Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિક્ષિકા તરીકે જીવનભર ‌વિદ્યાર્થીઓને ભણાવ્યા... મૃત્યુ પછી દેહ પણ સ્ટુડન્ટ્સને અર્પણ

શિક્ષિકા તરીકે જીવનભર ‌વિદ્યાર્થીઓને ભણાવ્યા... મૃત્યુ પછી દેહ પણ સ્ટુડન્ટ્સને અર્પણ

Published : 19 September, 2026 08:21 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મુલુંડનાં ૭૧ વર્ષનાં કચ્છી જૈન અમૃત સોનીનો દેહ નાયર હૉ‌સ્પિટલને ડોનેટ કરતાં પહેલાં પ‌રિવારજનોએ તેમનાં માંસપેશીઓ, હાડકાં, ત્વચા અને ચક્ષુઓનું દાન કર્યું

અમૃત સોની

અમૃત સોની


મુલુંડ-ઈસ્ટનાં ૭૧ વર્ષનાં અમૃત સોનીનું ૧૭ સપ્ટેમ્બરે સાંજના ૬ વાગ્યે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. જીવનભર સેવા અને પરોપકારની ભાવના સાથે જીવેલાં અમૃતબહેનના પરિવારે તેમના અવસાન બાદ પણ માનવસેવાનો અનોખો દાખલો બેસાડતાં અમૃતબહેનના અંતિમ સંસ્કાર કરવાને બદલે દેહદાન કરવાનો નિર્ણય લઈને મુંબઈની નાયર હૉસ્પિટલમાં દેહદાન કર્યું હતું. સોની પરિવારે દેહદાન કરતાં પહેલાં અમૃતબહેનની માંસપેશીઓ, હાડકાં, ત્વચા અને ‌ચક્ષુદાન કરીને અનેક વ્યક્તિને જીવતદાન આપ્યું હતું.

મૂળ કચ્છના ભાંભડાઈ ગામનાં કચ્છી વીસા ઓસવાળ જૈન પરિવારનાં અમૃતબહેન વ્યવસાયે શિક્ષિકા હતાં અને લોઅર પરેલની સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી હતી. તેમનું સમગ્ર જીવન ધાર્મિકતા અને સેવાભાવથી ભરેલું હતું. તેઓ નિયમિત અઠ્ઠમ (જૈનોના ૩ ઉપવાસ) જેવી તપશ્ચર્યા પણ કરતાં હતાં અને જરૂરિયાતમંદોની મદદ કરવાની ભાવના ધરાવતાં હતાં.



ધર્મ સાથે માનવસેવાનું અનોખું જોડાણ


અમૃતબહેનનું જીવન એક તરફ શિક્ષણ અને પરિવાર પ્રત્યેની જવાબદારીથી જોડાયેલું હતું તો બીજી તરફ જૈન ધર્મની તપશ્ચર્યા અને જીવદયાની ભાવનાથી પણ પ્રેરિત હતું એટલે જ તેમનું દેહદાન કરીને તેમના જીવનમાં રહેલા સેવાભાવને અમે વધુ અર્થપૂર્ણ બનાવી દીધો છે એમ જણાવીને અમૃતબહેનના દિયર અને ટૅક્સ-કન્સલ્ટન્ટ લલિત સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમૃતબહેનની હેલ્થ સારી હતી, પરંતુ ૧૪ સપ્ટેમ્બરે અચાનક બ્રેઇન-સ્ટ્રોક આવ્યા બાદ મુલુંડની હીરા મોંગી નવનીત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની સ્થિતિ ગંભીર બનતાં અમે શરૂઆતમાં અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે તબીબી સંજોગોમાં અમૃતબહેનને બ્રેઇન-ડેડ જાહેર કરવાની પ્રક્રિયા શક્ય બની નહોતી. પરિણામે અંગદાન થઈ શક્યું નહોતું. તેથી અમે ભાભીને અમારા ઘરે લઈ આવ્યા હતા. ગુરુવારે સાંજના ૬ વાગ્યે ભાભીનું અમારા નિવાસસ્થાને જ અવસાન થયું હતું. ઑર્ગન-ડોનેશન શક્ય ન હોવાથી અમે અંગદાનનો વિચાર પડતો મૂક્યો હતો, પરંતુ માનવસેવાનો અમારા પરિવારનો સંકલ્પ જાળવી રાખ્યો હતો અને ભાભીનું દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો. અમે હૉસ્પિટલમાં તેઓ હતાં ત્યારે અન્ય પેશન્ટોના પરિવારોને પણ ઑર્ગન-ડોનેશન કરવાની પ્રેરણા આપી હતી.’

સમાજનું ઋણ ચૂકવવાની એક અમૂલ્ય તક


અંતિમ સંસ્કારથી દેહ ભસ્મ થઈ જાય છે; પરંતુ દેહદાન દ્વારા મૃત્યુ પછી પણ માનવજાત માટે ઉપયોગી બનવાની તક મળે છે, સમાજનું ઋણ ચૂકવવાની એક અમૂલ્ય તક મળે છે એમ જણાવીને લલિત સોનીએ કહ્યું હતું કે ‘આથી જ અમે ભાભીના અવસાન બાદ પહેલાં તેમની માંસપેશીઓ, હાડકાં, ત્વચા અને ‌ચક્ષુદાન કરીને પંદરથી ૧૬ વ્યક્તિને જીવતદાન આપ્યું હતું. ત્યાર બાદ તેમના અંતિમ સંસ્કાર કરવાને બદલે એ જ દિવસે તેમની અંતિમ વિદાય મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલમાં દેહદાન આપીને કરી હતી. આ આખી પ્રક્રિયામાં અમને મુલુંડના સુમતિ ગ્રુપે સાથ-સહકાર આપ્યો હતો.’

અનુમોદનીય નિર્ણય

સોની પરિવારે અમૃતબહેનને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યાં એના થોડા જ સમયમાં ઑર્ગન-ડોનેશન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી એમ જણાવતાં મુલુંડની હીરા મોંગી નવનીત હૉસ્પિટલના ટ્રસ્ટી બિપિન ગડાએ ‘મિડ-ડે’ને કહ્યુ હતું કે ‘સંજોગવશાત્ તેઓ ઑર્ગન-ડોનેશન કરી શક્યાં નહોતાં. જોકે આ પરિવારના દેહદાનના નિર્ણયને જૈન સમાજમાં પણ સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. પોતાના સ્વજનના અવસાન બાદ સામાન્ય રીતે અંતિમવિધિ કરવામાં આવે છે, પરંતુ સોની પરિવારે મૃત્યુ બાદ પણ અમૃતબહેનનું શરીર કોઈના શિક્ષણ અને સંશોધનના કામમાં આવે એવી ભાવનાને પ્રાધાન્ય આપ્યું છે જે અનુમોદનીય છે.’

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 08:21 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK