આખા ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોને તોબા પોકારાવી છે. આ સિઝન એવી છે જ્યારે લોકો ઠંડક માટે જુદા જુદા પ્રકારના આઈસ ગોળા તરફ દોટ લગાવે છે. દિવસ આથમતા, ગુજરાતના અનેક શહેરની ચારેકોર ગોળાવાળાની લારી કે પૉપ્યુલર ગોળા સેન્ટરો પર લોકોની ભીડ એક સામાન્ય દ્રશ્ય બની ગયું છે. બરફના ગોળાનું નામ સાંભળતાં જ મારાં મનમાં નાનપણની યાદો તાજી થઈ જાય છે. બપોરના ચાર પાંચ વાગ્યાના સમયે ટન ટન ઘંટડી વાગતી અને ઠંડા ગાર ગોળાવાળા ભૈયાના આગમનથી દરેક જણ ખુશખુશાલ થઇ જતું. માત્ર બાળકો જ નહીં, દરેક વયના લોકો માટે આ દેશી પૉપ્સિકલ ખાસ આકર્ષણ બનતું. ગોળાની સામાન્ય દેખાતી લારી પણ એક અલગ આકર્ષણ હતું. જેમાં રંગબેરંગી સ્વાદોથી ભરેલી લાંબી બોટલોથી રહેતી, કંતાન ઢાકેલી બરફની લાદી રહેતી. ભૈયાજી ધારદાર ચપ્પાથી સારી એવી મહેનત કરી તોડી તેનું છીણ કરતા, બાદમાં ગ્લાસમાં બરફનું છીણ ભરી તેમાં લાકડી ખોસતા અને તે સારી રીતે બેસે પછી તૈયાર થતો બરફનો ગોળો. ગ્રાહકની પસંદગી મુજબની ફ્લેવર સાથે તે પીરસવામાં આવતો. કાલા ખટ્ટા, ગુલાબ, કેરી, અનાનસ, નારંગી, ખસ, ફાલસા, રેઇનબો વગેરે જેવા વિવિધ સ્વાદમાં આવતા, ગોળાને ખૂબ આનંદ, અને સંતોષથી ચુસ્કી લઈ લઈને આપણે સૌ માણતા. આ આખી પ્રક્રિયાનો અનુભવ મને હંમેશા ઉનાળામાં એક મોજીલી મીઠી ઠંડક આપતો.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
11 April, 2025 11:41 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent