Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સાઇકલયાત્રાને જીવનયાત્રાનો હિસ્સો બનાવી શકાય

સાઇકલયાત્રાને જીવનયાત્રાનો હિસ્સો બનાવી શકાય

Published : 24 November, 2026 12:00 PM | Modified : 24 November, 2026 12:11 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

પાટનગર ઍમ્સ્ટરડૅમમાં તો ૬૦ ટકાથી પણ વધુ લોકો રોજિંદો પ્રવાસ સાઇકલથી જ કરે છે, એટલે સુધી કે વડા પ્રધાન અને પ્રધાનો પણ સંસદભવન સુધી સાઇકલ પર જતા જોવા મળે છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


દુનિયામાંથી શીખવા જેવું ઘણું છે. કરવા જેવું અને ન કરવા જેવું ઘણું બધું જોઈ-જાણીને શીખી શકાય છે. એક બાજુ અમેરિકા છે જ્યાં દેશની કુલ જનસંખ્યા કરતાં ગનસંખ્યા વધારે છે તો બીજી બાજુ નેધરલૅન્ડ્સ છે જ્યાં નાગરિકોની સંખ્યા કરતાં સાઇકલની સંખ્યા વધારે છે. એક કરોડ એંસી લાખની જનસંખ્યા સામે બે કરોડ ચાલીસ લાખ સાઇકલ છે. પાટનગર ઍમ્સ્ટરડૅમમાં તો ૬૦ ટકાથી પણ વધુ લોકો રોજિંદો પ્રવાસ સાઇકલથી જ કરે છે, એટલે સુધી કે વડા પ્રધાન અને પ્રધાનો પણ સંસદભવન સુધી સાઇકલ પર જતા જોવા મળે છે.
અહીં સાઇકલને સામાન્ય કક્ષાનું વ્હીકલ કે સાધન ન ગણતાં ઊંચા દરજ્જાની લાઇફસ્ટાઇલનું અને ગ્રીન પ્લૅનેટ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક ગણે છે. પર્યાવરણ બચાવવાની મોટી વાતો, લાંબા લેક્ચરો, ખર્ચાળ સંશોધનોથી લઈને વડા પ્રધાનની નાગરિકોને અપીલ સુધી બધું છે... માત્ર સાઇકલની સિસ્ટમને પ્રોત્સાહન નથી. 
સાવ નાની લાગતી આ વાત કેટલી અસર ઉપજાવી શકે એ ત્રણ મુદ્દા પરથી ખ્યાલ આવશે. એક, સાઇકલ સંપૂર્ણપણે ‘ઝીરો ઇમિશન’ પર ચાલે છે એટલે કે સો ટકા પ્રદૂષણમુક્ત છે. બીજું, એક સામાન્ય કાર-પાર્કિંગ જેટલી જગ્યામાં પાંચથી ૬ સાઇકલ પાર્ક થઈ જાય અને ત્રીજું, દુનિયાના લોકો પાંચ કિલોમીટર સુધી જો સાઇકલનો વપરાશ કરે તો ગ્લોબલ પ્રદૂષણમાં ૧૧-૧૨ ટકા સુધીનો ઘટાડો થાય.
વ્યક્તિગત સ્વાસ્થ્યને લઈને થતા ફાયદા તો અલગ જ. જિમ કર્યા વિના શારીરિક સુદૃઢતા કેળવી શકાય છે. બેશક ગાડીની સરખામણીમાં સાઇકલની ધીમી ગતિ, રસ્તા પર સાઇકલની ભીડ, ભારે અને ઝડપી વાહનો વચ્ચે સાઇકલની સલામતી જેવા પ્રશ્નો રહે; પણ મસમોટી સમસ્યાને હળવી કરવા આવા ઉપાયો વગર ચાલવાનું નથી. 
બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં સરકાર અને કૉર્પોરેટ કંપનીઓએ સાથે મળીને અદ્ભુત સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ મુજબ જો કોઈ કર્મચારી કાર, સ્કૂટર કે બાઇક છોડીને સાઇકલ પર ઑફિસ આવે તો કંપની તેને કિલોમીટરના હિસાબે સ્પેશ્યલ બાઇસિકલ અલાઉન્સ આપે છે, કેવી સરસ વાત. વાહન ચલાવનારને ખર્ચને બદલે આવક અને દેશ-દુનિયાને પણ ફાયદો. 
અંતરિયાળ ભારતમાં આજે પણ સાઇકલ-કલ્ચર છે. વિદ્યાર્થીઓ પોતાના ગામડેથી પાંચેક કિલોમીટર દૂર સુધી ભણવા માટે સાઇકલ પર જાય છે. જ્યાં હજારો વર્કર્સ કામ કરતા હોય અને નજીકથી આવતા હોય એવી ઇન્ડસ્ટ્રી પણ આવું શરૂ કરી શકે. સ્પર્ધાઓમાં હજી કાર અને બાઇકને બમ્પર પ્રાઇઝ તરીકે આપવા કરતાં સાઇકલ જોડી (બે સાઇકલ) ઇનામ તરીકે રજૂ કરી શકાય. એકસાથે સાઇકલસવારીનું પ્રમોશન અને અમલીકરણ માત્ર ગણતરીના મહિનાઓમાં પેટ્રોલ-ડીઝલની પરવશતા ઓછી કરશે, પ્રદૂષણના રાક્ષસનું કદ ઘટાડશે, લોકોને ખર્ચમાં રાહત અને સ્વાસ્થ્યના લાભ કરાવશે. લૉન્ગ-અવેઇટેડ ઇનિશ્યેટિવ કો’ક લેશે તો લાભ જ લાભ છે. આવી પહેલ એ સમયની માગ છે. કડવું સત્ય એ છે કે માણસ પોતાની જાતને સુધાર્યા વગર વાતાવરણ સુધારવા માગે છે, પોતાની ઘાતક જીવનશૈલી બદલ્યા વગર દુનિયામાં બદલાવ લાવવા માગે છે. વિકસિત દેશો પાસેથી પણ શીખવા જેવો આ અમૂલ્ય પાઠ છે.

- જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 12:11 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK