રવિવારે દૂરથી જ મળશે હવે અમિતાભ બચ્ચનની ઝલક
જડબેસલાક સિક્યૉરિટી વચ્ચે ફૅન્સને દેખા દેવા આવેલા અમિતાભ બચ્ચન.
ટાઇગર શ્રોફ પર હુમલો કરનારાઓએ અમિતાભ બચ્ચનના ઘરની પણ રેકી કરી હોવાના સમાચાર, શુક્રવારે તેમના બંગલાને બૉમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકી અને કથળેલી તબિયત. આટલી વિષમ પરિસ્થિતિ હોવા છતાં અમિતાભ બચ્ચને પોતાની પરંપરાને જાળવતાં દર વખતની જેમ આ રવિવારે પણ પોતાના ફૅન્સને પોતાની ઝલક દેખાડી તેમને મળ્યા હતા. અમિતાભ બચ્ચને તેમના ફૅન્સને દર્શન તો દીધાં હતાં, પરંતુ હવે વાત પહેલા જેવી નહીં રહે. રવિવારે અમિતાભ બચ્ચન જ્યારે ફૅન્સને મળવા ઘરની બહાર આવ્યા ત્યારે ફૅન્સને તેમનાથી ખૂબ જ દૂર ઊભા રાખવામાં આવ્યા હતા. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે પહેલાની જેમ તે ફૅન્સને નજીકથી નહીં મળી શકે. એકદમ ટાઇટ સિક્યૉરિટી વચ્ચે રસ્તાની પેલે પારથી જ અમિતાભ બચ્ચન દર્શન આપશે.
અમિતાભ બચ્ચનને મળેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને પર્સનલ સિક્યૉરિટી ઉપરાંત તેમને વધારાની પોલીસ સિક્યૉરિટી પણ આપવામાં આવી હતી અને જડબેસલાક બંદોબસ્ત વચ્ચે તેમને જલસા બંગલાની બહાર લાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન તેમની સાથે તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ જોવા મળ્યો હતો. અમિતાભને જોવા માટે દર વખતની જેમ મોટી સંખ્યામાં ભીડ જલસા બંગલાની બહાર એકઠી થઈ હતી. પોલીસની પણ ભીડ પર બાજનજર હતી.
