મૅરેજમાં ઊછળી-ઊછળીને ખર્ચો કરનારાએ સમજવું જોઈએ કે મૅરેજ થાય ત્યારે નહીં, એ ટકે એવાં સાબિત થાય ત્યારે પાર્ટી કરવાની હોય
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એક જ દિવસમાં ત્રણ-ત્રણ લગ્નની કંકોતરી ખાબકે એટલે કુટુંબ આખું બજેટ ટાણે નાણાપ્રધાન જેમ મૂંઝાય એમ ગોટે ચડે. ચૂંટણી વખતે ઉમેદવારની સેન્સ લેતા હોય એમ કુટુંબના મોભી ત્રણેય કંકોતરી હાથમાં લઈને એને કદ પ્રમાણે કાપે અને પછી ભાગ પાડે કે ફલાણાભાઈને ત્યાં લગ્નમાં મોટો દીકરો જઈ આવે, ઢીંકણાભાઈને ત્યાં નાનો દીકરો જઈ આવે તો ચાલે; પણ આ પૂંછડાભાઈ તો મોટી પાર્ટી કહેવાય એટલે તેને ત્યાં તો મારે જ જાવું પડે અને હા, બધાય સાંજે પૂંછડાભાઈના પાર્ટીપ્લૉટ પર મળીએ, કારણ કે જમવાનું સૌથી મોંઘું અને સારું આ ત્રણમાંથી પૂંછડાભાઈને ત્યાં જ હશે. આવા સંવાદો અને ગોઠવણો લગભગ દરેક ઘરમાં થયાં જ હશે અને તમે એના સાક્ષીયે થ્યા હશો.
હવે સુધરી ગયેલાં બૈરાંઓને લગ્નગીત આવડતાં નથી અને નવી પેઢીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને વૉટ્સઍપમાંથી નવરાશ નથી એટલે લગભગ લગ્નપ્રસંગે લગ્નગીતો ગાવાવાળી પાર્ટીઓ બોલાવી લેવાય છે. જોકે એમાં પણ કલાકારો યજમાનની ફરમાઇશના ગુલામ હોય. માંડ એકાદું દેશી લગ્નગીત ઈ ઉપાડે ત્યાં તેને મગજને બંધ રાખી... સૉરી, નયનને બંધ રાખી... ગુજરાતી ગઝલ ગાવાની ફરમાઇશો ફેંકવામાં આવે. ગીતોની વાત ચાલે છે ત્યારે કહેવાનું મન થાય કે મહેશ ભટ્ટે ફિલ્મ ‘જુર્મ’માં ગીત મૂકતી વખતે નહીં વિચાર્યું હોય કે જબ કોઈ બાત બિગડ જાએ... ગીત રોમૅન્ટિક ગીતને બદલે ભવિષ્યમાં રિસેપ્શન ગીત બની જાશે.
ADVERTISEMENT
એક જમાનામાં પુરુષો લગ્નમંડપથી બહાર થોડે દૂર ડાયરો ભરીને બેસતા ને કસુંબા-પાણી કરતા. એ સમયે ડાયરામાં બેઠેલા પુરુષોને ખબર પડે કે મંડપમાં કઈ વિધિ ચાલે છે એના માટે બહેનો દ્વારા લાંબા ઢાળનાં લગ્નગીતો રૂપાની ઘંટડી જેવા સ્વરે ગાવામાં આવતાં. વળી એ લગ્નગીતો ખાનદાની આબરૂનાં પ્રશસ્તિગીતો હતાં. જોકે અફસોસ કે હવે તો બહેનોના રૂપાની ઘંટડી જેવા સ્વર પણ નથી રહ્યા ને લગ્નમાં બેઠકના ડાયરા પણ નથી રહ્યા એટલે જ કદાચ લગ્નગીતો એની મેળે VRS લઈને સ્વેચ્છાએ કોમામાં ચાલ્યાં ગયાં છે.
રિસેપ્શન એ સંપૂર્ણપણે વિદેશી વિચાર છે. જોકે અમારો એક ભાઈબંધ તો વરસોથી એને ‘રિપસેશન’ કહીને જ બોલાવે છે તો મારો બીજો ભાઈબંધ વેડિંગમાં જાવું છે એવું કહેવાને બદલે ‘વેલ્ડિંગ’માં જાવું છે એમ કહે ને પાછો માળો બેટો ચોખવટ પણ કરે કે સાંઈ, મુરતિયાનાં બીજી વારનાં લગ્ન છે એટલે વેલ્ડિંગ કહું છું. જોકે એ તો સત્ય છે. વેડિંગમાં પહેલાં જોડાય ને પછી તણખા થાય, જ્યારે વેલ્ડિંગમાં પહેલાં તણખા થાય ને પછી જોડાવાનું ચાલુ થાય.
‘(લ)ગન’ અને ‘(સુહા)ગન’ બેઉ શબ્દોમાં ‘ગન’ નામની બંદૂકડી હોવા છતાં લગ્નવાંછુકો કેમ સાવચેત નહીં થતા હોય એનું મને આશ્ચર્ય હંમેશાં રહ્યું છે. છતાંય અમુક જ્ઞાતિ અને પરિવારોમાં જ્યાં હજી ‘સુધરી જવાના’ સાપ કરડ્યા નથી અને પરંપરાગત લગ્નગીતો અને રિવાજોની રખેવાળી કરી છે એમને મારા વંદન. બાકી મારા મતે તો રિસેપ્શન સમારંભ લગ્નના બીજે દિવસે નહીં પણ લગ્ન સફળ નીવડે તો લગ્નનાં પાંચ વર્ષ પછી યોજવો જોઈએ.
હું કોઈ જડ સંસ્કૃતિભૂષણ વાતોનો સંવાહક નથી, પરંતુ દીકરાની વહુ એ ગામ આખાયને દેખાડવાનો શો-પીસ તો નથી જ યાર. બૅન્ડવાજાં જેવા એક જ રંગના સૂટ પહેરીને ગોઠવાઈ જતું આખું કુટુંબ હોંશે-હોંશે રિસેપ્શનમાં મહેમાનોને પ્લાસ્ટિકિયા સ્માઇલ સાથે વધાવે છે. પરિવાર સિવાયના ગામના કેટલાય લુખેશ તમારા પરિવારની ગૃહલક્ષ્મી સાથે અભિનંદનના નામે શેકહૅન્ડ કરી જાય અને તેનાં કુમળાં અંગો પર પોતાની ખદબદતી નજરના સાઇલન્ટ ઉઝરડા મારી જાય. ફટ છે આવા રિસેપ્શનના દેખાડાને.
વધુ પડતું અને વધારે પડતું ભણી ગયેલા લોકો ગોરબાપાની અને કર્મકાંડની તમામ વિધિને ઑર્થોડોક્સ ગણે છે એટલે જ તો પાર્ટીપ્લૉટ, બૅન્ડવાજાં, કેટરિંગ ને ડેકોરેશનના દસમા ભાગનો ચાર્જ પણ જે લગ્નવિધિ કરાવે છે એ ગોરબાપાને નથી અપાતો. જેના વૈદિક મંત્રોચ્ચારથી સ્ત્રી-પુરુષ ભવોભવનાં બંધનોથી લગ્નસંસ્કારમાં બંધાય છે એની કિંમત ઍટ લીસ્ટ ફોટોવાળા કે વિડિયોવાળા કરતાં તો વધારે હોવી જ જોઈએ. આ મારી દલીલ છે, પણ આપણી વાત માનવાનો ટાઇમ કોને છે?
મૂકોને યાર...!
અરે હા, ખરા ટા’ણે યાદ આવ્યું.
મારા એેક ભાઈબંધનાં લગ્નની ત્રીસ વર્ષ પહેલાંની સીડી જોવા અમે સપરિવાર કાલે બેઠા હતા. વરઘોડા સુધી પહોંચ્યા ત્યાં મારા ભાઈબંધના જુવાન દીકરાએ બૉમ્બ ફોડ્યો કે પપ્પા, તમે તમારાં લગ્નમાં આ નાચવાવાળાઓ મુંબઈથી લાવ્યા’તા?
અતુલે સટાક કરતો એક ફડાકો ઝીંક્યો
‘ગધેડા, આ બધા તારા કાકાઓ, ફોઈઓ ને ફુવાઓ છે.’
પણ એમાં જુવાન છોકરાનો વાંક પણ નથી. હવે કુટુંબ નાનાં થઈ ગ્યાં છે અને બધાય પોતપોતાનામાં વ્યસ્ત ને મસ્ત રહેવા માંડ્યા છે. આ છોકરાએ ઘરમાં કોઈને જોયા નથી ને ઘરમાં બેસીને આખો દિવસ IPLલની ઓ’લી ચિયરલીડરુ જ જોઈ લે તો એય એમ જ સમજેને કે બાપા ધોની ને તેનાં લગનમાં નાચવાવાળા ધંધાદારી!


