વાકોલા બ્રિજ પર બાંદરા તરફ જઈ રહેલી કારે ડિવાઇડર તોડીને સામેથી આવી રહેલી ઍક્ટિવાને ટક્કર મારી એમાં હર્ષ મકવાણા અને માનવ પટેલનાં અવસાન
પૂરપાટ જઈ રહેલી બલીનોએ સામેથી ટક્કર મારતાં ઍક્ટિવાના ફુરચેફુરચા ઊડી ગયા હતા.
વિલે પાર્લે-વેસ્ટમાં આવેલા સંન્યાસ આશ્રમ પાસેના ગાવઠણમાં રહેતા અને વિલે પાર્લે-ઈસ્ટના પાર્લેશ્વર મંદિર પાસેની એક કેમિસ્ટની દુકાનમાં કામ કરતા બે ગુજરાતી યુવાનોને ગુરુવારે રાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કારે અડફેટે લેતાં તેમનાં મોત થયાં હતાં. જુવાનજોધ દીકરાના અકાળ અવસાન થતાં બન્નેના પરિવારમાં શોક છવાઈ ગયો છે. અકસ્માતની આ ઘટના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વાકોલા બ્રિજ પર ગુરુવારે મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યે બની હતી.
મૂળ અમરેલી જિલ્લાના જાફરાબાદના કોળી પટેલ હર્ષ મકવાણા અને માનવ પટેલ બન્નેના પરિવાર વિલે પાર્લે ગાવઠણમાં વર્ષોથી રહે છે. હર્ષના કાકા મેહુલ પરમારે ઘટના વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦ વર્ષનો હર્ષ કેમિસ્ટને ત્યાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. તે અને માનવ જૉબ પરથી છૂટીને ઍક્ટિવા પર બાંદરા-રેક્લેમેશન આંટો મારવા ગયા હતા અને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. કાર અંધેરીથી બાંદરા તરફ પૂરપાટ જઈ રહી હતી. જોકે એના ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતાં કાર ડિવાઇડર કુદાવીને સામેની લેનમાં આવી ગઈ હતી અને એણે બન્ને છોકરાઓની ઍક્ટિવાને અડેફેટે લીધી હતી. આ ટક્કરને લીધે બન્ને ઍક્ટિવા પરથી ઊછળીને પટકાયા હતા. ઍક્ટિવા ચલાવી રહેલા માનવે હેલ્મેટ પહેરી હોવા છતાં હૉસ્પિટલમાં લઈ જતાં તેનું મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર ઈજાને લીધે હર્ષનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.’
ADVERTISEMENT
અકસ્માતમાં મૃત્યુ પામેલા માનવ પટેલ (ઉપર) અને હર્ષ મકવાણા.
ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા માનવ પટેલના પપ્પા વિનોદ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનવ ૧૨મું ભણ્યો હતો અને એમાં તે બે વિષયમાં નાપાસ થયો હતો એટલે તે ફરી પરીક્ષા આપી આગળ ભણવાનો હતો, પણ હાલમાં તેણે બ્રેક લઈ હર્ષ સાથે કેમિસ્ટને ત્યાં કામ કરવાનું શરૂ કર્યું હતું. માનવ ઍક્ટિવા લઈને કામ પર ગયો હતો. ઍક્ટિવા પણ મારા જ નામે છે. અમને મધરાત બાદ ૧.૨૮ વાગ્યે કૉલ આવ્યો હતો. ઍક્ટિવાની ડિકીમાં મારા મોટા દીકરા વૈભવનું ડ્રાઇવિંગ લાઇસન્સ હતું. એના પર તેનો નંબર હતો એ જોઈને પોલીસે અમને કૉલ કર્યો હતો કે તેનો ઍક્સિડન્ટ થયો છે. માનવને કૂપર હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે ઍક્સિડન્ટ થયો ત્યારે હર્ષ તો ઑન ધ સ્પૉટ મૃત્યુ પામ્યો હતો, તેને સાંતાક્રુઝની વી. એન. દેસાઈ હૉસ્પિટલ લઈ ગયા હતા. માનવને ગંભીર ઈજા થઈ હતી, પણ તેના શ્વાસ ચાલુ હતા એટલે તેને બીજા વાહનમાં કૂપર હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તપાસીને તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.’
આ અકસ્માત સંદર્ભે ખેરવાડી પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ખેરવાડી પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર રોહિત ભિસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત કરનારા બલીના કારના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. અમે આરોપીની મેડિકલ ટેસ્ટ કરાવી હતી એમાં ઘટના વખતે તેણે દારૂ ન પીધો હોવાનું જાણવા મળ્યું છે.’

