પહેલાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું તો હવે પછી ચાર્જ શા માટે?
મિતેષ મોદી
દેશના કરોડો લોકોની રોજિંદી ચુકવણીનો હિસ્સો બની ગયેલા UPI પેમેન્ટ પર હવે ૨૦૦૦ રૂપિયાથી વધુના ચોક્કસ વેપારી વ્યવહારો માટે ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો નિર્ણય થતાં વેપારી સંગઠનોમાં વિરોધના સૂર ઊઠ્યા છે. ચેમ્બર ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT) અને ઑલ ઇન્ડિયા ઇલેકટ્રૉનિક્સ અસોસિએશને ૨૦૨૬ની ૧૫ ઑક્ટોબરથી અમલમાં આવનારી આ વ્યવસ્થાને અન્યાયી અને વેપારખર્ચ વધારનારી ગણાવીને પાછી ખેંચવાની માગણી કરી છે.
CAMITના માનદ સચિવ અને AIEAના નૅશનલ જનરલ સેક્રેટરી મિતેશ મોદીએ સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગણી કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘UPI વ્યવહાર પરનો ખર્ચ સીધો ગ્રાહક પાસેથી વસૂલવામાં ન આવે તો પણ એનો આડકતરો બોજ વેપારીની કિંમત, માર્જિન અથવા સર્વિસ ચાર્જ દ્વારા અંતે ગ્રાહક સુધી પહોંચી શકે છે. આથી સરકારે આ નિર્ણયને તાત્કાલીક રોલ-બૅક કરવો જોઈએ એવી અમે સરકાર સમક્ષ માગણી કરી છે. વેપારીઓ પહેલેથી જ વિવિધ પ્રકારના ખર્ચનો સામનો કરી રહ્યા છે. બૅન્કિંગ ચાર્જ, મ્યુનિસિપલ ફી, APMC સંબંધિત ખર્ચ, લાઇસન્સ ફી, ટોલ, પાર્કિંગ અને અન્ય ખર્ચ વચ્ચે ડિજિટલ પેમેન્ટનો વધારાનો ખર્ચ પણ વેપારી પર આવશે. વેપારીનો ખર્ચ વધે તો અેની અસર બિઝનેસના માર્જિન પર પડે અથવા વસ્તુ-સેવાની કિંમતમાં અેનો કોઈ હિસ્સો ઉમેરાય. આ જ અમારી વેપારી સંગઠનોની મુખ્ય ચિંતા છે.’
ADVERTISEMENT
ડિજિટલ ઇન્ડિયા સામે નવો પડકાર?
UPIને દેશભરમાં ઝડપી, સરળ અને ઓછા ખર્ચના ડિજિટલ પેમેન્ટ તરીકે પ્રોત્સાહન મળ્યું છે એમ જણાવતાં મિતેશ મોદીએ કહ્યું હતું કે ‘હવે ચોક્કસ મોટા વેપારી વ્યવહારો પર MDR લાગુ થવાથી વેપારીઓના એક વર્ગમાં સવાલ ઊભો થયો છે કે ડિજિટલ પેમેન્ટ તરફ લોકોને સતત પ્રોત્સાહિત કર્યા પછી હવે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ કોણ ઉઠાવશે?’
મુદ્દો ૦.૪ ટકાનો નહીં, વિશ્વાસનો
આ આખી ચર્ચામાં સૌથી મોટો પ્રશ્ન કદાચ એ નથી કે ૦.૪ ટકા કેટલું છે, પરંતુ એ છે કે ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગ સાથે એની કિંમતનો અંતિમ બોજ ક્યાં જશે. આ સવાલ ઉઠાવતાં મિતેશ મોદીએ કહ્યું હતું કે ‘સરકાર એક તરફ ગ્રાહકને સીધો ચાર્જ નહીં લાગે એવી ખાતરી આપે છે, જ્યારે CAMIT અને AIEA વેપારીઓના વધતા ખર્ચની સંભવિત અસર વિશે ચિંતા વ્યક્ત કરે છે.’
GST + MDR=ડબલ બર્ડન
સરકાર દ્વારા સૂચવવામાં આવેલો ૦.૪ ટકા ટૅક્સ (૨૦૦૦ રૂપિયાથી વધુના મર્ચન્ટ-ટુ-મર્ચન્ટ UPI ટ્રાન્ઝૅક્શન પર) વેપાર ક્ષેત્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે એમ જણાવતાં મિતેશ મોદીએ કહ્યું હતું કે ‘જે ટ્રાન્ઝૅક્શન ૨૦૦૦ રૂપિયાથી ઉપર થાય છે અેમાં વેપારીઓ પહેલેથી જ ૧૮ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) ચૂકવે છે જે અંતે સરકારની તિજોરીમાં જ જમા થાય છે. હવે એની ઉપર વધારાનો ૦.૪ ટકા ટૅક્સ લગાડવો એ ‘ડબલ બર્ડન’ સમાન છે. મુખ્ય મુદ્દો એ છે કે આ ૦.૪ ટકા ટૅક્સનું ઇનપુટ ક્રેડિટ વેપારીઓને મળવાનું નથી એટલે આ સીધો ખર્ચ બની જાય છે જે વેપારીઓને પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે. હોલસેલ માર્કેટમાં જ્યાં માર્જિન માત્ર બેથી અઢી ટકા જેટલું જ હોય છે ત્યાં ૦.૪ ટકાનો વધારાનો બોજ સહન કરવો પ્રૅક્ટિકલી શક્ય નથી. પરિણામે વેપારીઓ આ ખર્ચ ગ્રાહકો પર ટ્રાન્સફર કરશે જેના કારણે આખરે મોંઘવારી વધશે. આ નિર્ણયનો બીજો મહત્ત્વનો પ્રભાવ એ છે કે વેપારીઓ UPI દ્વારા મોટાં ટ્રાન્ઝૅક્શન કરવા માટે ઉત્સાહિત નહીં રહે. ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને આ પગલું પાછળ ધકેલી શકે છે. આમ આ ૦.૪ ટકા ટૅક્સ વેપારીઓ, ગ્રાહકો અને ડિજિટલ ઇકો-સિસ્ટમ - ત્રણેય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એથી આ પ્રસ્તાવનો તાત્કાલિક પુનર્વિચાર અથવા સંપૂર્ણ રોલબૅક જરૂરી છે.’
ભારત ફરી કાર્ડ પેમેન્ટ સર્વિસ તરફ વળી જાય એવી શક્યતા: ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વિરેન શાહ
ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન (FRTWA)ના પ્રેસિડન્ટ વિરેન શાહે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘૨૦૦૦ રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર MDR લાગુ કરવા બાબતે મને ચિંતા છે કે ધીમે-ધીમે ભારત ફરી કાર્ડ પેમેન્ટ જેવી વ્યવસ્થા તરફ જઈ શકે છે, જ્યાં ટ્રાન્ઝૅક્શનનો ખર્ચ વેપારી પર પડે છે અને અંતે એનો બોજ ગ્રાહક પર આવી શકે છે. ઉપરાંત કેટલાક વેપારીઓ ગ્રાહકોને તેમના પર્સનલ UPI/GPay ખાતામાં સીધી ચુકવણી કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે જેથી વેપારી ખાતા પર MDR ન લાગે. આવી સ્થિતિમાં વ્યાવસાયિક આવકનો યોગ્ય હિસાબ અને રિપોર્ટિંગ વધુ મુશ્કેલ બની શકે છે અને અહેવાલ બહારની આવક તથા કરચોરીનું જોખમ ઊભું થઈ શકે છે. એટલે સામાન્ય રીટેલ UPI વ્યવહારો પર MDR શૂન્ય રાખવામાં આવે એ હિતાવહ છે.’
UPI પેમેન્ટ પરના ચાર્જને મોદી ટૅક્સ ગણાવીને વિપક્ષે કર્યો વિરોધ
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા વેપારીઓને ૨૦૦૦ રૂપિયાથી વધુના પેમેન્ટ પર ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના નિર્ણયનો વિપક્ષ ઉગ્ર વિરોધ કરી રહ્યો છે. વ્યક્તિથી વ્યક્તિ (P2P) વચ્ચેના પેમેન્ટ ફ્રી રહેશે પરંતુ વેપારીઓને લાગતો ચાર્જ આખરે ગ્રાહકો ભોગવશે તેમ કહીને વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધી: કૉન્ગ્રેસના નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકાના દબાણ સામે ઝૂકવાનો આરોપ લગાવતાં કહ્યું કે આ ચાર્જનો બોજ આખરે ગ્રાહકોના ખિસ્સા પર જ પડશે; સરકાર જાણતી હોવા છતાં આ ટૅક્સ લગાવી રહી છે, જેથી સામાન્ય નાગરિક બરબાદ થાય.
મલ્લિકાર્જુન ખડગે: કૉન્ગ્રેસ અધ્યક્ષે પ્રહાર કરતાં કહ્યું કે BJP સરકારની લૂંટ હવે UPI સુધી પહોંચી ગઈ છે અને મોંઘવારીમાં સામાન્ય માણસની બચત ખતમ કરવાનું આ ષડયંત્ર છે.
પવન ખેડા: કૉન્ગ્રેસના આ નેતાએ ડિજિટલ પેમેન્ટ પર લાગેલા નવા ચાર્જને ‘મોદી ટૅક્સ’ ગણાવ્યો હતો.
આમ આદમી પાર્ટી (AAP): સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે લોકોને લૂંટીને પોતાના લોકોનાં ખિસ્સાં ભરવા એ જ BJPની વર્ષો જૂની રીત છે.
