Sonia Gandhi voter roll case: ૧૯૮૩માં ભારતીય નાગરિકત્વ મેળવ્યા પહેલા ૧૯૮૦ની મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે દસ્તાવેજોની ગેરરીતિ કરવાના આરોપસર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સામેની ફોજદારી ફરિયાદને દિલ્હીની સેસન્સ કોર્ટે ફરી ઉખેડી!
સોનિયા ગાંધીની ફાઇલ તસવીર
૧૯૮૩માં સત્તાવાર રીતે ભારતીય નાગરિકત્વ મેળવ્યા પહેલા ૧૯૮૦ની મતદાર યાદીમાં સોનિયા ગાંધી (Sonia Gandhi)નું નામ સામેલ હોવાના આક્ષેપ સાથે જોડાયેલો કાનૂની વિવાદ દિલ્હીની સેશન્સ કોર્ટ (Delhi Sessions Court)ના આદેશ બાદ ફરી ચર્ચામાં આવ્યો છે. સેસન્સ કોર્ટે આ મામલે નીચલી કોર્ટને અરજદારની ફરિયાદ પર નવેસરથી કાનૂની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર વિવાદ એવા દાવો પર કેન્દ્રિત છે કે તેમણે નાગરિકત્વ મેળવ્યું તે અગાઉ જ સરકારી મતદાર યાદીના રેકોર્ડમાં તેમનું નામ દાખલ કરવામાં આવ્યું હતું.
એક મહત્વપૂર્ણ કાનૂની ઘટનાક્રમમાં, દિલ્હીની સેશન્સ કોર્ટે કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સામે ભારતીય નાગરિકત્વ મેળવતા પહેલા મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાના આક્ષેપો (Sonia Gandhi voter roll case) અંગે પોલીસ તપાસનો આદેશ આપવાનો ઇનકાર કરતા નીચલી કોર્ટના આદેશને રદ કરી દીધો છે. રાઉસ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ વિશાલ ગોગ્નેએ આ મામલો નીચલી મેજિસ્ટ્રેટ કોર્ટને પરત સોંપતા (રિમાન્ડ) ચુકાદો આપ્યો હતો કે અરજી ફગાવી દેતો અગાઉનો આદેશ "કારણો વિનાનો" (Non-speaking) હતો અને તેમાં કાયદાકીય ભૂલ જોવા મળી હતી.
ADVERTISEMENT
નીચલી કોર્ટનો આદેશ કાયદાકીય દ્રષ્ટિએ તુટિપૂર્ણ: સેશન્સ કોર્ટ
સોમવારે આ નિર્ણયનો મુખ્ય અંશ સંભળાવતી વખતે, સ્પેશિયલ જજ વિશાલ ગોગ્નેએ નોંધ્યું હતું કે નીચલી મેજિસ્ટ્રેટ કોર્ટે અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા તથ્યો અને આક્ષેપોનું યોગ્ય રીતે મૂલ્યાંકન કર્યું નથી. કોર્ટે અવલોકન કર્યું કે નીચલી કોર્ટે દસ્તાવેજોની ગેરરીતિ અંગેના ચોક્કસ દાવાઓ પર યોગ્ય તાર્કિક આદેશ આપ્યા વિના જ અરજીને આધારવિહીન ગણાવી દીધી હતી.
ન્યાયાધીશે જણાવ્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આપવામાં આવેલો મેજિસ્ટ્રેટનો નિર્ણય રેકોર્ડ પર મૂકવામાં આવેલી વિગતો સાથે સુસંગત નહોતો, તેથી આ મામલો નવેસરથી વિચારણા માટે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) પાસે મોકલવામાં આવે છે. સ્પેશિયલ કોર્ટે મેજિસ્ટ્રેટને યોગ્ય તપાસ કરવા, સંબંધિત પોલીસ અધિકારીઓને સાંભળવા અને ૨૯ સપ્ટેમ્બરના રોજ વિગતવાર આદેશ પસાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
નાગરિકત્વ અને મતદાર યાદીમાં નામ નોંધણી અંગેના આરોપો
આ રિવિઝન પિટિશન એડવોકેટ વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં તેમણે સોનિયા ગાંધી સામે એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરી હતી. અરજદારે આક્ષેપ કર્યો હતો કે સોનિયા ગાંધીએ એપ્રિલ ૧૯૮૩માં સત્તાવાર રીતે ભારતીય નાગરિકત્વ મેળવ્યું તે પહેલાં, ૧૯૮૦માં નવી દિલ્હી સંસદીય મતક્ષેત્રની મતદાર યાદીમાં તેમનું નામ ગેરકાયદેસર રીતે ઉમેરવામાં આવ્યું હતું.
અરજી અનુસાર, ૧૯૮૦ની મતદાર યાદી સુધારણા દરમિયાન પોલિંગ સ્ટેશન ૧૪૫ પર ક્રમ સંખ્યા ૩૮૮ પર સોનિયા ગાંધીનું નામ નોંધાયેલું હતું, જ્યારે તે સમયે તેઓ ઇટાલિયન નાગરિકત્વ ધરાવતા હતા. જાહેર વિરોધ બાદ ૧૯૮૨માં તેમનું નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું અને ૧૯૮૩માં નાગરિકત્વ મળ્યા બાદ ફરીથી ઉમેરવામાં આવ્યું હતું. અરજદારે દલીલ કરી હતી કે ૧૯૮૩ પહેલાં સરકારી મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ચોક્કસપણે બનાવટી કે ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવા જોઈએ, જે કાનૂની ગુનો બને છે.
નીચલી કોર્ટમાં નવેસરથી સુનાવણી હાથ ધરાશે
આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૫માં મેજિસ્ટ્રેટ કોર્ટે આ અરજી એવું કહીને ફગાવી દીધી હતી કે આ આક્ષેપોમાં પૂરતા પુરાવા નથી અને આ મામલો તેની ક્ષેત્રાધિકાર બહારનો છે. આ નિર્ણયને પડકારતાં અરજદારે સેશન્સ કોર્ટમાં પહોંચીને ઈલેક્શન કમિશનના જૂના રેકોર્ડ્સની પોલીસ તપાસની માંગ કરી હતી.
સેશન્સ કોર્ટ દ્વારા જૂનો આદેશ રદ કરવામાં આવતાં, હવે આ કેસ ૨૯ સપ્ટેમ્બરે ACJM કોર્ટમાં નવેસરથી કાર્યવાહી માટે આવશે. મેજિસ્ટ્રેટ અરજદારની દલીલોની પુનઃ તપાસ કરશે, ૧૯૮૦ અને ૧૯૮૩ વચ્ચે સોનિયા ગાંધીની મતદાર નોંધણીની સમયરેખા સમીક્ષા કરશે અને કાયદા મુજબ ઔપચારિક પોલીસ તપાસ અથવા FIR ની જરૂર છે કે કેમ તે અંગે નિર્ણય લેશે.
