મુલુંડમાં આવેલા કોકોનટ ક્લાઉડ ટ્રીમાં નારિયેળનો ઉપયોગ કરીને અઢળક પ્રકારનાં જૂસ, આઇસક્રીમ અને મિલ્ક મળે છે; સાથે અહીં હેલ્ધી સ્નૅક્સ પણ મળે છે
કોકોનટ ક્લાઉડ ટ્રી
આજકાલ હેલ્ધી ફૂડ ખાવાનો અને એને બનાવીને વેચવાનો ટ્રેન્ડ જોરમાં છે. ભલે લોકો આજે ઘરે હેલ્ધી ફૂડ નહીં ખાતા હોય પણ બહાર જઈને હેલ્ધી ડિશ કે ડિઝર્ટ ક્યાં મળશે એ સોશ્યલ મીડિયા પર સર્ચ કરતા હોય છે. આવી જ એક રેસ્ટોરાં-કમ-કૅફે મુલુંડમાં હાલમાં શરૂ કરવામાં આવી છે. અને તેઓ એવો દાવો પણ કરે છે એ દેશની પ્રથમ એવી રેસ્ટોરાં છે જ્યાં દરેક વસ્તુ કોકોનટ-બેઝ્ડ છે.
કોકો બ્લિસ કૅન્ડી
ADVERTISEMENT
મુલુંડ વેસ્ટમાં સિલ્વર બ્રિજ પર કોકોનટ ક્લાઉડ ટ્રી નામની નાની સરખી કૅફે-કમ-રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે. અહીં નારિયેળમાંથી બનાવેલી વસ્તુનો ફૂડ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેમ જ મેનુમાં લખેલી કોઈ પણ આઇટમની અંદર કોઈ પણ પ્રકારનાં રસાયણો અને પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ થતો ન હોવાનું કહેવામાં આવે છે. અહીંની આઇટમોની વાત કરીએ તો ક્રિસ્ટલ ક્રીમ સૌથી પૉપ્યુલર છે. બાળકોને ભાવતી જેલી જેવું દેખાતું આ ક્રીમ નારિયેળના ટુકડા, એનું પાણી અને મલાઈમાંથી બનાવવામાં આવે છે. તેમણે તેમની દરેક આઇટમની સાથે એના વિશેનું ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે. જેમ કે કોકોનટ ક્રીમ માટે પૅરાબૅન્સ અને સલ્ફેટ મુક્ત હોવાનું કહ્યું છે.
કોકોનટ મિલ્ક
અહીંનું કોકો ફ્રેશ મિલ્ક મસ્ટ ટ્રાય કરવા જેવી આઇટમ છે. નારિયેળના પલ્પ અને એના પાણીમાંથી બનાવેલું પીણું છે. કોકો બ્લિસ કૅન્ડી ક્રીમ અને નારિયેળમાંથી બનાવવામાં આવે છે જે નાળિયેરનું ક્રીમ જ ખાતાં હોય એવી ફીલિંગ આપે છે. આ બધી વસ્તુ તમે પાર્સલમાં પણ લઈ જઈ શકો છો પણ એમાં કોઈ પણ પ્રકારનું પ્રિઝર્વેટિવ ન હોવાથી એને લાંબા સમય સુધી જાળવી રખાશે નહીં. રિફ્રેશમેન્ટ ડ્રિન્કની વાત કરીએ તો પાઇનૅપલ કોકો મોઇતો જૂસ પાઇનૅપલ અને નારિયેળનું અમેઝિંગ કૉમ્બિનેશન છે.
પાઇનૅપલ કોકો મોઇતો
આવી રીતે વૉટરમેલન, કિવી વગેરેનું પણ રિફ્રેશમેન્ટ ડ્રિન્ક અહીં મળે છે. અને હવે પેટપૂજાની વાત કરીએ તો અલગ-અલગ ફ્લેવરની ફ્રેન્ચ ફ્રાઇસ અહીં મળી જશે જે અવાકાડો, યોગર્ટ, બીટરૂટ જેવી હેલ્ધી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે અને એને ડીપ ફ્રાય કરવામાં આવતી નથી, માત્ર ઍરફ્રાય કરવામાં આવે છે. એમાં ટ્રફલ ફ્રાઇસ, મેક્સિકન ફ્રાઇસ જેવી અલગ-અલગ વરાઇટીનો સમાવેશ થાય છે.
ક્યાં મળશે? : કોકોનટ ક્લાઉડ ટ્રી, સિલ્વર બ્રિજ, યોગી હિલ, સાંઈ પ્રેસ રોડ, મુલુંડ (વેસ્ટ)

