આ જે નિરભિમાનપણું છે એ ભક્તિની યુક્તિ છે અને આ યુક્તિને વિભીષણે અમાનના નામે ઓળખાવી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વિભીષણે હનુમાનજીને ભક્તિની નવ યુક્તિઓ દેખાડી હતી. આ નવ યુક્તિઓ છે અભય, અલખ, અશોક માનસિકતા, અશંક, અ-અશુભ, અમૂળ, અ-અમર્શ, અમાન અને અમલ. આ નવેનવ યુક્તિની વાત આપણે ક્યારેક કરીશું પણ અત્યારે મારે વાત કરવી છે આઠમી યુક્તિ એટલે કે અમાનની.
આગળનું સૂત્ર છે – અમાન રહેવું. અમાનપણું એ ભક્તિનું લક્ષણ છે. મારામાં જાગૃતિ આવી ગઈ, હું હવે સજાગ થઈ ગયો, જાગ્રત થઈ ગયો એ વાતનો આપણને અહંકાર ન આવવો જોઈએ. આ જે નિરભિમાનપણું છે એ ભક્તિની યુક્તિ છે અને આ યુક્તિને વિભીષણે અમાનના નામે ઓળખાવી છે. અમાનનો અત્યારના શબ્દોમાં જો અર્થ સમજાવવાનો હોય તો કહી શકાય અ-માન. માન વિના રહેવું પણ એવી રીતે રહેવું જેમાં સામેની વ્યક્તિને એનો અંદેશો પણ ન આવે. અમાન રહેવા માટે કલેજું જોઈએ એવું કહું તો કંઈ ખોટું નથી.
ADVERTISEMENT
અમાન ઉપરાંત પણ જે મહત્ત્વની યુક્તિ છે એ છે અમલ.
અચલ અમલ અનુરાગ ભક્તિનો. નિર્મલતા, નિર્મળતા, જે કહો એ.
સરલ સુભાઉ ન મન કટુલાઈ
વિભીષણે દર્શાવેલી ભક્તિની આ નવ પ્રકારની યુક્તિ મારી વ્યાસપીઠને પણ લાગે છે. હનુમાનજીને આ યુક્તિ વિભીષણે બતાવી અને હનુમાનજી ચાલ્યા એ રસ્તે. હવે આપણે જોવાનું છે કે આમાંથી થોડી યુક્તિઓ આપણને આવડી જાય, સમજાઈ જાય તો રામ ભજન સોઈ મુક્તિ...
મુક્તિની આ યુક્તિઓ મળી જાય એ ઉત્તમ વાત છે, પણ ધારો કે ન મળે, ધારો કે એ બધીનો અમલ ન થઈ શકે તો તો કમ સે કમ ભક્તિની યુક્તિ વિભીષણ જેવા સાધુપુરુષે હનુમાનજીને સામે મૂકી છે એમાંથી આ બે યુક્તિને થોડી પણ જીવનમાં ઉતારી શકીએ, અમલ કરી શકીએ તો મુક્તિ બહુ સુલભ બને અને જ્યારે મુક્તિ સુલભ બને ત્યારે ભક્તિને પામવાની પ્રક્રિયા સાવ સહજ બની જાય. મુક્તિ જ શું, જીવન પણ સરળ બની જાય.
ભક્તિની યુક્તિ એવી અમાન અને અમલને ક્યારેય ભૂલતાં નહીં. એવું લાગે તો એને લખીને આંખ સામે રાખો જેથી જ્યાં પણ જે યુક્તિ વાપરવાની જરૂર પડે ત્યારે તરત જ તમને આંખ સામે આવી જાય. આ સલાહનો મુદ્દો માત્ર એટલો કે તમે જો ઇચ્છતા હશો તો આ યુક્તિ જ તમને ભક્તિના માર્ગ પર એ સ્તર પર લઈ જશે જ્યાં પરમાત્માનો સાક્ષાત્કાર થશે અને એ સાક્ષાત્કારમાં તમને ઈશ્વરનો અનુભવ થશે.
