ચેન્નઈમાં અંગ્રેજોએ આપેલા ૧૬૬ રનના ટાર્ગેટને ૮ વિકેટે છેલ્લી ઓવરમાં ચેઝ કર્યો ભારતીય ટીમે : ૧૩૦.૯૧ના સ્ટ્રાઇક રેટથી પંચાવન બૉલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ ૭૨ રન ફટકાર્યા
તિલક વર્માની પંચાવન બૉલમાં ૭૨ રનની અણનમ આક્રમક ઇનિંગ્સને બિરદાવી કૅપ્ટન સૂર્યકુમાર યાદવે.
ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝમાં ગઈ કાલે ચેન્નઈમાં બે વિકેટે મૅચ જીતીને ભારતીય ટીમે ૨-૦થી લીડ મેળવી હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી મહેમાન ટીમે ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૬૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. તિલક વર્માની પંચાવન બૉલમાં ૭૨ રનની અણનમ આક્રમક ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે ૧૯.૨ ઓવરમાં ૮ વિકેટના નુકસાન સાથે આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ઇંગ્લેન્ડના કૅપ્ટન જોસ બટલરે ફરી એક વાર લડાયક ઇનિંગ્સ રમતાં ૩૦ બૉલમાં ૪૫ રન ફટકાર્યા, પણ ભારતીય સ્પિનર અક્ષર પટેલ (બે વિકેટ) અને વરુણ ચક્રવર્તી (બે વિકેટ)ની સામે ઇંગ્લૅન્ડના બાકીના બૅટ્સમેન કૅપ્ટનને સાથ આપવામાં નિષ્ફળ રહ્યા હતા. કૅપ્ટન બાદ ઑલરાઉન્ડર બ્રાયડન કાર્સે ૧૭ બૉલમાં ૩૧ રનની મોટી ઇનિંગ્સ રમી હતી. નીચલા ક્રમના બૅટ્સમેનોએ ઇંગ્લૅન્ડને ૧૫૦ રનના આંકને પાર પહોંચાડ્યું, પરંતુ તેઓ ભારતીય સ્પિનર્સ સામે મુક્તપણે રમી શક્યા નહીં. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, મીડિયમ ફાસ્ટ બોલર હાર્દિક પંડ્યા અને સ્પિનર વૉશિંગ્ટન સુંદર ઉપરાંત પાર્ટ-ટાઇમ સ્પિનર અભિષેક શર્માને પણ ૧-૧ સફળતા મળી હતી. ૮.૨૫ની રનરેટથી મહેમાન ટીમે ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૬૫ રન કર્યા હતા.
ADVERTISEMENT
ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ભારતીય ટીમે સાધારણ શરૂઆત બાદ સમયાંતરે ટૉપ ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવી હતી. ૯.૧ ઓવરમાં ટીમે ૭૮ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એક તરફ બૅક-ટુ-બૅક વિકેટ પડી રહી હતી ત્યાં તિલક વર્મા (૭૨ રન)એ ભારતની ઇનિંગ્સને વન-મૅન આર્મીની જેમ સંભાળી હતી. ૧૩૦.૯૧ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરતાં તેણે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તેણે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (૧૨ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૧૯ બૉલમાં ૩૯ રનની અને વૉશિંગ્ટન સુંદર (૨૬ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૨૮ બૉલમાં ૩૮ રનની મોટી પાર્ટનરશિપ કરી હતી. અંતિમ ઓવરમાં સ્પિનર રવિ બિશ્નોઈ (નવ રન)એ બે ચોગ્ગા ફટકારીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે સૌથી વધુ ૩ વિકેટ લીધી, પણ ફાસ્ટ બોલર જોફરા આર્ચરે ૪ ઓવરમાં એક વિકેટ લઈને સૌથી વધુ ૬૦ રન આપી દીધા હતા.