Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સખી, ચાલ આપણે સજોડે સમૃદ્ધિનું સર્જન કરીએ!

સખી, ચાલ આપણે સજોડે સમૃદ્ધિનું સર્જન કરીએ!

Published : 22 November, 2026 12:11 PM | Modified : 22 November, 2026 12:18 PM | IST | Mumbai
Priyanka Acharya

લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું એક છત નીચે રહેવાનું બંધન નથી. એ બે સપનાં, બે મહત્ત્વાકાંક્ષાઓ અને બે અલગ વ્યક્તિત્વનું એકસાથે આગળ વધવાનું સહિયારું સાહસ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વહાલી પત્ની,

લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનું એક છત નીચે રહેવાનું બંધન નથી. એ બે સપનાં, બે મહત્ત્વાકાંક્ષાઓ અને બે અલગ વ્યક્તિત્વનું એકસાથે આગળ વધવાનું સહિયારું સાહસ છે. લગ્ન પછી આપણે નવું ઘર વસાવીએ છીએ, ભવિષ્યનાં સપનાં જોઈએ છીએ અને સુખી જીવન માટે અનેક યોજનાઓ બનાવીએ છીએ. પરંતુ આ બધાની વચ્ચે એક સવાલ પૂછવો જરૂરી છે : શું આપણે ખરેખર એકબીજાનાં સપનાંને પણ એટલી જ જગ્યા આપીએ છીએ જેટલી પોતાનાં સપનાંને આપીએ છીએ?



હું નથી ઇચ્છતો કે તું લગ્ન પછી મારા જીવનમાં આવીને પહેલેથી નક્કી કરેલી વ્યવસ્થામાં પોતાને ઢાળે. આપણે બંને મળીને આપણી દુનિયા બનાવીએ. તારે નોકરી કરવી હોય, કારકિર્દીમાં આગળ વધવું હોય, પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય, રોકાણ કરવું હોય કે થોડો સમય કામમાંથી વિરામ લેવો હોય, તારા દરેક નિર્ણયને એટલું જ મહત્ત્વ મળવું જોઈએ જેટલું મારા નિર્ણયોને મળે છે. ઘર અને કારકિર્દી બંને મોરચે તારે જ શ્રેષ્ઠ સાબિત થવાનું છે, એવું હું માનતો નથી. ઘર આપણું છે તો એની જવાબદારી પણ આપણી સહિયારી હોવી જોઈએ.


આર્થિક સ્વતંત્રતા ક્યારેક પતિ-પત્ની વચ્ચે સ્પર્ધાનું સ્વરૂપ ધારણ કરી લે છે. પૈસા કોણ કમાય છે, કોણ કેટલો ખર્ચ કરે છે અને કોનો નિર્ણય આખરી હોવો જોઈએ, આવી બાબતો સંબંધોમાં તનાવ ઊભો કરે છે. એકને નિયંત્રણમાં હોવાની લાગણી થાય છે, તો બીજાને અવગણનાની. હું નથી ઇચ્છતો કે આપણો સંબંધ આવી ખેંચતાણનો ભોગ બને.

આપણે આવક, ખર્ચ, બચત, લોન અને પરિવારની જવાબદારીઓ વિશે ખુલ્લા મનથી વાત કરીએ, પરંતુ દરેક વખતે હિસાબની જ વાતો ન કરીએ! જો તારે થોડો સમય નોકરીમાંથી વિરામ લેવો હોય તો સાથે મળીને ખર્ચ અને બચતનું આયોજન કરીએ. તારાં માતા-પિતા અને મારાં માતા-પિતાની જવાબદારીને પણ સમાન આદર આપીએ.


પ્રેમનો અર્થ મોંઘી ભેટો કે સોશ્યલ મીડિયા પર થતો દેખાડો નથી. સાથે વિતાવેલી ખુશીની પળો, આપણી ક્ષમતા પ્રમાણે કરેલા પ્રવાસ અને નાની-નાની ઉજવણીઓ પણ જીવનને યાદગાર બનાવે છે. આપણાં બાળકો પણ જુએ કે માતા-પિતા બંને નિર્ણય લે છે, બચત કરે છે, રોકાણ કરે છે અને મુશ્કેલ સમયમાં એકબીજાની પડખે ઊભાં રહે છે.

હું એવો પતિ બનવા માગતો નથી જે પત્નીની આર્થિક સ્વતંત્રતાને માત્ર ત્યારે જ સ્વીકારે જ્યારે તેનાથી પોતાનું જીવન સરળ બનતું દેખાય; હું એવો જીવનસાથી બનવા માગું છું જે તારી ઇચ્છાઓ અને સપનાંઓને આગળ વધવા માટે પૂરતી જગ્યા આપે. તારે માન મેળવવા માટે સંઘર્ષ કરવો ન પડે કે ઘરની શાંતિ માટે પોતાનાં સપનાંઓનો ભોગ આપવો ન પડે એવું આપણું જીવન હોવું ઘટે.

ચાલ, આપણે એવું લગ્નજીવન બનાવીએ જેમાં એકના વિકાસ માટે બીજાએ પોતાની જાતને નાની કરવાની જરૂર ન પડે, કારણ કે સાચી સમૃદ્ધિ ત્યારે જ છે જ્યારે બંને સાથે આગળ વધે.

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 12:18 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK