Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શુભેચ્છાઓનું ખાતું ક્યારેય ખાલી ન રાખશો

શુભેચ્છાઓનું ખાતું ક્યારેય ખાલી ન રાખશો

Published : 14 September, 2026 11:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણે બૅન્કમાં પૈસા સાચવીએ છીએ, પણ ‘શુભેચ્છાઓનું ખાતું’ ખોલીને પ્રેમ, દયા અને કરુણાની લાગણીઓ પણ વહેંચી શકીએ છીએ. સકારાત્મક વિચારો અને સંકલ્પશક્તિથી દુઃખી લોકો સુધી શુભેચ્છાના સ્પંદનો પહોંચાડી શકાય છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


વિશ્વના મોટા ભાગના લોકો પોતાની બચત જમા કરવા માટે કોઈક ને કોઈક બૅન્કમાં ખાતું જરૂર ખોલાવતા હોય છે. શા માટે? કારણ કે ઘરે રાખેલા પૈસા, સોના-ચાંદી ચોરી થઈ જવાનો ભય સદૈવ તેમને સતાવતો રહે છે. આ તો થઈ સ્થૂળ ધનને સલામત રાખવાની યુક્તિ, પણ શું તમે ક્યારેય ‘શુભેચ્છાઓનું ખાતું’ કોઈ બૅન્કમાં ખોલાવ્યું છે ખરું? સાંભળીને થોડુંક વિચિત્ર લાગે એવી વાત છેને? પરંતુ હાલ વિશ્વની અંદર ચાલી રહેલા ખરાબ સમયને જોતાં આપણા સૌ માટે ‘શુભેચ્છાઓનું ખાતું’ ખોલાવવું અતિ આવશ્યક થઈ ગયું છે, કારણ કે આજે આપણી ચારેકોર ત્રાહી-ત્રાહી થઈ રહી છે અને આપણે સૌ કેવળ ન્યુઝ-ચૅનલો તેમ જ સમાચારપત્રો મારફત એ સામૂહિક વિનાશનાં દૃશ્યોને જોઈ-જોઈને અંદર-અંદર રિબાયા કરીએ છીએ. જોકે આ બધું જોતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે પ્રભુ પરમાત્માએ આપણને સૌથી તીવ્ર અને શક્તિશાળી શસ્ત્ર આપણી પોતાની ‘સંકલ્પશક્તિ’ના રૂપમાં આપેલું છે. જી હા, તો શું થયું જો આપણે એ દુર્ઘટનાસ્થળ પર શારીરિક રીતે પહોંચી નથી શકતા? આપણા સૌની પાસે ‘શુભેચ્છાઓ’ની એક એવી અજોડ શક્તિ છે જેને આપણે પોતાના સંકલ્પોના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણે સૌથી ઝડપી ગતિએ પોહોંચાડી શકીએ છીએ. 
શુભેચ્છાઓ એ એવી સંજીવની બૂટી સમાન છે જે કેવી પણ મૂર્છિત અવસ્થાવાળી વ્યક્તિને જીવંત કરી દે છે. જ્યારે આપણે કોઈના પ્રત્યે સાચા હૃદયથી શુભેચ્છા રાખીએ છીએ ત્યારે એ લાગણીઓનાં સ્પંદનો દ્વારા આસપાસના આખા વાતાવરણમાં તાત્કાલિક ખુશી ફેલાઈ જાય છે. યાદ રાખો, આપણી અંદર છુપાયેલી ઉદારતાની લાગણીઓ, ઉન્નત વિચારો, હકારાત્મક દૃષ્ટિબિંદુ અને શુદ્ધ સ્પંદનો દ્વારા આપણે કોઈ પણ જગ્યાએથી આખા જગતની સેવા કરી શકીએ છીએ. આપણે જ્યારે નિઃસ્વાર્થભાવે દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને સ્નેહની લાગણી રાખીએ છીએ ત્યારે એને દયાના એક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે ઊંડા દુ:ખમાં ડૂબેલા આત્માઓ પ્રત્યે શુભેચ્છાઓનાં સ્પંદનો મોકલવાં એને દયા અને કરુણાના એક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે અને અપકારીઓ પર પણ ઉપકાર કરવા તેમ જ નિંદકને પણ પોતાનો મિત્ર માનીને તેને અપનાવી લેવો એને ક્ષમાશીલતાનો અભિગમ માનવામાં આવે છે. આ બધા જ ગુણો તેમ જ હકારાત્મક દૃષ્ટિબિંદુ સાથે આપણે એક જ સમયે પોતાની જાતને પણ સશક્ત બનાવીએ છીએ તેમ જ અન્યોને પણ સશક્ત બનાવવામાં સફળ થઈએ છીએ.
જો એક ‘શુભેચ્છા’ રાખવામાત્રથી આપણને આટલા બધા લાભ પ્રાપ્ત થાય છે તો શા માટે આપણે પોતાના જીવનમાં આ સરળ રસ્તો નથી અપનાવતા? કદાચ આપણને આના વિશે આજ સુધી કોઈએ કંઈ કહ્યું જ નથી એટલા માટે કે પછી કંઈ બીજું કારણ છે?

-રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK