળ

આદિત્ય ગઢવી vs બજરંગ દળ

Published : 17 October, 2026 07:24 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં આદિત્ય ગઢવીના સથવારે આયોજિત રંગ મોરલા નવરાત્રિમાં ૧૪ ઑક્ટોબરે સ્ટેજ પરથી જાહેરાત કરવામાં આવી કે અહીં જે કોઈ વિધર્મી હોય એ ગ્રાઉન્ડમાંથી સ્વેચ્છાએ નીકળી જાય

અમદાવાદની રંગ મોરલા નવરાત્રિમાં પર્ફોર્મ કરતો આદિત્ય ગઢવી, બજરંગ દળના ગુજરાતના વાઇસ-પ્રેસિડન્ટ જ્વલિત મહેતા.

અમદાવાદની રંગ મોરલા નવરાત્રિમાં પર્ફોર્મ કરતો આદિત્ય ગઢવી, બજરંગ દળના ગુજરાતના વાઇસ-પ્રેસિડન્ટ જ્વલિત મહેતા.


અમદાવાદમાં આદિત્ય ગઢવીના સથવારે આયોજિત રંગ મોરલા નવરાત્રિમાં ૧૪ ઑક્ટોબરે સ્ટેજ પરથી જાહેરાત કરવામાં આવી કે અહીં જે કોઈ વિધર્મી હોય એ ગ્રાઉન્ડમાંથી સ્વેચ્છાએ નીકળી જાય : આ મામલે વિવાદ સર્જાયો એ પછી આદિત્ય ગઢવીએ ગુરુવારે સોશ્યલ મીડિયા પર લખ્યું કે આ મારો મેસેજ નથી, કેટલાક લોકોએ મારા પ્લૅટફૉર્મનો ઉપયોગ એવું કરવા માટે કર્યો જે હું ક્યારેય ન કરું : બજરંગ દળે કહ્યું કે આદિત્ય ગઢવીનો આ વ્યક્તિગત વિચાર હોય તો પણ એ ખોટો છે, કારણ કે નવરાત્રિમાં જ લવજેહાદના કિસ્સા સૌથી વધુ બનતા હોય છે

નવરાત્રિ પર્વમાં આદ્યશક્તિની ભક્તિ થઈ રહી છે અને ગરબાના કાર્યક્રમોમાં માઈભક્તો ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ૧૪ ઑક્ટોબરે આદિત્ય ગઢવીના ગરબા કાર્યક્રમમાં વિધર્મીઓના મુદ્દે સ્ટેજ પરથી થયેલી જાહેરાતને લઈને વિવાદ ઊઠ્યો છે. વિવાદના પગલે આદિત્ય ગઢવીએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકીને કહ્યું છે કે આ મારો મેસેજ નથી.    
રંગ મોરલા નામથી આયોજિત ગરબાના કાર્યક્રમમાં બ્રેક દરમ્યાન સ્ટેજ પરથી જાહેરાત કરવામાં આવી હતી કે ‘નમ્ર વિનંતી એ છે કે કોઈ પણ વિધર્મી હોય, કોઈ પણ મુસલમાન હોય તો તે આ ગ્રાઉન્ડમાંથી અત્યારે જતા રહે, સ્વેચ્છાએ જતા રહે. અહીં વિશ્વ હિન્દુ પરિષદ છે એ સનાતનના રક્ષણ માટે આવેલી છે અને કોઈને પણ હેલ્પલાઇનની જરૂર પડે તો આપણો હેલ્પલાઇન નંબર છે. તો બધા જ લોકોને વિનંતી છે જે અહીંથી કહ્યું એમ રંગ મોરલા તરફથી સૂચના આપી રહ્યો છું. વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોની ખાસ તમને વિનંતી છે કે આજુબાજુ પણ જુઓ... આપણો તહેવાર છે, આપણે હળીમળીને ઊજવીએ અને જે બીજા લોકો હોય તે પ્લીઝ અહીંથી ગ્રાઉન્ડ છોડી દે.’ 



આદિત્ય ગઢવીએ શું કહ્યું?
વિવાદ થયા પછી ગુરુવારે આદિત્ય ગઢવીએ સોશ્યલ મીડિયા પર અંગ્રેજીમાં પોસ્ટ મૂકીને આ બાબતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મારા તરફથી થોડા શબ્દો, કારણ કે મારા નામે ઘણુંબધું કહેવામાં આવી રહ્યું છે. હું એક કલાકાર છું. હું એક ગર્વ અનુભવતો હિન્દુ છું. નવરાત્રિ મારા વર્ષનો સૌથી પવિત્ર સમય છે અને ગરબે ઘૂમતા હજારો લોકોની સામે સ્ટેજ પર ઊભા રહીને મા અંબે માટે ગાવું એ મારા જીવનના સૌથી મોટા આશીર્વાદ છે. કાર્યક્રમમાં જે કંઈ પણ બન્યું એ મારા દ્વારા કરવામાં આવ્યું નહોતું અને એ મારો સંદેશ નહોતો. લોકોના એક જૂથે બૅકસ્ટેજ પર કબજો કરી લીધો હતો અને મારા મંચનો ઉપયોગ એવું કંઈક કરવા માટે કર્યો જે હું ક્યારેય ન કરું. મારી ટીમની કે ઍન્કરની કોઈ સલાહ લેવામાં આવી નહોતી અને અમે કોઈ પણ પ્રકારે એમાં સામેલ નહોતા. ગરબાએ ક્યારેય કોઈને તેમની અટક પૂછી નથી. પેઢીઓથી ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં દરેક ધર્મના લોકો સાથે મળીને ગરબા રમ્યા છે અને એ જ બાબત એને આપણું બનાવે છે. જે કોઈ પણ મા પ્રત્યે પ્રેમ અને આદર સાથે ગરબામાં આવે છે એનું મારા વર્તુળમાં સ્વાગત છે. એ કોઈ રાજકારણ નથી. એ ફક્ત એવા સંસ્કાર છે જેની સાથે હું ઊછર્યો છું. મારું સ્ટેજ સંગીત અને ભક્તિ માટે છે. જય અંબે.’
 
બજરંગ દળે શું કહ્યું?    
રંગ મોરલાના ગરબાના કાર્યક્રમના વિવાદના મુદ્દે બજરંગ દળના ગુજરાતના વાઇસ-પ્રેસિડન્ટ જ્વલિત મહેતાએ મીડિયાને કહ્યું હતું કે ‘રંગ મોરલા ગરબાની અંદર ૧૩ બાઉન્સરો વિધર્મી છે અને એમાંથી એકાદ બાઉન્સરે કોઈ બહેન સાથે કોઈક દુ:વ્યવહાર કર્યો છે એવી માહિતી મળી હતી. ગ્રુપમાં મેસેજ હતો એટલે વિશ્વ હિન્દુ પરિષદના, બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં ગયા. બૅકસ્ટેજથી ગયા, કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતે. આયોજકોને મળ્યા. આયોજકોને વિશ્વ હિન્દુ પરિષદની વિચારધારાની ચર્ચા કરી કે વિધર્મીઓ કેમ ગરબા પંડાલમાં ન આવવા જોઈએ; કેમ કે નવરાત્રિમાં લવ જેહાદનું દૂષણ થતું હોય છે. આયોજકો કાર્યકર્તાઓની વાત સાથે ઍગ્રી થયા. એમણે પોતે જ જે વિધર્મી બાઉન્સરો હતા એ લોકોને ત્યાંથી હટાવ્યા અને અમારી રજૂઆતના ભાગરૂપે આયોજકે પોતે જ સ્ટેજ પરથી વિધર્મીઓને નીકળી જવાનું આહ્‍‍વાન કર્યું અને અમારો હેલ્પલાઇન નંબર આયોજકોએ પોતે આપ્યો છે.’   
આદિત્ય ગઢવીએ કરેલી પોસ્ટના સંદર્ભમાં જ્વલિત મહેતાએ કહ્યું હતું કે ‘એ તેમનો વ્યક્તિગત વિચાર હોઈ શકે છે, પરંતુ તેમનો અગર આ વ્યક્તિગત વિચાર હોય તો પણ ખોટો છે કેમ કે લવ જેહાદ સૌથી વધારે નવરાત્રિના દિવસોમાં બનતી હોય છે. ગરબા પંડાલોમાં જ બનતી હોય છે. આવા વિધર્મી બાઉન્સરો તેમના મળતિયાઓને અંદર ઘુસાડે છે અને સારી જગ્યાએ વિધાઉટ પાસ એન્ટ્રી કરતા હોય છે અને આ રીતે આપણી બહેન-દીકરીઓને ફસાવતા હોય છે. વિધર્મીઓને અમે હટાવીશું. કોઈ પણ ગરબા પંડાલની અંદર વિધર્મી અમને ન જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 07:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK