જોકે એને બદલે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં તમામ ભાવિકોને વિસર્જન માટે મોકલવામાં આવ્યા હતા
શુક્રવારે રાતે મલાડમાં માર્વે રોડ પર PoPની મૂર્તિ વિસર્જન કરવા માટે લઈ જતા ભાવિકો.
સુપ્રીમ કોર્ટે પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની કોઈ પણ મૂર્તિનું સમુદ્ર કે તળાવમાં વિસર્જન ન કરવા દેવાનો આદેશ આપ્યો છે. આથી માઘી ગણેશોત્સવના શુક્રવારે સાતમા દિવસે ગણેશોત્સવ મંડળો PoPની મૂર્તિ મલાડના માર્વે બીચ પર વિસર્જન કરવા માટે લાવ્યા હતા ત્યારે તેમને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ અટકાવ્યા હતા. આને લીધે મોટા ભાગનાં મંડળો તેમની મૂર્તિ પાછી લઈ ગયાં હતાં. ગઈ કાલે વહેલી સવારે BMCએ ગણેશોત્સવ મંડળોને PoPની મૂર્તિ વિસર્જિત કરવા માટે ગોરેગામ, કાંદિવલી અને બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી આપી હતી. આથી આ મૂર્તિઓનું ગઈ કાલે કૃત્રિમ જળાશયમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
BMCના પી નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કુંદન વળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશને લીધે અમે સમુદ્ર કે કુદરતી તળાવમાં PoPની મૂર્તિ વિસર્જિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. માઘી ગણેશોત્સવમાં ગણપતિ મંડળોએ PoPની મૂર્તિની સ્થાપના કરી છે. શુક્રવારે કેટલાંક મંડળો માર્વે બીચ પર મૂર્તિ વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા. જોકે બીચ પર તહેનાત અમારી ટીમે તેમને રોક્યા હતા. બાદમાં આ મૂર્તિ વિસર્જન કરવા માટે ગોરેગામ, કાંદિવલી અને સંજય ગાંધી નૅશનલ પાર્કમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં હતાં. બધાં મંડળોને આ વ્યવસ્થાની જાણ કરવામાં આવતાં તેમણે આ કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જિત કરી હતી.’

