બે અનોખી ટેક્નિક અપનાવીને રિલૅક્સ થઈ જાઓ
પ્રતીકાત્મક તસવીર
બધાના જ જીવનમાં કોઈ ને કોઈ ચિંતા હોય છે, પણ જો તમે ૨૪ કલાક એનો વિચાર કરતા રહો તો બીજાં કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત થતું નથી. ઉપરથી ચિંતાની અવળી અસર આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. એવામાં બ્રેઇન-ડમ્પ અને વરી-વિન્ડો આ બન્ને ટેક્નિક ઓવરથિન્કિંગ, ઍન્ગ્ઝાયટી અથવા વિચારવાયુ થઈ ગયો હોય તો એમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.
બ્રેઇન-ડમ્પ શું હોય?
ADVERTISEMENT
આ એક એવી પ્રોસેસ છે જેમાં તમે દિમાગમાં જે કંઈ ચાલી રહ્યું છે જેમ કે કોઈ ચિંતા, આઇડિયા, વિચાર, સ્ટ્રેસ બધું જ પેપર પર લખી દો. દિમાગમાં કોઈ વસ્તુ ચાલતી હોય તો એને બ્રેક લગાવવી થોડી મુશ્કેલ હોય છે, કારણ કે એ સતત આવ્યા જ કરે છે. એવામાં જો તમે એ બધી વસ્તુ એક કાગળ પર લખી દો તો માઇન્ડ ટેમ્પરરી રિલીફ ફીલ કરે છે. એનાથી તમારા બ્રેઇનને એક સ્પેસ મળે છે અને તમે વર્તમાન ક્ષણમાં આવી જાઓ છો. રાતના સમયે અથવા તો તમારા દિમાગના ઘોડા બહુ દોડી રહ્યા છે એવું લાગે ત્યારે પેપર-પેન લઈને લખવા બેસી જાઓ. લખતી વખતે જે પણ વિચાર આવે એને કાગળમાં લખતા જાઓ. લખતી વખતે દિમાગમાં જે હોય એ જ લખો. એને વધારે ફિલ્ટર કરીને, લૉજિક સાથે કે શબ્દોની રચના પર વધારે ધ્યાન આપ્યા વગર બસ લખતા જાઓ.
વરી-વિન્ડો શું છે?
આ એક ફિક્સ ટાઇમ સ્લૉટ હોય છે જેમાં તમે ફક્ત ચિંતા કરવા માટેની માઇન્ડને પરમિશન આપો છો. જેમ કે તમે એમ નક્કી કરી લો કે હું ફક્ત રાત્રે દસથી સવાદસ વચ્ચે માત્ર ૧૫ મિનિટ જ ચિંતા કરીશ, એ પછી મારા વિચારો પર બ્રેક લગાવી દઈશ. આનાથી ફાયદો એ થાય કે તમારા દિમાગને ખબર પડી જાય છે કે ચિંતા કરવાનો એક ફિક્સ ટાઇમ છે. એટલે એ દરેક વખત સ્ટ્રેસ ફીલ નહીં કરે. દિવસમાં કોઈ પણ સમયે ચિંતા સતાવવા લાગે ત્યારે એ વિચારને તમે ચિંતા કરવાનો આપણે જે સમય ફિક્સ કર્યો છે ત્યાં સુધી પોસ્ટપોન કરી શકો છો. આનાથી તમારું દિવસભરનું જે ફોકસ છે એ સુધરશે. એ માટે સૌથી પહેલાં તો તમે તમારી અનુકૂળતાના હિસાબે એક સમય નક્કી કરી લો જેમાં તમારે બીજું કોઈ કામ નથી. બસ, બેસીને ફક્ત ચિંતા કે મનમાં કોઈ વિચાર આવતો હોય એ જ કરવાનો છે. ઉહાદરણ તરીકે તમે ઑફિસથી આવ્યા પછી જમીને રાતનો કોઈ એક સમય નવથી સવાનવ ફિક્સ કરી લો. દિવસ દરમિયાન કામ કરતી વખતે દિમાગમાં કોઈ વિચારો આવે તો તરત દિમાગને કમાન્ડ આપી દો કે આપણે આ વિશે રાતનો જે ફિક્સ સમય છે એમાં વિચારીશું. વરી-વિન્ડોમાં ચિંતા કરવાની સાથે પોતાની જાતને એ પ્રશ્ન પણ પૂછો કે શું આનો ઉકેલ નીકળી શકે? એ માટે મારે શું કરવું જોઈએ? એને ચેન્જ કરવાનું મારા કન્ટ્રોલમાં છે? જો જવાબ ના હોય તો એ ચિંતાને કરવાનું છોડો. વરી-વિન્ડોનો સમય પૂરો થઈ ગયા પછી હંમેશાં એક શટ ઑફ રિચ્યુઅલ રાખો એટલે કે કોઈ ઍક્ટિવિટી કરી લો જેમ કે મનપસંદ ગીત સાંભળી લેવું, પાંચ મિનિટ આંટો મારી લેવો વગેરે.


