પાકિસ્તાન અને મલેશિયા વચ્ચે આજે પાંચમા સ્થાન માટે મૅચ; ભારત, નેપાલ, બંગલાદેશ અને શ્રીલંકા નૉક-આઉટ મૅચ રમશે
નૉક-આઉટ સ્ટેજમાં પહોંચી જતાં સેલિબ્રેશન કરતી વિમેન્સ અન્ડર-19 ભારતીય ટીમ.
મલેશિયામાં રમાઈ રહેલા પહેલા વિમેન્સ અન્ડર-19 T20 એશિયા કપનો ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ પૂરો થયો છે. છ ટીમમાંથી ગ્રુપ-Aની ભારત અને નેપાલ અને ગ્રુપ-Bની બંગલાદેશ અને શ્રીલંકા ટીમ નૉક-આઉટ રાઉન્ડમાં પહોંચી છે, જ્યારે ગ્રુપ-Aમાંથી પાકિસ્તાન અને ગ્રુપ-Bમાંથી યજમાન મલેશિયા બહાર થતાં આજે તેમના વચ્ચે પાંચમા સ્થાન માટે જંગ થશે.
સુપર-ફોર નૉક-આઉટ રાઉન્ડમાં ભારતીય ટીમ ૧૯ ડિસેમ્બરે બંગલાદેશ અને ૨૦ ડિસેમ્બરે શ્રીલંકા સામે રમશે. આ રાઉન્ડની ટૉપ-ટૂ ટીમ વચ્ચે બાવીસમી ડિસેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. ગઈ કાલે ભારત અને નેપાલ વચ્ચેની ગ્રુપ-સ્ટેજની મૅચ વરસાદને કારણે રદ રહી હતી. નેપાલે ૮ વિકેટ ગુમાવીને ૯૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૩.૧ ઓવરમાં ભારતીય ટીમે વિકેટ ગુમાવ્યા વગર ૨૮ રન બનાવ્યા હતા પણ વરસાદે મૅચને રોકી દીધી હતી. પાકિસ્તાનની ટીમ આ બન્ને ટીમ સામે હારીને ચૅમ્પિયન બનવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે.