Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > દિવાળીમાં આખા ફૅમિલી સાથે ફરવા જવાનો પ્લાન કરતા હો તો આ વાંચી લેજો

દિવાળીમાં આખા ફૅમિલી સાથે ફરવા જવાનો પ્લાન કરતા હો તો આ વાંચી લેજો

Published : 02 November, 2026 05:11 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એકબીજા સાથે સારો સમય ગાળવા, એકબીજાની વધુ નિકટ આવવા, રિલૅક્સ થવા માટે થતું ફૅમિલી વેકેશન ક્યારેક મનદુઃખમાં પરિણમે છે. આ રજાઓના પ્લાનિંગમાં શું ધ્યાનમાં રાખશો જેથી વેકેશનની મજા સજામાં ન પરિણમે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળી વેકેશન મોટા ભાગે ફૅમિલી વેકેશન હોય છે. સમગ્ર પરિવાર સાથે ત્રણેય પેઢી મળીને ફરવા જાય એ તો આનંદની વાત છે. જોકે ક્યારેક ફૅમિલી વેકેશનમાં બધા જ મેમ્બર્સની અનુકૂળતા સાચવવાના ચક્કરમાં રિલૅક્સ થવાને બદલે વધુ થાકી ન જવાય એનું ધ્યાન રાખવું રહ્યું. એકબીજા સાથે સારો સમય ગાળવા, એકબીજાની વધુ નિકટ આવવા, રિલૅક્સ થવા માટે થતું ફૅમિલી વેકેશન ક્યારેક મનદુઃખમાં પરિણમે છે. આ રજાઓના પ્લાનિંગમાં શું ધ્યાનમાં રાખશો જેથી વેકેશનની મજા સજામાં ન પરિણમે

ઉદાહરણ ૧ : મેહુલભાઈએ પોતાના પરિવાર, માતા-પિતા અને ભાઈના પરિવાર સાથે મળીને કુલ ૧૦ લોકોનું એક મોટું દિવાળી વેકેશન પ્લાન કર્યું. બધાની પસંદગી પ્રમાણેનું આયોજન હતું. મેહુલભાઈએ બાળકો માટે વૉટરપાર્ક, વડીલો માટે ધાર્મિક સ્થળો અને પત્ની માટે શૉપિંગનો પ્લાન બનાવેલો. બધાને સાચવવાના ચક્કરમાં એક જ દિવસમાં ત્રણ-ચાર અલગ-અલગ જગ્યાએ દોડધામ કરવાનું શેડ્યુલ બનાવ્યું. કોઈને સવારે વહેલા જવું હતું તો કોઈને મોડે સુધી સૂવું હતું. પરિણામ એ આવ્યું કે આ સતત ભાગદોડ અને બધાની અનુકૂળતા સાચવવામાં મેહુલભાઈ આખો દિવસ ટેન્શનમાં રહ્યા. બાળકો ચીડચીડિયાં થઈ ગયાં અને વડીલોને થાક લાગી ગયો. વેકેશન પૂરું કરીને જ્યારે બધા ઘરે પાછા ફર્યા ત્યારે રિલૅક્સ થવાને બદલે બધા એટલા થાકેલા હતા કે પાછા કામે લાગતાં પહેલાં બે દિવસ આરામ કરવો પડ્યો.



ઉદાહરણ ૨ : શાહ ફૅમિલીએ હિલ-સ્ટેશન પર એક વિલા ભાડે લઈને વેકેશન ગાળવાનું નક્કી કર્યું, જેથી હોટેલને બદલે ઘર જેવું વાતાવરણ રહે અને ખર્ચ પણ ઘટે. વિલામાં ગયા પછી બહાર જમીને મોટો ખર્ચ ન થાય એ માટે ઘરમાં જ રસોઈ બનાવવાનું નક્કી થયું. જોકે રસોઈ કોણ બનાવશે, નાસ્તામાં શું બનશે અને સફાઈ કોણ કરશે જેવી નાની-નાની બાબતોમાં જવાબદારીઓની યોગ્ય વહેંચણી ન થઈ. પરિવારના કેટલાક સભ્યો માત્ર આરામ કરતા જોવા મળ્યા, જ્યારે અન્ય મહિલાઓ આખો દિવસ રસોડામાં અને વહીવટમાં જ વ્યસ્ત રહી. વેકેશન પર ફરવા જવાને બદલે ઘરમાં કામ કરવાની સ્થિતિ ઊભી થવાથી
નાની-નાની બાબતો પર બે સભ્યો વચ્ચે બોલાચાલી અને મનદુઃખ થઈ ગયાં. આનંદ મેળવવા ગયેલું કુટુંબ ઊલટાનું અસંતોષ અને કડવાશ સાથે ઘરે પાછું ફર્યું.


