Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તહેવારોમાં થતા નૉઇસ-પૉલ્યુશનના મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટનો રાજ્ય સરકારને સવાલ

તહેવારોમાં થતા નૉઇસ-પૉલ્યુશનના મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટનો રાજ્ય સરકારને સવાલ

Published : 23 September, 2026 07:50 AM | Modified : 23 September, 2026 07:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો નાગપુરમાં DJ પર બંધી મૂકી શકાય તો મુંબઈ સહિત આખા રાજ્યમાં કેમ નહીં?

બૉમ્બે હાઈ કોર્ટ

બૉમ્બે હાઈ કોર્ટ


ધાર્મિક ઉત્સવો, તહેવારો અને શોભાયાત્રાને લઈને થતા નૉઇસ-પૉલ્યુશનના મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટે ફરી એક વખત કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચ સામે સુઓ મોટો અરજી પરની સુનાવણીમાં નાગરિકોના સ્વાસ્થ્ય અને રોજિંદા જીવનના મુદ્દાને ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. કોર્ટે આ બાબતે કહ્યું હતું કે ‘તહેવારો-ઉત્સવો બધાની ઉજવણી થઈ શકે, પણ એની કિંમત નાગરિકો પાસેથી વસૂલાવી ન જોઈએ. ખાસ કરીને સિનિયર સિટિઝનો, બીમાર વ્યક્તિઓ અને રહેવાસીઓને મોટા અવાજને કારણે થતા ત્રાસને નજરઅંદાજ ન કરી શકાય. તમે તમારા તહેવારોનો ઉત્સાહ અને અવાજ લોકોને સહન કરવાની ફરજ ન પાડી શકો.’ 
નાગપુરના પોલીસ-કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે નાગપુરમાં ગણેશોત્સવને લઈને ડિસ્ક જૉકી (DJ) અને ડૉલ્બી સાઉન્ડ-સિસ્ટમ પર પહેલી નવેમ્બર સુધી બંધી મૂકી દીધી છે. સોલાપુરમાં ગણેશોત્સવમાં ડૉલ્બી સિસ્ટમ અને લેઝર લાઇટ પર રિસ્ટ્રિક્શન્સ મુકાયાં છે એ બાબતે જ્યારે કોર્ટમાં રજૂઆત કરાઈ ત્યારે જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ સરકારને સીધું એમ જ પૂછ્યું કે ‘તમે નાગપુરનો ઑર્ડર આખા રાજ્યમાં લાગુ કરશો કે નહીં એ કહો? શું મુંબઈના પોલીસ-કમિશનરે આવો ઑર્ડર બહાર પાડ્યો છે? જો અલગ-અલગ શહેરોમાં નૉઇસ- પૉલ્યુશનને લઈને અલગ-અલગ નિર્ણયો લેવાતા હોય તો સંબંધિત પોલીસ-કમિશનરો વચ્ચે કો-ઑર્ડિનેશન હોવું જોઈએ.’ 
જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ કહ્યું હતું કે ‘આ ફક્ત નૉઇસ-પૉલ્યુશનનો જ સવાલ નથી. શોભાયાત્રા-વિસર્જનયાત્રા વખતે થનારું ઍર-પૉલ્યુશન, રસ્તા જૅમ કરી દેવા અને એને કારણે થનારા ટ્રાફિક જૅમ અને આસપાસના નાગરિકોને પણ ત્રાસ થતો હોય છે.’ 
રાજ્ય સરકારના વકીલ દ્વારા આ બાબતે બધા જ નિયમોનું પાલન કરવામાં આવે છે એવો દાવો કરવામાં આવ્યો ત્યારે કોર્ટે સીધો જ સવાલ કર્યો કે ‘તો પછી થાણે અને પુણેમાંથી ફરિયાદો કેમ આવી રહી છે? નિયમો હોય એ પૂરતું નથી, હકીકતમાં એનો અમલ કેટલો અસરકારક રીતે થાય છે?’ 
કોર્ટે નાગપુરમાં કરાયેલી DJ બંધીનો સર્ક્યુલર માગ્યો છે અને આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા શું અમલબજાવણી કરવામાં આવી એની માહિતી માગી છે. ગણેશોત્સવ અને અન્ય શોભાયાત્રાઓમાં રાતના ૧૨ વાગ્યા પછી પણ DJ વગાડવામાં આવે છે એવી ફરિયાદની પણ કોર્ટે દખલ લીધી હતી. નૉઇસ પૉલ્યુશન રોકવા હાલ અસ્તિત્વમાં કયા કાયદાઓ છે અને એનો કેટલો અમલ કરાય છે એની માહિતી પણ કોર્ટે રાજ્ય સરકાર પાસે માગી છે. 

ફટાકડાનો ત્રાસ
જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ ફટાકડાના મુદ્દે કહ્યું હતું કે ‘સિટીમાં ફટાકડા ફોડવાની પરવાનગી કેમ અપાય છે? એ બહુ જ ટૉક્સિક પૉલ્યુશન કરે છે. રાહદારીવાળા રસ્તા પર ફટાકડા ન ફોડવામાં આવે અને સ્પીકરનો અવાજ પણ નિર્ધારિત ડેસિબલમાં જ રહે એ યોગ્ય છે.’  


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK