Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ઘરને ACથી નહીં, ઇકો-ફ્રેન્ડ્લી પડદાઓથી રાખો ઠંડું

ઘરને ACથી નહીં, ઇકો-ફ્રેન્ડ્લી પડદાઓથી રાખો ઠંડું

Published : 14 May, 2026 07:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉનાળામાં ગરમીથી બચવા માટે માત્ર ઇલેક્ટ્રિક ઉપકરણો પર જ નિર્ભર રહેવાને બદલે ઇકો-ફ્રેન્ડ્લી પડદા અપનાવવા જોઈએ જે સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ખિસ્સાં એમ ત્રણેયને ફાયદો કરે છે...

ઇકો-ફ્રેન્ડ્લી પડદા

ઇકો-ફ્રેન્ડ્લી પડદા


ઉનાળાની આકરી ગરમીમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી જાય ત્યારે ઘરને ઠંડું રાખવું એ એક મોટો પડકાર બની જાય છે. મોટા ભાગના લોકો AC કે કૂલરનો સહારો લે છે, પરંતુ એનાથી વીજળીનું બિલ પણ વધે છે અને એ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. આવી સ્થિતિમાં આપણા પૂર્વજોની પરંપરાગત રીતો આજે પણ એટલી જ કારગર છે. ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ પડદા ઘરના તાપમાનને કુદરતી રીતે પાંચથી ૭ ડિગ્રી જેટલું ઘટાડી શકે છે.

ખસના પડદા
ખસ એક સુગંધિત ઘાસ છે જેના મૂળનો ઉપયોગ પડદા બનાવવા માટે થાય છે. પ્રાચીનકાળથી ભારતમાં મહેલો અને ઘરોમાં ખસના પડદા વાપરવાની પરંપરા રહી છે. આ પડદાને બારી કે બારણાં પર લગાવીને એના પર સમયાંતરે પાણી છાંટવામાં આવે છે. જ્યારે બહારની ગરમ હવા આ ભીના મૂળમાંથી પસાર થઈને ઘરમાં પ્રવેશે છે ત્યારે બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા એ એકદમ ઠંડી થઈ જાય છે. ખસના પડદા ભીના થતાં જ એમાંથી માટી જેવી મીઠી સુગંધ આવે છે જે મનને શાંત કરે છે. આ ઉપરાંત એ હવાને કુદરતી રીતે શુદ્ધ કરે છે અને ACની હવાથી થતી સાંધાની તકલીફ કે ત્વચાની શુષ્કતા જેવી સમસ્યાઓથી બચાવે છે.

આયુર્વેદમાં ઉશીર અને રાસાયણિક નામ વેટિવર તરીકે ઓળખાતું આ ઘાસ કુદરતી રીતે જ સુગંધિત અને કૂલિંગ પ્રૉપર્ટી ધરાવે છે. એ ગરમીમાં પિત્ત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે.
વાંસના પડદાજો તમે ઘરને આધુનિક છતાં ઇકો-ફ્રેન્ડ્લી લુક આપવા માગતા હો તો વાંસના પડદા શ્રેષ્ઠ વિકલ્પ છે. વાંસ એક કુદરતી ઇન્સ્યુલેટર છે જે ગરમીને રોકવામાં સક્ષમ છે. વાંસની પાતળી પટ્ટીઓમાંથી બનેલા આ પડદા ઘરમાં રસ્ટિક અને નૅચરલ વાઇબ્સ લાવે છે. એ સૂર્યનાં સીધાં કિરણોને અટકાવે છે, પરંતુ ઘરમાં સાવ અંધારું કરતા નથી. એની ખાસિયત એ છે કે પટ્ટીઓ વચ્ચેની જગ્યામાંથી હવાની અવરજવર ચાલુ રહે છે, જેથી ઘરમાં ગભરામણ  થતી નથી. એની જાળવણી પણ સરળ છે. માત્ર ભીના કપડાથી લૂછવાથી એ નવા જેવા ચમકી ઊઠે છે.

શણના પડદા
શણ જેને આપણે ગોલ્ડન ફાઇબર કહીએ છીએ એ હોમ ડેકોર માટે અદ્ભુત મટીરિયલ છે. શણના રેસા કુદરતી રીતે જાડા હોય છે જે સૂર્યના આકરા તાપને શોષી લે છે અને ગરમ હવાને અંદર આવતી અટકાવે છે. શણ એક એવું ઇન્સ્યુલેટર છે જે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફ આપે છે. આ પડદા સૂર્યનાં હાનિકારક અલ્ટ્રા-વાયલેટ કિરણોને રોકે છે, જેનાથી ફર્નિચર અને દીવાલોનો રંગ સુરક્ષિત રહે છે. એ મોંઘા ફૅન્સી પડદા કરતાં સસ્તા, ટકાઉ અને ધૂળને અટકાવનારા હોય છે જે ઍલર્જી ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 07:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK