સાંતાક્રુઝ-ઈસ્ટમાં દીપક મકવાણા પરિવાર દ્વારા કેદારનાથ રોપવે પ્રોજેક્ટની થીમ પર અનોખો ગણેશ મંડપ તૈયાર કરાયો. રોપવે કૅબિનમાં બિરાજમાન બે ફુટના બાપ્પા અને કેદારનાથ યાત્રાનો રિયલિસ્ટિક લુક ભક્તોનું આકર્ષણ બન્યો.
કેદારનાથ રોપવેની થીમ પર તૈયાર કરાયેલા ભવ્ય મંડપમાં કૅબિનની અંદર બિરાજમાન ગણપતિબાપ્પા.
ગણેશોત્સવ નિમિત્તે દર વર્ષે વિવિધ અનોખી થીમ સાથે ગણપતિબાપ્પાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંતાક્રુઝ-ઈસ્ટમાં અયોધ્યા બિલ્ડિંગના રહેવાસી દીપક મકવાણા સહિત પરિવારના સભ્યો દ્વારા કેદારનાથ રોપવે પ્રોજેક્ટની થીમ પર અનોખો ગણેશ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. આ મંડપમાં રોપવેની કેબિનમાં ગણપતિબાપ્પા બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ થીમને તૈયાર કરવા માટે પ્લાયવુડ, કલર-પેઇન્ટ્સ, LED લાઇટ્સ, ફૅબ્રિક સહિતની વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંડપમાં કેદારનાથ યાત્રા અને રોપવેનો રિયલિસ્ટિક લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ગણેશોત્સવમાં સ્થાપિત ગણપતિબાપ્પાની મૂર્તિ બે ફુટ ઊંચી હતી. સમગ્ર સેટ અને પાયાની રચનામાં આશરે ૩૫ કિલો જેટલા વજનની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોપવે કૅબિનમાં બિરાજમાન ગણપતિબાપ્પાના આ અનોખા સ્વરૂપે ભક્તોમાં ખાસ આકર્ષણ ઊભું કર્યું હતું. આ ગણપતિ આમ તો પાંચ દિવસના હતા એટલે સ્થાપનાની મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે, પણ થીમ લોકોને એટલી પસંદ પડી છે કે એને બાપ્પાની નાની મૂર્તિ સાથે ૧૨ દિવસ સુધી રાખવાનું નક્કી કર્યું છે.