દિવાળી વેકેશનમાં મોટા ભાગે લોકો ફૅમિલી વેકેશન પ્લાન કરતા હોય છે. બાળકોને રજા હોય એટલે સમગ્ર પરિવારને લઈને લોકો વેકેશન પર જાય છે, જેમાં એક્સ્ટેન્ડેડ ફૅમિલી પણ આવી ગયું. આમ તો આ પ્રકારનું વેકેશન સંબંધોને વધુ સ્ટ્રૉન્ગ બનાવવામાં સારો ભાગ ભજવે છે, પણ ક્યારેક એવું થાય છે કે તમે મજા કરવા ગયા હો પણ એ સજામાં પરિણમે. વેકેશનમાં બધા જ મેમ્બર્સની અનુકૂળતા સાચવવાના ચક્કરમાં રિલૅક્સ થવાને બદલે તમે થાકીને પાછા ઘરે આવો એટલે પરિવારજનો વચ્ચે નાના-મોટા ઝઘડાઓ થઈ પડે અને છેલ્લે તમને લાગે કે તમે વેકેશનમાં ગયા જ શા માટે? આવું ન થાય એ માટે શું કરવું જરૂરી છે એના પર માંડીએ વિચાર.

બજેટ પહેલાં નક્કી કરો


દિવાળી જેવા તહેવારોમાં જ્યારે એક્સ્ટેન્ડેડ ફૅમિલી (વિશાળ પરિવાર કે સગાંસંબંધીઓ) સાથે વેકેશનનું આયોજન કરવામાં આવે ત્યારે આર્થિક આયોજન કે બજેટ સૌથી મહત્ત્વનો પાયો બની રહે છે. મોટા પરિવારમાં દરેક સભ્યની આર્થિક પરિસ્થિતિ અને ખર્ચ કરવાની ક્ષમતા એકસરખી હોતી નથી એ સમજીને ચાલવું જરૂરી છે. એ વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘જ્યારે કોઈ મોટું વેકેશન પ્લાન થાય ત્યારે સામાન્ય રીતે કોઈ એક કે બે વ્યક્તિ દ્વારા હોટેલનું બુકિંગ, ટ્રાવેલિંગ કે પ્રવૃત્તિઓના ખર્ચનું ધોરણ નક્કી કરી દેવામાં આવે છે જે બધાને અનુકૂળ નથી હોતું. આ સ્થિતિમાં જે કુટુંબ કે વ્યક્તિ આર્થિક રીતે એટલી સક્ષમ નથી હોતી તેને મોંઘી હોટેલો, પ્રીમિયમ રેસ્ટોરાં કે મોંઘી ટૂરિસ્ટ-ઍક્ટિવિટીઝનો ખર્ચ કાયદેસર રીતે પોસાતો નથી. છતાં પણ સામાજિક સંકોચ કે પરિવારમાં નાના દેખાવાના ડરથી તેઓ આર્થિક બોજ ઉઠાવી લે છે, જે પાછળથી મોટા માનસિક તનાવનું કારણ બને છે.’

આવું ન થાય એ માટે શું કરવું એ જણાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘આ સમસ્યાથી બચવા માટે વેકેશનનું પ્લાનિંગ શરૂ કરતાં પહેલાં જ પારદર્શક વાતચીત થવી અનિવાર્ય છે. બજેટ એવું હોવું જોઈએ જે પરિવારના દરેક સભ્યને આરામથી પોસાય, જેથી કોઈ પર આર્થિક દબાણ ન આવે. વેકેશનનો હેતુ પૈસા દેખાડવાનો કે મોંઘાં સ્થળોએ ફરવાનો નહીં પરંતુ સાથે સમય વિતાવવાનો છે. આ વાત જેટલી વહેલી સમજાય એટલું વેકેશન વધુ આનંદદાયક બને છે.’

આટલું ધ્યાન રાખો

પ્રવાસની બધી જ જવાબદારી એક વ્યક્તિ પર ન નાખો. પ્રવાસ દરમ્યાન ગાડી ચલાવવાની, હોટેલનું બુકિંગ સંભાળવાની કે ટિકિટ લેવાની જવાબદારી માત્ર એક જ વ્યક્તિ પર ન નાખતાં યુવા પેઢીના સભ્યો વચ્ચે વહેંચી લો જેથી કોઈ એક વ્યક્તિ થાકી ન જાય.

બીજું એ કે સાથે હોવાનો મતલબ એ નથી કે ૨૪ કલાક બધાએ એકસાથે જ ચોંટીને રહેવું. બપોરના સમયે કે સાંજે થોડો સમય વડીલોને આરામ કરવા દો અને યુવાનો પોતાનાં બાળકો સાથે થોડી મસ્તી કરી શકે જેથી માનસિક તાજગી જળવાઈ રહે.

વડીલો અને બાળકોની ચૉઇસ ભલે અલગ હોય, તેમને બન્નેને સાવ જુદાં ન કરી દેવાં. એવો સમય ચોક્કસ કાઢવો જેમાં બાળકો વડીલો સાથે સમય પસાર કરે, એકબીજા સાથે વાતો કરે. વડીલો પોતાનો અનુભવ જણાવી શકે અને બાળકો એમાંથી શીખી શકે એ ખૂબ જરૂરી છે.

પરિવારની જૂની યાદો તાજી કરવાનો આ સુવર્ણ અવસર છે. વેકેશનમાં એવો લેઝર ટાઇમ કાઢવો જેમાં પરિવારની દરેક વ્યક્તિ સાથે બેઠી હોય અને ફક્ત વાતો કરતી હોય. આ વાતો અમૂલ્ય છે. નાના હતા ત્યારે તેં આમ કરેલું અને પપ્પા આવું કહેતા કે મમ્મી તો બહુ ગુસ્સે થતી જેવી વાતો પરિવારને જોડે છે અને આનંદને ચારગણો કરે છે. એ મિસ ન કરવો.

ફૅમિલી વેકેશનનું મહત્ત્વ એ છે કે જે લોકો એક છત નીચે નથી રહેતા તેઓ પણ એકબીજા સાથે એક છત નીચે રહીને એકબીજાને વધુ સારી રીતે ઓળખે, એકબીજાની નિકટ આવે. જોકે ક્યારેક એવું થાય છે કે એકબીજાની નજીક આવવાથી એકબીજા પ્રત્યે વધુ ફરિયાદો શરૂ થઈ જાય છે. મન ખાટું કરવા કરતાં એકબીજાને સમજવાનો અને જો એવું ન થાય તો એ વ્યક્તિ આવી જ છે એમ તેનો સ્વીકાર કરવાનો પ્રયત્ન અહીં કરવો
જરૂરી છે.

કોઈ પણ ફૅમિલી વેકેશનનો એજન્ડા શું હોઈ શકે? રોજિંદી દોડધામ, કામ અને સ્ક્રીન-ટાઇમથી દૂર રહીને પરિવારના સભ્યો એકબીજા સાથે ખૂલીને વાતો કરી શકે, હસી-ખુશી સમય વિતાવી શકે એ એજન્ડા કોઈ પણ વ્યક્તિએ ન ભૂલવો જોઈએ.

બધાને પોતાનું કમ્ફર્ટ વહાલી હોય છે, પણ ફૅમિલી વેકેશનમાં કમ્ફર્ટ કરતાં કૅરને વધુ મહત્ત્વ આપો. તમે સૂતા હો ને કોઈ ઘરની મોટી વ્યક્તિ કંઈ કામ સોંપે તો તેને ડિસ્ટર્બન્સ ન સમજો. વેકેશનમાં પણ ઑર્ડર ફૉલો કરવાના એમ ન માનો. એટલે કાળજી પરિવારના સદસ્યોની લેવી જ જોઈએ એમ સમજો.

વડીલોએ એટલું સમજવાનું છે કે તમારી દરેક વસ્તુ સમયસર થાય કે બધું તમારા પ્રમાણે જ થાય એવો દુરાગ્રહ પ્રવાસ વખતે ન રાખો, કારણ કે તમારાં ટાઇમિંગ્સ ઘરે તો બધા સાચવતા જ હોય છે. પ્રવાસમાં થોડી છૂટછાટ રાખશો. આમ પણ ફાવશે અને આ પણ ચાલશે રાખશો તો જ તમારાં સંતાનોને થોડી રાહત આપી શકશો. વેકેશનમાં જઈને પણ તેઓ તમારી જ વ્યવસ્થામાં રહે એવું ન થાય એનું ધ્યાન રાખો.

ત્રણેય પેઢી વચ્ચેનો ફરક

દિવાળી વેકેશનમાં જ્યારે ૩ પેઢી એટલે કે દાદા-દાદી/નાના-નાની, માતા-પિતા અને બાળકો સાથે મળીને ફૅમિલી વેકેશન પર જાય છે ત્યારે કુટુંબની એકતા માટે આ એક સુંદર અવસર બને છે. જોકે ત્રણેય પેઢીની ઉંમર, વિચારો, પસંદગીઓ અને શારીરિક ક્ષમતામાં ઘણો તફાવત હોવાને કારણે કેટલીક વ્યવહારુ તકલીફો ઊભી થઈ શકે છે. જેમ કે વડીલો સામાન્ય રીતે સવારે વહેલા ઊઠવાની અને સમયસર ભોજન કરવાની ટેવ ધરાવતા હોય છે, જ્યારે આજની યુવા પેઢી કે બાળકો મોડાં સૂઈને મોડાં ઊઠવાનું પસંદ કરતાં હોય છે. આના કારણે આખો પ્લાન સમયસર શરૂ કરવામાં અડચણ આવે છે. બાળકો અને યુવાનોને ઍડ્વેન્ચર, વૉટરપાર્ક કે સતત ફરવાનું ગમે છે; જ્યારે વડીલો માટે લાંબું ચાલવું, પહાડો ચડવા કે સતત મુસાફરી કરવી શારીરિક રીતે ખૂબ જ થકવી નાખનારી સાબિત થઈ શકે છે. વડીલોની ખાણી-પીણીની જરૂરિયાતો અલગ હોય છે - જેમ કે સાત્ત્વિક, ઓછું તીખું કે મસાલેદાર અથવા ડાયાબિટીઝ/બ્લડ-પ્રેશરને અનુરૂપ ખોરાક; જ્યારે યુવાનો અને બાળકો બહારનું જન્ક ફૂડ કે મૉડર્ન કૅફેકલ્ચર પસંદ કરે છે. એક જ જગ્યાએ બધાની રુચિ પ્રમાણે જમવાનું પસંદ કરવું મુશ્કેલ બને છે.

આ તકલીફો ન આવે એ માટે શું કરવું એ સમજાવતાં કિંજલ પંડ્યા કહે છે, ‘ટ્રાવેલ-પ્લાન બનાવતી વખતે રિજિડ શેડ્યુલ ન રાખવું. જો કોઈ દિવસે વડીલોને થાક લાગ્યો હોય અને તેઓ હોટેલ પર આરામ કરવા માગતા હોય તો યુવાનો બાળકોને લઈને નજીકમાં ફરી શકે છે. બધાએ દરેક જગ્યાએ સાથે જવું ફરજિયાત નથી. રેસ્ટોરાં પસંદ કરતી વખતે એવી જગ્યા પસંદ કરો જ્યાં ત્રણેય પેઢીની પસંદગી મળી રહે - એટલે કે પરંપરાગત ગુજરાતી કે સાત્ત્વિક ભોજનની સાથે બાળકો માટે પણ અનુકૂળ ઑપ્શન હોય.

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 05:11 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK