Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એવરેસ્ટ સર કર્યા પછી બેઝ કૅમ્પ પર આવીને મુલુંડની સાનિકા શાહે મિડ-ડે સાથે શૅર કર્યો દિલધડક અનુભવ

એવરેસ્ટ સર કર્યા પછી બેઝ કૅમ્પ પર આવીને મુલુંડની સાનિકા શાહે મિડ-ડે સાથે શૅર કર્યો દિલધડક અનુભવ

Published : 23 May, 2026 08:41 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

શિખરની નજીક એટલો ટ્રાફિક હતો કે ત્રણ કલાક દોરડું પકડીને ઉપર પહોંચવાની રાહ જોવી પડી, ઊતરતી વખતે એટલી ભીડ કે ડેથ ઝોન કહેવાતા કૅમ્પ 4માં રાત વિતાવવી પડી

શિખરની નજીક હિલરી સ્ટેપ પર પર્વતારોહકોનો ટ્રાફિક (ડાબે), ડેથ-ઝોન કહેવાતા કૅમ્પ 4 પર ટેન્ટમાં સાનિકા શાહ (વચ્ચે), સર્વોચ્ચ શિખર પર તિરંગા સાથે સાનિકા શાહ (જમણે)

શિખરની નજીક હિલરી સ્ટેપ પર પર્વતારોહકોનો ટ્રાફિક (ડાબે), ડેથ-ઝોન કહેવાતા કૅમ્પ 4 પર ટેન્ટમાં સાનિકા શાહ (વચ્ચે), સર્વોચ્ચ શિખર પર તિરંગા સાથે સાનિકા શાહ (જમણે)


એવરેસ્ટ બેઝ કૅમ્પ પર ભરતનાટ્યમ કરીને લોકોનાં દિલ જીતી લેનારી મુલુંડની બાવીસ વર્ષની સાનિકા શાહે વીસમી મેએ સફળતાપૂર્વક સર્વોચ્ચ શિખર સર કર્યું હતું. તેણે શિખર પર પચીસ મિનિટ વિતાવી હતી. ગઈ કાલે વહેલી સવારે ૩ વાગ્યે તે સુર​​ક્ષિત એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પાછી આવી ગઈ હતી અને આવ્યા પછી તેણે ‘મિડ-ડે’ સાથે વાત કરીને આ આરોહણનો અનુભવ વર્ણવ્યો હતો અને એવરેસ્ટની ટોચ પરની પોતાની તસવીર શૅર કરી હતી.

એવરેસ્ટ બેઝ કૅમ્પથી ‘મિડ-ડે’ સાથે વાત કરતાં સાનિકાએ જણાવ્યું હતું કે ‘એવરેસ્ટની ટોચ પર એકસાથે સાત-આઠ ક્લાઇમ્બર્સ જ ઊભા રહી શકે. શિખરથી ૧૫૦ મીટર નીચે હિલરી સ્ટેપ તરીકે ઓળખાતો રસ્તો ખૂબ જ સાંકડો છે. ૨૦ મેએ ૨૭૪ પર્વતારોહકો લાઇનમાં દોરડું પકડીને પોતાનો વારો આવવાની રાહ જોતા ઊભા હતા. હિલરી સ્ટેપ ટોચ પર પહોંચવા માગતા પર્વતારોહકો માટે અંતિમ ટેક્નિકલ પડકાર છે. આ એકદમ જોખમી છે. હું ૩ કલાક દોરડું પકડીને ઊભી રહી હતી. આજુબાજુ કેટલીક ડેડબૉડી પડી હતી. નેપાલ સરકાર દ્વારા મૂકવામાં આવેલી તકતી સાથે ફોટો પડાવો તો જ શિખર પર પહોંચ્યા એ પુરવાર થાય. આથી બધાને ત્યાં જવું હોય. મેં લગભગ પચીસ મિનિટ શિખર પર વિતાવી હતી. કૅમ્પ 4 ડેથ-ઝોન છે અને કૅમ્પ 3 પર તો ક્લાઇમ્બિંગ હોવાથી દરેક પર્વતારોહકે એ જ દિવસે કૅમ્પ 2 પર પાછા આવી જવાનું હોય, પરંતુ ટ્રાફિક જૅમને લીધે અમારી ટીમે ફરજિયાત કૅમ્પ 4માં રાત વિતાવવી પડી જે ડરામણું હતું. એવરેસ્ટ ચડવું મારું સપનું હતું, પણ આ જીવસટોસટનો ખેલ છે. તમને કંઈ થઈ જાય તો પરિવાર સુધી ડેડબૉડી પણ ન પહોંચે.’



સાનિકાનું ગ્રુપ એવરેસ્ટ સર કર્યા બાદ એ જ દિવસે રાતના ૮ વાગે કૅમ્પ 4 પર પહોંચ્યું અને બાવીસમી મેએ વહેલી સવારે ૩ વાગ્યે તેઓ કૅમ્પ 2 એટલે કે એવરેસ્ટ બેઝ કૅમ્પ આવી ગયા. સાનિકાના જણાવ્યા અનુસાર કૅમ્પ 4 પર માનવજીવનને ટકાવી રાખવું પડકારજનક છે. ત્યાં હવા એકદમ પાતળી થઈ જાય છે. મગજમાં અને ફેફસાંમાં પાણી ભરાઈ જવાથી સર્વાઇવ કરવું મુશ્કેલ બને છે. અહીં રોકાવું બિલકુલ ઍડ્વાઇઝેબલ નથી. તબિયત સતત લથડતી જાય. એવરેસ્ટમાં મોટા ભાગનાં મૃત્યુ હિલરી સ્ટેપ અથવા કૅમ્પ 4 પર જ થાય છે. રેસ્ક્યુ માટે અહીં સુધી હૅલિકૉપ્ટર પણ પહોંચી શકતું નથી. નેપાલ સરકાર પર્વતારોહક પાસે પહેલાં જ સહી કરાવી લે છે કે કૅમ્પ 4થી શિખર સુધી મૃત્યુ થાય તો ડેડબૉડીને ત્યાં જ મૂકી દેવી. શેરપાઓ માટે પણ મૃતદેહને ૭૯૫૦ મીટરની ઊંચાઈએ આવેલા કૅમ્પ 4થી નીચે લાવવો મુશ્કેલ છે. જીવને જોખમમાં મૂકીને એવરેસ્ટ પર પહોંચવું અને સુર​િક્ષત નીચે ઊતરવું એ ચમત્કારથી કમ નથી. 


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 08:41 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK