પગારના ૧૦,૦૦૦ રૂપિયા બાકી હોવાથી શેઠને પાઠ ભણાવવા અકાઉન્ટન્ટે એક દુકાનમાં આગ ચાંપી, ૧૭ દુકાનોનો ૨૪ કરોડનો માલ ખાખ થઈ ગયો
શ્યામ સંગિની માર્કેટમાં ભભૂકતી આગ.
સુરતમાં ૯ સપ્ટેમ્બરે શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગના કેસમાં સુરતની ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના રહેવાસી ૩૩ વર્ષના વિનોદ સાળવેની સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ટેક્સટાઇલ માર્કેટમાં આગના કારણે ૨૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને ૧૭ દુકાનો બળીને ખાક થઈ હતી.

ADVERTISEMENT
પોલીસની પકડમાં વિનોદ સાળવે.
વિનોદ સાળવે શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી એક દુકાનમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે તેના ભૂતપૂર્વ માલિકને પૈસાનું મહત્ત્વ સમજાવવા (પાઠ ભણાવવા) માગતો હતો. તેણે એક મહિના પહેલાં જ દુકાનના માલિક અને ઉપરી અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિને કારણે નોકરી છોડી દીધી હતી. તેણે દાવો કર્યો હતો કે તેને ૧૦,૦૦૦ રૂપિયાનો બાકી પગાર મળ્યો નહોતો અને નોકરી છોડ્યા બાદ જ્યારે તે પગાર લેવા માટે દુકાને ગયો ત્યારે માલિકે કોઈ ને કોઈ બહાનું કાઢીને પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો.
શેઠે બાકીનો પગાર આપ્યો ન હોવાથી તેણે બદલો લેવાનો પ્લાન ઘડ્યો હતો અને ૯ સપ્ટેમ્બરે રાત્રે ૧૫૦ રૂપિયાનું પેટ્રોલ ખરીદ્યું હતું અને ચૂપચાપ જઈને દુકાનની બહાર રહેલી સાડીઓના પાર્સલમાં આગ લગાવી દીધી હતી અને માત્ર ૪ મિનિટમાં જ તે ત્યાંથી નીકળી ગયો હતો.
આગ ઝડપથી આખી બજારમાં ફેલાઈ ગઈ હતી અને ૪ અગ્રણી કપડાના વેપારીઓની ૧૭ દુકાનો સંપૂર્ણપણે નાશ પામી અને આશરે ૨૪ કરોડ રૂપિયાનાં કીમતી કપડાં બળીને રાખ થઈ ગયાં હતાં. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડને ૧૪ કલાક લાગ્યા હતા. ઘટના બાદ પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં એમાં વિનોદ માર્કેટના છઠ્ઠા માળે કંઈક છાંટી રહ્યો હોય એવું દેખાતું હતું.
ધરપકડના ડરથી વિનોદ પોતાના વતનના ઘરે જવાના બદલે તે રાજસ્થાન અને પછી ઉત્તર પ્રદેશના અયોધ્યા ગયો હતો. રવિવારે રાત્રે તે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા તેના ભાડાના ઘરે પહોંચ્યો હતો. બીજા દિવસે પોલીસે તેની ધરપકડ કરી હતી.
