આૅસ્ટ્રેલિયન આૅલરાઉન્ડરને સ્પાઇનની ઇન્જરીમાંથી સાજો થતાં ૬ મહિના લાગવાના હોવાથી આવતા મહિને શરૂ થનારી ભારત સામેની સિરીઝ ઉપરાંત કદાચ તે IPLમાં પણ નહીં રમી શકે
સ્મિથ
આવતા મહિને ભારતી ટીમ પાંચ ટેસ્ટ-મૅચની મહત્ત્વર્પૂણ સિરીઝ રમવા ઑસ્ટ્રેલિયા જશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિનશિપની બે ફાઇનલિસ્ટ ટીમ મોટા ભાગે આ સિરીઝના પરિણામના આધારે જ નક્કી થવાની હોવાથી બન્ને ટીમ માટે આ પાંચ ટેસ્ટ-મૅચ ખૂબ મહત્ત્વની બની રહેશે. જોકે આ સિરીઝ પહેલાં ઑસ્ટ્રેલિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. તેમનો યુવા ઑલરાઉન્ડર કૅમરન ગ્રીન ઇન્જરીને લીધે બહાર થઈ ગયો છે. બીજી તરફ ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવન સ્મિથને ઓપનર તરીકે અજમાવ્યા બાદ હવે ભારત સામે ફરી તેના ફેવરિટ ચોથા ક્રમાંકે મેદાનમાં ઉતારશે.
ગ્રીનને સાજો થતાં ૬ મહિના લાગશે
ADVERTISEMENT
૨૫ વર્ષના બોલિંગ ઑલરાઉન્ડર ગ્રીનને ગયા મહિને ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન સ્પાઇનમાં સ્ટ્રેસ ફ્રૅક્ચર થયું હતું. ગ્રીનને સંપૂર્ણ સાજો થતાં આશરે ૬ મહિના લાગવાના હોવાથી ભારત સામેની સિરીઝમાંથી તેની બાકબાકી થઈ ગઈ છે. એ ઉપરાંત તે ફેબ્રુઆરીમાં શ્રીલંકાની ટૂર અને ત્યાર બાદ ચૅમ્પિયન ટ્રોફી પણ નહીં રમી શકે. એ ઉપરાંત ગ્રીન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી પણ આઉટ થઈ શકે છે. ગ્રીન ગયા વર્ષે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમ્યો હતો.
સ્મિથની વિનંતી કૅપ્ટન અને કોચે મંજૂર રાખી
ડેવિડ વૉર્નરના રિટાયરમેન્ટ બાદ સ્ટીવન સ્મિથ સામે ચાલીને તેના સ્થાને ઓપનરની જવાબદારી સંભાળવા આગળ આવ્યો હતો, પણ ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં તે ચાર ઇનિંગ્સમાં માત્ર ૫૧ રન જ બનાવી શક્યો હતો અને સંપૂર્ણપણે ફ્લૉપ રહ્યો હતો એથી તેણે કૅપ્ટન પૅટ કમિન્સ અને કોચ ઍન્ડ્રયુ મૅક્ડોનલ્ડ સામે ફરી તેના માનીતા ચોથા ક્રમાંકે રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને બન્નેએ તેની ઇચ્છાને માન આપીને સ્વીકાર કર્યો હતો. જોકે હવે ઑસ્ટ્રેલિયન સિલેક્ટરોએ ઉસ્માન ખ્વાજાનો નવો ઓપનર પાર્ટનર શોધવો પડશે. સિલેક્ટરો એ માટે ભારત A અને ઑસ્ટ્રેલિયા A ટીમની સિરીઝ પર અને ખાસ કરીને કૅમરન બૅન્ક્રોફ્ટ, સૅમ કૉન્ટાસ અને માર્કસ હૅરિસ પર નજર રાખશે.