પહેલી વાર ૪૦૦૦થી ઓછા રનમાં ૨૦૦ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી, ૮૪૮૪ બૉલમાં ટેસ્ટ-વિકેટની ડબલ સેન્ચુરી કરી બુમરાહે
પહેલી ઇનિંગ્સમાં વિરાટ કોહલીના આઉટ થયા બાદ સૅમ કૉન્સ્ટૅસે દર્શકોને હાથ ઊંચા કરીને ઉજવણી કરવા કહ્યું હતું. ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહે તેને આઉટ કર્યા બાદ એ જ સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું.
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં તરખાટ મચાવી રહ્યો છે. ૪ ટેસ્ટની ૮ ઇનિંગ્સમાં ૧૪૦.૪ ઓવરમાંથી તેણે ૩૮ ઓવર મેઇડન નાખી છે. તેણે ૩૮૪ રન આપીને સૌથી વધુ ૨૯ વિકેટ પણ ઝડપી છે. ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે પહેલી અને બીજી ઇનિંગ્સમાં ૪-૪ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહે ગઈ કાલે ટ્રૅવિસ હેડની વિકેટ લઈને ટેસ્ટમાં વિકેટની ડબલ સેન્ચુરી કરી હતી. તેણે ૮૪૮૪ બૉલમાં ૩૯૧૨ રન આપીને ૨૦૦ વિકેટ પૂરી કરી છે. તેણે આ સાથે કેટલાક મોટા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
ફાસ્ટેસ્ટ ૨૦૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરવા મામલે તે પાકિસ્તાનના વકાર યુનુસ (૭૭૩૦ બૉલ), સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેન (૭૮૪૮ બૉલ) અને સાઉથ આફ્રિકાના કૅગિસો રબાડા (૮૧૫૪ બૉલ) બાદ ૮૪૮૪ બૉલ સાથે ચોથા ક્રમે છે.
ADVERTISEMENT
૨૦૦ ટેસ્ટ-વિકેટ લેનાર ૮૫ટેસ્ટ-બોલર્સમાંથી બુમરાહ પહેલો બોલર છે જેણે ૪૦૦૦થી ઓછા રન આપીને ૨૦૦ વિકેટ પૂરી કરી હોય. આ દરમ્યાન તેની બોલિંગ-ઍવરેજ લગભગ ૧૯.૫૨ રહી છે. પહેલી વાર ટેસ્ટ-ઇતિહાસમાં કોઈ બોલરે ૨૦થી ઓછી બોલિંગ-ઍવરેજ સાથે ૨૦૦ વિકેટ પૂરી કરી હોય.
તેની મેલબર્ન ગ્રાઉન્ડ પર કુલ ૨૩ ટેસ્ટ-વિકેટ થઈ છે. આ સાથે જ તે વિદેશની ધરતીના એક મેદાન પર સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો છે. આ પહેલાં આ રેકૉર્ડ સ્પિનર અનિલ કુંબલેના નામે હતો જેણે સિડનીના મેદાન પર ૨૦ ટેસ્ટ-વિકેટ લીધી હતી. તે એકવીસમી સદીનો બીજો બોલર બન્યો છે જેણે મેલબર્ન ગ્રાઉન્ડ પર બન્ને ઇનિંગ્સમાં ૪ પ્લસ વિકેટ લીધી હોય. આ પહેલાં ૨૦૦૮માં સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેને આ કમાલ કરી હતી.
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયા સામે તે સૌથી વધુ ૭૪ વિકેટ લેનાર ભારતીય બોલર પણ બન્યો છે જેમાં તેણે ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવ (૭૨ વિકેટ)ને પાછળ છોડ્યો છે. ઑસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ભારતીય ફાસ્ટ બોલર દ્વારા સૌથી વધુ વિકેટ લેવામાં પણ બુમરાહે (૨૯ વિકેટ) કપિલ દેવનો ૧૯૯૧-’૯૨નો પચીસ વિકેટનો રેકૉર્ડ તોડ્યો છે.
લાસ્ટ ઓવરમાં થયો કૅચઆઉટ, નો-બૉલ અને નૉટઆઉટવાળો ડ્રામા
મેલબર્ન ટેસ્ટના ચોથા દિવસની અંતિમ ઓવરમાં એક રોમાંચક ઘટના જોવા મળી હતી. જસપ્રીત બુમરાહે ૮૧.૪મી ઓવરમાં ફેંકેલા ગુડ લેન્થ બૉલ પર નૅથન લાયન ડિફેન્સિવ રમવા જતાં બૉલ બૅટને અડીને સ્લીપમાં ફીલ્ડિંગ કરતા કે. એલ. રાહુલ પાસે ગયો અને તેણે એ કૅચ પકડી લીધો હતો. જોકે આ કૅચ પકડવા તેણે પોતાના પગનો ઉપયોગ કર્યો હતો. નૅથન લાયન પૅવિલિયન તરફ જઈ રહ્યો ત્યારે જ ફીલ્ડ અમ્પાયરે તેને નૉટઆઉટ જાહેર કર્યો, કારણ કે બોલિંગ કરતી વખતે બુમરાહનો પગ ક્રીઝની બહાર પડ્યો હોવાથી એ બૉલ નો-બૉલ જાહેર કરવામાં આવ્યો જેનાથી ઑસ્ટ્રેલિયન ટીમની ઇનિંગ્સ સમાપ્ત કરવાનો ભારતીય બોલર્સનો સંઘર્ષ પૂરો થઈ શક્યો નહોતો.