Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૈન સંતોની સેફ્ટી માટે અનોખી પહેલ

જૈન સંતોની સેફ્ટી માટે અનોખી પહેલ

Published : 26 October, 2026 07:12 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

‌વિહાર દરમ્યાન ૧૦૦ ફુટ દૂર સુધી સંભળાય એવી સાઇરન વગાડતા ઇલેક્ટ્રૉનિક સેફ્ટી-ડિવાઇસનું વિતરણ કરી રહ્યું છે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન : સાથે પેપર-સ્પ્રે રાખવા અને સ્વરક્ષણની તાલીમ લેવા પર પણ ભાર

સ્પ્રે અને ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ

સ્પ્રે અને ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ


જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહાર દરમ્યાન માર્ગ-અકસ્માતો અને હેરાનગતિની ઘટનાઓને પગલે તેમની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પગપાળા વિહાર કરતાં ચારેય ફિરકાઓનાં સાધુ-સાધ્વીજીની સુરક્ષા માટે જૈન સમાજની સંસ્થાઓ પરંપરાગત વ્યવસ્થાઓની સાથે આધુનિક ઇલેક્ટ્રૉનિક સેફ્ટી-ડિવાઇસ, ઇમર્જન્સી અલાર્મ અને સ્વરક્ષણની તાલીમ જેવા વિકલ્પો પર ધ્યાન આપી રહી છે. રાજસ્થાનના બાડમેરમાં જૈન સાધુ-સાધ્વીઓને સ્વરક્ષણ માટે મરીનો સ્પ્રે આપવાની પહેલના અહેવાલો વચ્ચે મુંબઈમાં પણ આ દિશામાં કામગીરી થઈ રહી છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના જણાવ્યા મુજબ સાધુ-સાધ્વીજીના દાંડા પર લગાવી શકાય એવું ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ વિકસાવવામાં આવ્યું છે અને છેલ્લાં ૩ વર્ષમાં આશરે ૨૦૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતોને એ આપવામાં આવ્યું છે.

સાઇરન વાગે, ફ્લૅશ લાઇટ થાય
ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ વિશે માહિતી આપતાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના અગ્રણી કાર્યકર કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ડિવાઇસને સાધુ-સાધ્વીજીના દાંડા પર કીચેઇનની જેમ લટકાવી શકાય છે. કટોકટીની સ્થિતિમાં સ્વિચ દબાવતાં એમાંથી સાઇરન વાગે છે. એનો અવાજ આશરે ૧૦૦ ફુટ સુધી સંભળાતો હોવાનો સંગઠનનો દાવો છે. ડિવાઇસમાં તીવ્ર ફ્લૅશ લાઇટની સુવિધા પણ છે, જેથી મુશ્કેલીના સમયે આસપાસના લોકોનું ધ્યાન ખેંચવામાં મદદ મળી શકે. આનાથી સાધુ-સાધ્વીજીઓ કટોકટીના સમયમાં તરત જ સહાય મેળવી શકે છે.’



વિતરણ નિઃશુલ્ક 
આ ડિવાઇસની કિંમત આશરે ૬૫૦ રૂપિયા છે એમ જણાવીને કમલેશ શાહે વધુમાં કહ્યું હતું કે ‘એક દાતા પરિવારે એનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી લીધી હોવાથી સંગઠન તરફથી આ ડિવાઇસનું સાધુ-સાધ્વીજીને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આગામી કારતકી પૂનમ પછી વિહાર શરૂ થાય ત્યારે વિવિધ વિસ્તારોમાં સાધ્વીજી ભગવંતોને ડિવાઇસનું ડેમોન્સ્ટ્રેશન આપીને એના ઉપયોગ વિશે સમજ આપવા વૈયાવચ્ચી કરતા શ્રાવકો અમારો સંપર્ક કરે એવી અમે અપીલ કરીએ છીએ.’


મરીનો સ્પ્રે : સ્વરક્ષણનો વિકલ્પ
સાધુ-સાધ્વીજીના સ્વરક્ષણ માટે સૌથી પહેલાં રાજસ્થાનના બાડમેરમાં મરીનો સ્પ્રે (પેપર-સ્પ્રે) આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ સાધુ-સાધ્વીજીના વિહાર દરમ્યાન સંભવિત જોખમોનો સામનો કરવા માટે સ્વરક્ષણના વિકલ્પો વિશે સમાજમાં ચાલી રહેલી ચર્ચાને ઉજાગર કરે છે એમ જણાવતાં કમલેશ શાહે કહ્યું હતું કે ‘મરીનો સ્પ્રે કાળી મરીનો સ્પ્રે છે. એનો ઉપયોગ હુમલાની સ્થિતિમાં સામેવાળી વ્યક્તિની આંખોમાં બળતરા પેદા કરી શકે છે અને તેને થોડી વાર માટે નિષ્ક્રિય કરી દે છે. એનાથી તેની આંખમાં કોઈ નુકસાન થતું નથી, પણ તે વ્યક્તિ ૧૫ મિનિટથી અડધો કલાક સુધી આક્રમણ કરી શકવા માટે અસમર્થ બની જાય છે. એનાથી સાધુ-સાધ્વીઓને એ સ્થળેથી નીકળી જવામાં મદદ મળે છે.’ 

સમાજની સહભાગિતાની અપીલ
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને વિવિધ વિસ્તારોમાં વૈયાવચ્ચી કરતા શ્રાવકોને સાધ્વીજી ભગવંતોને ડિવાઇસનો ઉપયોગ સમજાવવા અને સુરક્ષાને લગતી પહેલમાં સહભાગી થવા અપીલ કરી છે. વધુ માહિતી માટે સંગઠને 98331 22175 નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.


૨૦ સભ્યોના જૂથ માટે ૧૦ દિવસની તાલીમ
સુરક્ષા માટે ઉપકરણો ઉપરાંત કટોકટીની સ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવાની તાલીમ પણ મહત્ત્વપૂર્ણ છે એમ જણાવીને શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના કન્વીનર નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇઝરાયલી પદ્ધતિથી પ્રેરિત સ્વરક્ષણની તાલીમ માટે મહિલા ટ્રેઇનર્સની વ્યવસ્થા કરી શકાય છે. આ તાલીમ માટે ઓછામાં ઓછા ૨૦ સભ્યોનું જૂથ જરૂરી છે અને એનો સમયગાળો ૧૦ દિવસનો રહેશે. આવી તાલીમનો હેતુ જોખમી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી, આસપાસના લોકોનું ધ્યાન ખેંચવું, મદદ મેળવવી અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત સ્થળે પહોંચવાની તૈયારી કેળવવાનો છે. સ્વરક્ષણનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો નહીં પરંતુ કટોકટીની સ્થિતિમાં પોતાની સુરક્ષા જાળવવાનો અને મદદ મેળવવાનો છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 07:12 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK