પૅરા એશિયન ગેમ્સમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો, ડોપિંગ કેસના કારણે આ વખતે રમી શક્યો નહોતો.
નીરજ યાદવ
ઉત્તર પ્રદેશમાં જન્મેલા ૪૨ વર્ષના ટોચના પૅરા-ઍથ્લીટ નીરજ યાદવે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મુખ્યત્વે જૅવલિન થ્રો રમતો નીરજ યાદવ ડિસ્કસ થ્રો અને શૉટપુટમાં પણ ભાગ લેતો હતો. પૅરા એશિયન ગેમ્સમાં તેણે ત્રણ ગોલ્ડ જીત્યા હતા. તેણે ૨૦૧૮, ૨૦૨૨માં જૅવલિન થ્રો અને ૨૦૨૨માં ડિસ્કસ થ્રોમાં આ મેડલ જીત્યા હતા.
નીરજ યાદવ પરિણીત હતો અને પરિવારમાં પત્ની, ત્રણ વર્ષની પુત્રી છે. ૭ વર્ષની ઉંમરે તેને પોસ્ટ-પોલિયો રેસિડ્યુઅલ પૅરૅલિસિસ એટલે કે પોલિયો પછી રહી ગયેલો લકવો થયો હતો. તેણે શરૂઆતમાં વ્હીલચૅર ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. પછી પૅરા ઍથ્લેટિક્સ તરફ વળીને પોતાની નવી ઓળખ સ્થાપિત કરી હતી.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર નીરજ યાદવે ભારે માનસિક તનાવને કારણે આ પગલું ભર્યું હતું. તનાવનું કારણ ડોપિંગ કેસમાં તેનું ૪ વર્ષનું સસ્પેન્શન અને એક મહિલા સાથેના તેના અંગત સંબંધનો અંત હોવાનું માનવામાં આવે છે. પૅરા એશિયન ગેમ્સ 2026માં તે ડોપિંગ કેસમાં સપડાયો હોવાથી ભાગ લઈ શક્યો નહોતો.
દિલ્હી પોલીસે કહ્યું હતું કે ‘એક મહિલા મંગળવારે નીરજને હૉસ્પિટલ લાવી હતી. તે મહિલા નીરજને મળવા હરિયાણા ગઈ હતી અને તેની સાથે સંપર્કમાં રહી શકશે નહીં એવું જણાવી દીધું હતું. મોડી રાતે નીરજ યાદવ તેને પોતાની સ્કૉર્પિયો કારમાં દિલ્હી સુધી મૂકવા આવ્યો હતો. થોડા સમય પછી મહિલાને મૌજપુર મેટ્રો સ્ટેશન પાસે નીરજ કારની બાજુમાં રસ્તા પર પડેલો જોવા મળ્યો હતો.’
ભારતની પૅરા ઍથ્લેટિક્સ ટીમના કોચ એસ. સત્યનારાયણે કહ્યું હતું કે ‘સસ્પેન્શનને કારણે તેના ૨૦૨૨ના પૅરા એશિયન ગેમ્સના બે ગોલ્ડ મેડલ અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મળતી ક્લાસ-વનની નોકરી અને ૩ કરોડ રૂપિયાના પુરસ્કાર છીનવાઈ ગયા હતા. સસ્પેન્શન પૂરું થવામાં થોડા મહિના બાકી હોવાથી તે આ વખતની પૅરા એશિયન ગેમ્સની ટ્રાયલમાં ભાગ લઈ શક્યો નહોતો.’
