Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ઘરે પાછા ફરવામાં દોઢેક વર્ષ લાગી જશે, પણ અહીં ઉતાવળ કોને છે?

ઘરે પાછા ફરવામાં દોઢેક વર્ષ લાગી જશે, પણ અહીં ઉતાવળ કોને છે?

Published : 19 April, 2026 01:29 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કારને મિની હોમ બનાવીને ભારતભ્રમણ કરવા નીકળી પડ્યું છે રાજકોટનું આ કપલ

ઓડિશાના અંગુલ જિલ્લામાં આવેલા સતકોસિયા ટાઇગર રિઝર્વ પાસે ચા બનાવતાં કાજલબહેન અને સાથે નવીનભાઈ.

ઓડિશાના અંગુલ જિલ્લામાં આવેલા સતકોસિયા ટાઇગર રિઝર્વ પાસે ચા બનાવતાં કાજલબહેન અને સાથે નવીનભાઈ.


ફરવાના શોખને કારણે, ફરવાના અનુભવોને સોશ્યલ મીડિયા પર શૅર કરવાને કારણે નોકરી છૂટી ગઈ તો પોતાના પૅશનને જ આવકનું સાધન બનાવીને નવીન અને કાજલ પંડ્યા નીકળી પડ્યાં છે પોતાની વૅગન-આર કારમાં. ૪ મહિનામાં ૧૦ રાજ્યોનો પ્રવાસ કરી લીધો છે અને હવે તેઓ ઉત્તરાખંડ પહોંચ્યાં છે. ૨૦૨૩થી કારમાં પ્રવાસ કરતા આ દંપતીને અજબગજબના અનુભવો થયા છે. તેઓ વાઘ, સાપ, દીપડા અને વીંછીનો સામનો કરી ચૂક્યાં છે. પચીસ વાર સ્મશાનભૂમિમાં રાત્રિરોકાણ કર્યું છે છતાં ભય નથી લાગ્યો. કારમાં રસોઈ બનાવવી, કડકડતી ઠંડીમાં વાસણ માંજવાં, નદીમાં કપડાં ધોવાં, મોબાઇલ વૉશરૂમનો ઉપયોગ કરવો અને રાત્રે કારમાં સૂઈ જવું એ જાણે રોજિંદી ઘટના હોય એવી સહજતાથી તેઓ પ્રવાસનો આનંદ ઉઠાવે છે. રખડપટ્ટીનો આવો ચસકો તેમને કઈ રીતે લાગ્યો એ પણ જાણવા જેવું છે

તમારી કાર નીચે દીપડો સૂતો હોય, કૅમ્પિંગ માટે લાકડાં કાપવા ગયા હો અને બાજુમાંથી વાઘ પસાર થાય, જમવા બેઠા હો અને પગ પાસેથી સાપ નીકળે, વૉશરૂમ માટે જાઓ ત્યાં વીંછી દેખાય, રાત્રે સૂતા હો અને સવારે આંખ સ્મશાનમાં ખૂલે... રાજકોટના દંપતી નવીન પંડ્યા અને કાજલ પંડ્યાને પ્રવાસમાં આવા તો કેટલાય અનુભવો થયા છે. ૧૬ ડિસેમ્બરથી વૅગન-આર કારમાં હરતું-ફરતું ઘર લઈને ભારતભ્રમણ પર નીકળેલું આ દંપતી ૧૦ રાજ્યોનો પ્રવાસ કરીને હાલમાં ઉત્તરાખંડ પહોંચ્યું છે. રખડપટ્ટીનો આવો ચસકો તેમને કઈ રીતે લાગ્યો? ક્યાં-ક્યાં ફરી આવ્યા? શું જોયું અને અનુભવ્યું? બેડથી લઈને કુકિંગ ગૅસ સુધીનો જુગાડ કારમાં કઈ રીતે કર્યો? આ બધું જાણવા વાત કરીએ ભારતના અંતરિયાળ પ્રદેશ અને વનવગડામાં ફરવાના શોખીન પંડ્યા કપલ સાથે.




પંડ્યા કપલ અને તેમનું હરતું-ફરતું ઘર.


આટલાં રાજ્યો ફરી લીધાં

૩૫ વર્ષના નવીન પંડ્યા અને ૩૪ વર્ષનાં કાજલ પંડ્યાને હરવા-ફરવાનો ખૂબ શોખ છે. ૨૦૨૩માં કારને મિની હોમમાં પરિવર્તિત કર્યા પછી તેમણે અઢળક પ્રવાસો ખેડી લીધા છે. અગાઉ ૮ રાજ્યોનો પ્રવાસ કરી આવેલા પંડ્યા દંપતીએ આ વખતે સમગ્ર ભારત ફરીને જ રાજકોટ પાછા જઈશું એવું નક્કી કરી લીધું છે. ૨૦૨૫ની ૧૬ ડિસેમ્બરે રાજકોટથી નીકળેલા આ કપલે હાલમાં ઉત્તરાખંડમાં ડેરો નાખ્યો છે. ભારતભ્રમણ વિશે વાત કરતાં નવીનભાઈ કહે છે, ‘અમારો એક જ ફન્ડા છે - ફરવું, ફરવું અને બસ ફર્યા કરવું. ઘર સાથે લઈને નીકળ્યા છીએ એટલે પાછા ફરવાની કોઈ ટાઇમલાઇન નથી. દોઢ-બે વર્ષ થઈ જાય તોય અમને વાંધો નથી. આ વખતે ભારતદર્શન કરીને જ જંપીશું. આમેય સમસ્ત ભારત આપણું ઘર જ છેને? ભાષા અને ખાનપાન ભલે અલગ હોય, પણ છે તો આપણો પ્યારો દેશ. દ​િક્ષણ ભારત નહોતું જોયું એટલે કન્યાકુમારીથી કાશ્મીર તરફ જવાનો પ્લાન બનાવ્યો. રાજકોટથી સાપુતારા, મહારાષ્ટ્રના લોનાવલા-ખંડાલામાં કૅમ્પિંગ, સંભાજીનગર કરીને ગોવા પહોંચ્યા અને ત્યાંથી કર્ણાટક.’


આગળના પ્રવાસ વિશે વાત કરતાં કાજલબહેન કહે છે, ‘હમ્પી, હનુમાનજીના જન્મસ્થળ ​કિષ્કિંધા, હૈદરાબાદ, મુનાર, ઊટી બાદ શ્રી સેલમમાં ૧૨ જ્યોતિર્લિંગમાંથી એક મલ્લિકાર્જુનસ્વામીનાં દર્શન કર્યા પછી પૉન્ડિચેરી અને રામેશ્વરમ જવું હતું, પણ હવામાને પલટો ખાતાં પ્લાનમાં ફેરફાર કરવો પડ્યો. સાઉથમાં હવામાન બદલાતું રહે છે. વાવાઝોડું આવતાં અમે રામેશ્વરમની જગ્યાએ તિરુમાલા જવા નીકળી ગયાં. ત્યાંથી કેરલમ વળી ગયાં. કેરલમના જંગલમાં ફરવું જીવનનો શ્રેષ્ઠ અનુભવ રહ્યો. સ્થાનિક લોકોની પરવાનગીથી કેળાંના ખેતરમાં સૂઈ ગયાં. કેરલમમાં ઠેકડી નામનું સ્થળ વાઇલ્ડલાઇફ અને સરોવરમાં બોટિંગ માટે પ્રખ્યાત છે. ઠેકડીમાં જંગલ-કૅમ્પિંગ કરીને તટ પર રાતવાસો કર્યો હતો. કન્યાકુમારી સુધી જઈ આવ્યા. ઓડિશા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ જોઈને અત્યારે ઉત્તરાખંડના અલ્મોડામાં છીએ. ગુજરાતનાં પાડોશી રાજ્યો રિટર્નમાં ફરીશું. ભારતદર્શનની યાત્રા લગભગ દોઢ વર્ષમાં પૂરી થશે એવો અંદાજ છે. જોકે અમને કોઈ ઉતાવળ નથી.’

કારમાં જુગાડ


બિરથી વૉટરફૉલ, ઉત્તરાખંડ.

ગુજરાતીઓ હરવા-ફરવાના અને ખાણી-પીણીના શોખીન છે એમાં કોઈ બેમત નથી. જોકે લાંબા પ્રવાસમાં થેપલાં અને ખાખરા ક્યાં સુધી ચાલે? પંડ્યા દંપતીને જાતજાતની વાનગીઓ ટ્રાય કરવી પસંદ છે, પરંતુ શુદ્ધ શાકાહારી હોવાને કારણે અનેક વાર મુસીબત વેઠવી પડી હતી. ૨૦૧૮માં સૅલડ અને ફ્રૂટ્સ ખાઈને ચારધામની યાત્રા કરી હતી. એમાંથી સબક લઈને કારમાં જ ઘર જેવી સુવિધા ઊભી કરવાનો અને હવેથી પોતાની કારમાં જ પ્રવાસ કરવાનો વિચાર આવ્યો. નવીનક્કોર કારમાં રસોડું ઊભું કરવાની વાત સાંભળીને પરિવારના સદસ્યો અને મિત્રોએ એને હાસ્યાસ્પદ નિર્ણય ગણાવ્યો. દંપતીએ એ વાતને નજરઅંદાજ કરીને કારમાં મિની હોમ કઈ રીતે બનાવાય એના વિડિયો જોયા. પ્રૉપર રિસર્ચ કરીને કાજલે ડિઝાઇન બનાવી. સુથાર પાસે કારની અંદર રસોડા માટે ખાનાં, બે કિલોનું સિલિન્ડર અને ચૂલો રાખી શકાય એવું સેટઅપ અને ૬ બાય ૬ ફુટનો બેડ બનાવડાવ્યો. કારને ઘરમાં પરિવર્તિત કરવામાં અંદાજે ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો. ટેન્ટની જેમ પાંચ મિનિટમાં સેટ કરી શકાય એવું વૉશરૂમ વસાવ્યું. શરૂઆતમાં નજીકમાં કેટલાક પ્રવાસ કરી જોયા. ૨૦૨૩માં ટ્રાયલ માટે મિની હોમ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન સહિત ૮ રાજ્યોનો પ્રવાસ ખેડી આવ્યાં. કારમાં રસોઈ કરતાં હોય એવો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો અને નોકરી ગઈ.


ભારતના છેલ્લા ગામ ચિતકુલમાં અને હિમાચલમાં કલ્પા વૅલી ખાતે પ્રકૃતિનો આનંદ.

ટર્નિંગ પૉઇન્ટ

નવીનભાઈ અને કાજલ બન્ને કમ્પ્યુટર એન્જિનિયર છે. સરસમજાની નોકરી હતી. લાખોનું પૅકેજ અને વર્ષમાં બે વાર ફૉરેન ટૂર કરવા મળતી. ૨૦૧૨માં લગ્ન થયાં ત્યારથી બન્ને વીક-એન્ડમાં અને પાંચ-સાત દિવસની રજા લઈને અવારનવાર ફરવા ઊપડી જતાં. લાઇફ એકદમ સેટલ્ડ હતી. ચારધામની યાત્રા બાદ તેમણે પોતાની કાર લીધી. શરૂઆતમાં વિડિયોને ઓછી લાઇક્સ મળતી હતી. લાંબા પ્રવાસના વિડિયો વાઇરલ થયા અને જિંદગીની દિશા બદલાઈ ગઈ. નવીનભાઈ કહે છે, ‘કારમાં રસોઈ બનાવી રહ્યા છીએ, કૅમ્પિંગ કરીએ છીએ એવા વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા હતા. અમને આઇડિયા જ નહોતો કે લોકોને ખૂબ પસંદ પડશે. જોતજોતામાં વિડિયો વાઇરલ થઈ ગયા અને કંપનીના મૅનેજમેન્ટ સુધી વાત પહોંચી. પ્રોફેશનલ ફ્રન્ટ પર મારો પર્ફોર્મન્સ સરસ હતો છતાં કંપનીને લાગ્યું કે હું કામમાં ધ્યાન આપવા કરતાં રીલ્સ બનાવવામાં વધુ વ્યસ્ત રહું છું. આવા કારણસર નોકરીમાંથી પાણીચું આપી દીધું. કાજલને વર્ક ફ્રૉમ હોમ હતું. પહેલાં તો બીજી નોકરી શોધવાનો પ્રયાસ કર્યો, પણ સૅલેરી બીટ કરી શકે એવું કામ ન મળ્યું. ત્યારે વિચાર આવ્યો કે ૪૫ વર્ષની વયે આ રીતે જૉબ જાય તો શું થાય? કોઈ વિકલ્પ તો હોવો જોઈએ. આપણી પાસે બાપદાદાની જમીન-જાયદાદ નથી કે વેચીને આરામની લાઇફ જીવીએ અને ફરીએ. કમાવા માટે કંઈક તો કરવું પડે. કાજલ મારી સપોર્ટ-સિસ્ટમ છે. તેણે કહ્યું કે જે કારણથી નોકરી ગઈ એને જ આવકનું સાધન બનાવીએ તો કેવું? બસ, અહીંથી અમારી નવી યાત્રા શરૂ થઈ. મને સાથ આપવા કાજલે પણ નોકરી છોડી દીધી. ત્યારથી અમારું નાનું ઘર લઈને ફર-ફર કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર gujjucouple1 નામથી ચૅનલ શરૂ કરી. આજે કાર અમારું ઘર છે અને સોશ્યલ મીડિયા આવકનું સાધન.’


વૉશરૂમ ટેન્ટ અને  લાકડાં કાપીને રસોઈ બનાવતાં કાજલબહેન.

પંડ્યા દંપતીનું કહેવું છે કે સોશ્યલ મીડિયા દરિયો છે જ્યાં દરેકને પોતાની ટૅલન્ટ પ્રમાણે પ્લૅટફૉર્મ મળી રહે છે અને લોકો કમાણી પણ કરે છે. હરતું-ફરતું ઘર લઈને ફરવામાં શોખ પૂરા થાય છે અને હોટેલના બુકિંગનું અને ખાણી-પીણીનું ટેન્શન નથી રહેતું. પોતાની સવલત પ્રમાણે આરામથી ફરી શકાય છે. પ્રવાસ દરમ્યાન
ફૂડ-આઉટલેટ્સ અને હોટેલને પ્રમોટ કરતી રીલ્સ બનાવીને પોસ્ટ કરે છે. આ રીતે પ્રવાસ કરવા ઇચ્છતા લોકોને ગાઇડ પણ કરે છે. પ્રવાસ દરમ્યાન ફૉલોઅર્સે તેમને આશરો આપ્યો હોય અને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હોય એવા કિસ્સા પણ બન્યા છે. કાજલબહેન કહે છે, ‘ફરવા નીકળીએ એટલે જાણીતાં સ્થળો તો જોવાનાં જ હોય, પણ અમારો હેતુ ભારતનાં અંતરિયાળ અને ઓછાં જાણીતાં સ્થળો જોવાનો છે. અનએક્સપ્લોર્ડ ઇન્ડિયા જોવું અમારું સ્લોગન છે. દરેક જગ્યાએ અમે કૅમ્પિંગ જ કરીએ છીએ, કારણ કે અમારે પ્રકૃતિનો આનંદ ઉઠાવવો છે. નેચર સાથે કનેક્ટ થવાની જે મજા છે એ કમ્ફર્ટેબલ ટ્રાવેલમાં નથી. અમે લોકોને એ જ સંદેશો પાઠવીએ છીએ કે ઓછાં સંસાધનો સાથે પણ ભારત ફરી શકાય છે. બજેટ-ટ્રાવેલ તમને ઘણું શીખવે છે.’

અનુભવ કેવો રહ્યો?

અનુભવ વિશે વાત કરતાં નવીનભાઈ કહે છે, ‘દ​િક્ષણ ભારતમાં ભાષા મુખ્ય સમસ્યા છે. જોકે ગૂગલબાબા ઝિંદાબાદ. અમે ટ્રાન્સલેટ કરીને સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા. એક જણે અમને ત્યાંની રેસિપી પ્રમાણે ઇડલી-ઢોસા બનાવતાં શીખવ્યું હતું. અન્ય એક સ્થાનિકની પરવાનગીથી અમે કેળાંના ખેતરમાં રાત વિતાવી હતી. એક જણે તો તેમના ફૅમિલી-ફંક્શનમાં આવવાનું આમંત્રણ આપ્યું. અનેક ઠેકાણે રાત્રિરોકાણની અને કૅમ્પિંગની મનાઈ હોય છે. સ્થાનિકો અને પોલીસની મદદથી અમને એવી જગ્યાએ પણ કૅમ્પિંગ કરવાની તક મળી છે. એક વાર ટ્રાવેલ દરમ્યાન અમારા જેવું જ એક કપલ મળી ગયું. હાઇવે પર અમે તેનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. એક વાર ગામના સરપંચ મળવા આવ્યા હતા. અમારી કાર ૧૦૦૦ CCની છે. આથી પહાડો પર પચાસ કરતાં વધુ સ્પીડમાં ડ્રાઇવ ન કરીએ. સાંજે પાંચ વાગે એટલે કૅમ્પિંગ માટે જગ્યા શોધવાનું શરૂ કરી દઈએ જેથી અંધારા પહેલાં સેટ થઈ જવાય. પચીસ વખત એવી જગ્યાએ સૂતા છીએ જ્યાં સવારે આંખ ખોલી તો ખબર પડી કે આ સ્મશાનભૂમિ છે. ગ્રામીણ વિસ્તારમાં ખેતર પાસે અને જંગલ વિસ્તારમાં ચબૂતરા પાસે સ્મશાન બનાવેલાં હોય છે જે પ્રવાસીઓના ધ્યાનમાં નથી આવતાં. આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે કે સ્મશાન સૌથી પવિત્ર સ્થળ છે. સાયન્સ પણ ભણ્યા છીએ એટલે ક્યારેય ભય નથી લાગ્યો. ભયભીત તો જંગલી પ્રાણી જોઈને પણ નથી થયા.’


છત્તીસગઢમાં હાઇવે પર રસોઈ બનાવતાં કાજલ પંડ્યા અને કારમાં આરામ કરતાં કાજલબહેન.

જંગલી પ્રાણીઓની વાત નીકળતાં જ કાજલબહેને વાતનો દોર પોતાના હાથમાં લીધો. તેઓ કહે છે, ‘પ્રાણીના અનુભવ બહુ થયા છે. માઉન્ટ આબુની ટ્રિપમાં અમે કારમાં સૂતાં હતાં અને કારની નીચે દીપડો સૂતો હતો. સ્થાનિકોએ જોયું અને અમને ચેતવ્યાં. ઉત્તરાખંડમાં કૅમ્પિંગ સાઇટ માટે લાકડાં તોડવા ગયાં ત્યારે ઝાડ પાસેથી વાઘ પસાર થયો. કુંભલગઢમાં રાત્રે આંટો મારવા નીકળ્યા ત્યાં કચરાપેટીમાંથી રીંછે મોઢું બહાર કાઢ્યું. કોકણના જંગલમાં દાલબાટી ખાતાં હતાં ત્યાં પગ પાસે ટેબલ નીચેથી સાપ નીકળ્યો. ક્યારેક અડધી રાત્રે કે વહેલી સવારે અંધારામાં વૉશરૂમ જવું પડે તો લાઇટ ફેંકીને અને અવાજ કરીને કારની બહાર નીકળીએ જેથી જાનવર ભાગી જાય. જોકે પેટે સરકતા સાપ અને વીંછી ક્યારેક દેખાઈ પણ જાય. સામાન્ય રીતે જાનવર દેખાય એટલે આપણે હેબતાઈ જઈએ અને બૂમાબૂમ કરીએ. વાસ્તવમાં આપણા અવાજથી પ્રાણીઓ ભયભીત થઈને પોતાના બચાવમાં હુમલો કરે છે. પ્રાણી જોઈને શાંત રહેવું જોઈએ. પ્રવાસે અમને આ પણ શીખવ્યું છે.’


જગન્નાથપુરીમાં દર્શન અને મલ્લિકાર્જુન જંગલ વિસ્તારમાં.

પંડ્યા દંપતી સંપૂર્ણ તૈયારી સાથે પ્રવાસે નીકળે છે. તેમની પાસે મેડિકલ કિટ રેડી હોય છે. રસોઈ બનાવવા બે કિલોનો LPG બાટલો અને પચાસ લીટર પાણીની વ્યવસ્થા છે. બાટલો રિફીલ થઈ જાય છે. કાર બગડી હોય એવા અનુભવો ખાસ થયા નથી. આ પ્રવાસમાં બે વાર પંક્ચર પડ્યું હતું. ટાયર ચેન્જ કરતાં આવડે છે. બન્નેને ડ્રાઇવિંગ પણ આવડે છે. ખાણી-પીણીનો વધુ સામાન નથી રાખતાં. ૧૦૦ ગ્રામથી ૨૫૦ ગ્રામ સુધી અનાજ અને મસાલા રાખે. ગુજરાતમાં સિંગતેલ ખાવાનું ચલણ છે, જ્યારે અન્ય રાજ્યોમાં સરસવનું તેલ વધુ ખવાય છે એટલે તેઓ તેલ વધારે
રાખે છે. હાલમાં ૧૦ જોડી કપડાં રાખ્યાં છે. નદીમાં કે અન્ય સ્થળે સુવિધા મળે એ મુજબ કપડાં ધોઈ લે છે. આવા પ્રવાસમાં પડકારોનો સામનો કરવાની માનસિક તૈયારી રાખવી પડે. માઇનસ પાંચ ડિગ્રીમાં પણ વાસણો ધોવાં પડે. વૉશરૂમ બહાર હોય એ ફીમેલ માટે ક્યારેક ટફ થઈ જાય. મર્યાદિત સગવડો સાથે ચલાવી લેવું પડે. આવકનું સાધન પણ આ જ હોય ત્યારે નવી-નવી ઍક્ટિવિટી પણ કરવી પડે. લોકોને આકર્ષવા દાબેલીથી લઈને દાલબાટી અને સૌરાષ્ટ્રનું ફેમસ ચાપડી ઊંધિયું જેવી વાનગીઓ પણ બનાવી છે. વાડીઓમાંથી ફ્રૂટ્સ તોડીને ખાઈ લે અને શાકભાજી પણ લઈ આવે. મર્યાદિત સગવડો સાથે પંડ્યા દંપતી પ્રવાસનો આનંદ ઉઠાવે છે. રાજકોટમાં તેમનું ૪૦ સભ્યોનું સંયુક્ત કુટુંબ છે. તેમના જણાવ્યા મુજબ ભારતમાં આવાં લગભગ ૫૦૦ કપલ છે જે કારમાં પ્રવાસ કરે છે. આવા ગ્રુપ સાથે તેઓ જોડાયેલા હોવાથી ઘણી વાર પ્રવાસમાં સંગાથ પણ મળી જાય છે. તેમનો કન્સેપ્ટ એ જ છે કે ઓછા ખર્ચે અને ઓછી સુવિધામાં ભારત ફરો. ભારતદર્શન કર્યા પછી પંડ્યા દંપતીને કાર લઈને લંડન જવું છે. આ તેમનું ડ્રીમ છે, પણ ખર્ચને પહોંચી વળવા રાહ જોવી પડશે.

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 01:29 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK