ભગવાનના નામની ગરિમા જળવાય એ માટે પાર્શ્વનાથધામ, પાર્શ્વનાથ, તીર્થંકર પાર્શ્વનાથસ્વામી જેવા વિકલ્પો સૂચવાયા
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર કૅબિનેટે બુધવારે મુંબઈનાં આઠ રેલવે-સ્ટેશનોનાં બ્રિટિશકાળનાં નામ બદલવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સ્ટેશનોનાં નામ બદલવાનાં છે એમાં કિંગ્સ સર્કલને બદલે એને ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનું નામ આપવાના છે એ વાતે જૈન સમાજ ખુશ છે, પણ એની માગણી છે કે ભગવાનના નામની ગરિમા જાળવવા અને જૈન સમાજની લાગણી સાચવવા માટે કિંગ્સ સર્કલ સ્ટેશનને ‘તીર્થંકર પાર્શ્વનાથસ્વામી’ અથવા ‘પાર્શ્વધામ’ નામ આપવામાં આવે.
ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટની બેઠકમાં મુંબઈનાં આઠ રેલવે સ્ટેશનોનાં બ્રિટિશ જમાનાનાં નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ આઠ સ્ટેશનો મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત મુંબઈના ઉપનગરીય નેટવર્કની પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઇન પર આવેલાં છે. એકનાથ શિંદેની શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેએ રજૂ કરેલા પ્રસ્તાવ મુજબ કરી રોડ સ્ટેશનનું નામ લાલબાગ, સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશનનું નામ ડોંગરી, મરીન લાઇન્સ સ્ટેશનનું નામ મુમ્બાદેવી, ચર્ની રોડ સ્ટેશનનું નામ ગિરગાંવ, કૉટનગ્રીન સ્ટેશનનું કાલાચૌકી, ડૉક્યાર્ડ રોડ સ્ટેશનનું નામ માઝગાવ અને કિંગ્સ સર્કલનું તીર્થંકર પાર્શ્વનાથ રાખવામાં આવશે. સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશનને બે સ્ટેશન તરીકે ગણવામાં આવે છે, કારણ કે એ સેન્ટ્રલ અને હાર્બર બન્ને લાઇનમાં આવે છે.
ADVERTISEMENT
માટુંગાનાં ભારતીય જનતા પાર્ટીનાં ભૂતપૂર્વ જૈન નગરસેવિકા નેહલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારથી જ મુંબઈનો જૈન સમાજ એક રેલવે-સ્ટેશનને જૈન તીર્થંકરનું નામ આપવાના પ્રસ્તાવથી ભાવવિભોર થઈ ગયો છે. એનાથી પણ વધુ આનંદ કિંગ્સ સર્કલને પાર્શ્વનાથ ભગવાનનું નામ આપવાની કેન્દ્ર સરકારને અને રેલવે બોર્ડ સામે ૨૦૧૫માં સૌથી પહેલી માગણી કરનારા માટુંગાના અગ્રણી જૈન સામાજિક કાર્યકર વયોવૃદ્ધ ગાંગજીભાઈ દેઢિયાને થયો છે. તેઓ નાદુરસ્ત હાલતમાં પણ અત્યારે ઉમંગ અને ઉલ્લાસમાં આવી ગયા છે અને તેમનો હરખ સમાતો નથી. જોકે અમારી જૈનોની કશેક લાગણી દુભાઈ પણ છે. કોઈ રેલવેનો મુસાફર જ્યારે ટિકિટ લેવા જાય ત્યારે એમ કહે કે એક ‘પાર્શ્વનાથ દો’ એ માનવાચક ન રહેતાં અપમાનજનક લાગે, સારું ન લાગે. આથી જ ૨૦૧૭માં દેવેન્દ્ર ફડણવીસની સરકાર હતી ત્યારે મેં ગાંગજીભાઈ મારફત આ સ્ટેશનનું નામ ‘પાર્શ્વધામ’ થાય એવી માગણી કરી હતી, જેથી ભગવાનનું માન સચવાઈ રહે. આથી અમારી કેન્દ્ર સરકાર પાસે માગણી છે કે ગૅઝેટમાં કિંગ્સ સર્કલ સ્ટેશનને તીર્થંકર પાર્શ્વનાથને બદલે પાર્શ્વધામ નામ આપવામાં આવે.’
માટુંગા જૈન સમાજના અગ્રણી સુધીર પટણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વહાલા પ્રભુનું પાર્શ્વ નામ બધા જૈનો માટે પ્રાતઃ સ્મરણીય છે જ, પણ હવે કિંગ્સ સર્કલ સાથે આ નામ જોડાવા જઈ રહ્યું છે ત્યારે મુંબઈના જૈન સમાજમાં હર્ષોલ્લાસ ફેલાયો છે. જોકે એનું ફાઇનલ નોટિફિકેશન પ્રસિદ્ધ થાય એ પહેલાં જૈન સમાજની એક નમ્ર વિનંતી છે કે ભગવાનના નામની ગરિમા અને જૈનોની લાગણી સાચવવા માટે ‘તીર્થંકર પાર્શ્વનાથ’ને બદલે ‘તીર્થંકર પાર્શ્વનાથસ્વામી’ અથવા ‘પાર્શ્વનાથધામ’ નામ આપવામાં આવે. અમને સૌને આનંદ છે કે માટુંગાની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા ગાંગજીભાઈ દેઢિયાએ ૨૦૧૫માં શરૂ કરેલી આ સફર અત્યારે એના અંતિમ પડાવે પહોંચી છે. તેમની આ સફરમાં તેમની સાથે રહેલાં ગૌરાંગ દામાણી, મહેન્દ્ર ઓઝા, નેહલ શાહ અને રાહુલ શેવાળેનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ. તેમણે આ નામાંતર દ્વારા જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે.’