Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાલક્ષ્મીની ગૅલપ્સ રેસ્ટોરાંનું લાઇસન્સ સસ્પેન્ડ

મહાલક્ષ્મીની ગૅલપ્સ રેસ્ટોરાંનું લાઇસન્સ સસ્પેન્ડ

Published : 23 September, 2026 09:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈની પાંચ મુખ્ય ખાદ્ય સંસ્થાઓનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

ગુરુકૃપા ડેરીમાંથી મળેલું ડુપ્લિકેટ ઘી.

ગુરુકૃપા ડેરીમાંથી મળેલું ડુપ્લિકેટ ઘી.


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તહેવારોમાં નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે એ માટે મુંબઈમાં ખાસ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ વિવિધ સ્થળોએથી ભેળસેળયુક્ત, નીચા ધોરણના અને અસુરક્ષિત આશરે ૩૦,૮૧,૮૮૮ રૂપિયાના ૧૦,૮૩૬ કિલો ખાદ્ય પદાર્થો (જેમ કે ઘી, તેલ, માવો, મીઠાઈ વગેરે) જપ્ત કરવામાં આવ્યા છે. આરોગ્યના નિયમો, સફાઈ અને લાઇસન્સના ભંગ બદલ મુંબઈની પાંચ મુખ્ય ખાદ્ય સંસ્થાઓનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

કાર્યવાહી કરાયેલી સંસ્થાઓની વિગતવાર માહિતી:



૧. મેસર્સ ગુરુકૃપા ડેરી પ્રોડક્ટ્સ, મલાડ-ઈસ્ટ ઃ મલાડ-ઈસ્ટમાં આવેલી આ ડેરીમાં રિફાઇન્ડ તેલ, વનસ્પતિ અને બ્રૅન્ડેડ ઘી મિક્સ કરીને બનાવટી ઘી તૈયાર કરવામાં આવતું હતું. પૂજા ઘીના નામે ગ્રાહકોને છેતરવામાં આવતા હતા અને સ્થળ પર ગંદકી તથા જંતુઓ મળ્યાં હતાં. FDAએ ૧૫,૧૫,૫૯૭ રૂપિયાની કિંમતનો જથ્થો અને મશીનરી જપ્ત કરીને લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.
૨. મેસર્સ ગુફરાન સીખ કૉર્નર, વર્સોવા, અંધેરી-વેસ્ટ ઃ યારી રોડ પર આવેલી આ રેસ્ટોરાં પાસે કોઈ માન્ય 


ફૂડ-લાઇસન્સ નહોતું. આ ઉપરાંત પીવાના પાણીનું પરીક્ષણ, સ્વચ્છતા, જંતુ-નિયંત્રણ અને કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ જેવા શિડ્યુલ 4ના નિયમોનું ઉલ્લંઘન જોવા મળતાં તમામ ત્રુટિઓ પૂરી ન થાય ત્યાં સુધી આ સંસ્થાનો વ્યવસાય તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ અપાયો છે.

૩. મેસર્સ BJRS (ગૅલપ્સ) રેસ્ટોરાં, મહાલક્ષ્મી ઃ મહાલક્ષ્મી રેસકોર્સની અંદર આવેલી આ પ્રખ્યાત રેસ્ટોરાંમાં ફ્રિજમાં કાચું માંસ ખૂબ જ ખરાબ અવસ્થામાં રાખેલું મળ્યું હતું, રસોડામાં ચીકાશ, જીવતા વાંદા અને કીડીઓનો ઉપદ્રવ, ડ્રેનેજની ગંદકી તથા કર્મચારીઓના મેડિકલ રેકૉર્ડનો અભાવ જોવા મળ્યો હતો. નિયમોના ગંભીર ઉલ્લંઘનને કારણે એનું લાઇસન્સ પણ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયું છે.


૪. મેસર્સ ડ્રીમર હૉસ્પિટૅલિટી પ્રાઇવેટ લિમિટેડ, બાંદરા-વેસ્ટ ઃ બાંદરાના બૅન્ડ-સ્ટૅન્ડ ખાતે આવેલી આ હૉસ્પિટૅલિટી સંસ્થાની તપાસ દરમ્યાન શેડ્યુલ 4 હેઠળ દર્શાવેલા સ્વચ્છતા, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા સંબંધી કાયદાકીય નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. આથી FDA દ્વારા એનું લાઇસન્સ સસ્પેન્ડ કરીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

૫. મેસર્સ મિરારી, બાંદરા-વેસ્ટ ઃ બાંદરા-વેસ્ટમાં સેન્ટ ડૉમિનિક રોડ પર આવેલી મેસર્સ મિરારી નામની આ ખાદ્ય સંસ્થામાં પણ દરોડા દરમ્યાન ખાદ્ય સુરક્ષા કાયદાના શેડ્યુલ 4માં જણાવેલી સફાઈ અને આરોગ્ય-વિષયક જોગવાઈઓનું ભંગ થતું જણાયું હતું. એને કારણે આ સંસ્થાનું લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરીને કાયદેસરનાં પગલાં ભરવામાં આવ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK