ગઈ કાલે શરદ પૂર્ણિમાની સાંજે નાશિકમાં સામૂહિક શંખનાદનું આયોજન કરવામાં આવ્યું હતું
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવીને વિશ્વમાં ભારતનો ડંકો બજાવનારા નહીં, શંખ ગજાવનારાઓની એક તસવીર.
નાશિકમાં ૩૧ ઑક્ટોબરે પવિત્ર સિંહસ્થ કુંભમેળા માટે ધ્વજારોહણ થવાનું છે અને એ પહેલાં જ ધ્વજારોહણ પૂર્વેના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. જાણે કુંભમેળાની શરૂઆતનો શંખનાદ હોય એ માટે ગઈ કાલે શરદ પૂર્ણિમાની સાંજે નાશિકમાં સામૂહિક શંખનાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોદાવરી નદીના કાંઠે યોજાયેલા શંખનાદના આ કાર્યક્રમમાં ૫૦૧ લોકોએ ભાગ લીધો હતો અને એકસાથે શંખનાદ કરીને અમેરિકાનો એકસાથે ૩૦૩ લોકોએ શંખનાદ કર્યાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયેલો રેકૉર્ડ તોડ્યો હતો. જોકે ભક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ ત્યારે જોવા મળ્યો જ્યારે ગિનેસ બુકના પ્રતિનિધિ હૃષીકેશ નાગે સૌથી વધુ લોકો સાથેના સામૂહિક શંખનાદનો રેકૉર્ડ ભારતના નામે કર્યો. આ ઘોષણા સાથે જ ગોદાવરીનો પાવન કાંઠો ભારત માતા કી જયના નારા સાથે ગૂંજી ઊઠ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પર સ્મશાનમાં મેલી વિદ્યા કરવાના આરોપસર ૪ જણની અટકાયત
ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના મઉમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે મેલી વિદ્યાનો મામલો સામે આવ્યા બાદ પોલીસે ૪ શંકાસ્પદોની અટકાયત કરી છે. મઉ જિલ્લાના દોહરીઘાટમાં મુક્તિધામ સ્મશાનગૃહ પાસે મેલી વિદ્યા કરેલો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો એ પછી પોલીસે તપાસ કરી હતી. ફોટો પર સોયથી વીંધેલું લીંબુ, તસવીરની ચારે તરફ નાડાછડી બાંધેલું નારિયેળ અને સિંદૂર છાંટેલું જોઈ શકાય છે. આ તસવીરો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરના સાંબામાં પકડાયું જાસૂસી કબૂતર
જમ્મુ અને કાશ્મીરના સાંબામાં એક શંકાસ્પદ કબૂતર પકડાયું છે, જેનો ઉપયોગ સરહદપારની જાસૂસીમાં થઈ રહ્યો હોવાની આશંકા છે. આ કોઈ સામાન્ય કબૂતર નહોતું. એના પગમાં એક વીંટી બાંધેલી મળી આવી હતી. એની સાથે ઉર્દૂમાં લખેલી એક ચિઠ્ઠી અને પાકિસ્તાની ચલણી નોટો પણ મળી આવી હતી. આ કબૂતર ક્યાંથી આવ્યું અને એની સાથે મળેલી નોટો અને પાકિસ્તાની ચલણી નોટોનો હેતુ શું છે એ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે અને મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ કબૂતર સૌપ્રથમ સાંબા સેક્ટરના એક સરહદી ગામમાં કાલી માતા મંદિર પાસે જોવા મળ્યું હતું. એના પગમાં બાંધેલી વીંટીએ શંકા જગાવી હતી. સ્થાનિક લોકોએ એને પકડીને તપાસ કરતાં ચિઠ્ઠી અને પાકિસ્તાની ચલણી નોટો મળી આવી હતી.
અમદાવાદમાં ગોડાઉનમાંથી ચોરાયાં ૭૦ આઇફોન, ૩૬ ઍપલ વૉચ, ૧૬ લૅપટૉપ સહિત ૧ કરોડ રૂપિયાની ઇલેક્ટ્રૉનિક્સ ચીજો
ગુજરાતના અમદાવાદ જિલ્લામાં સનાથલ સર્કલ નજીક નવાપુરા ગામ પાસે આવેલા એક વેરહાઉસમાંથી ૩ નકાબપોશ ચોરોએ એક કરોડ રૂપિયાની કિંમતનાં ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સની ચોરી કરી હતી. ચોરાયેલા સામાનમાં ૪૦ આઇફોન 17, ૩૦ આઇફોન 16, ૧૫ ડેલ લૅપટૉપ, ૧૧ HP લૅપટૉપ, ૩૬ ઍપલ વૉચ, ૨૦ આઇપૅડ કીબોર્ડ, આઇપૅડ પ્રો-ઉપકરણો અને લૅપટૉપ બૅગ વગેરેનો સમાવેશ છે. પોલીસની ટીમો ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની તપાસ કરી રહી છે અને સાથે જ આ ઘટનામાં વેરહાઉસથી પરિચિત કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા વિશે પણ તપાસ ચલાવી રહી છે. ફુટેજમાં જોવા મળે છે કે ચોરી કરતી વખતે શંકાસ્પદ વ્યક્તિઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા અને માથાને કપડાથી ઢાંકી દીધાં હતાં.
થાણેના બિલ્ડિંગના મીટરરૂમમાં લાગી આગ, સબ સહીસલામત
થાણે-વેસ્ટમાં એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મીટરરૂમમાં આગ લાગી હતી, જેમાં ૩ મીટર-બૉક્સ બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ ઘટના વાગળે એસ્ટેટના શ્રીનગરમાં, જૈન મંદિર પાસે આવેલા અમર મહેલ બિલ્ડિંગમાં બની હતી. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર, ઉપર એક માળ અને ટેરેસ પર એક રૂમ છે. થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલને શનિવારે મધરાત બાદ ૩.૦૩ વાગ્યે આ ઘટના વિશે જાણકારી મળી હતી. ત્યાર બાદ ફાયર-બ્રિગેડના જવાનો બચાવ વાહન અને ફાયર-એન્જિન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના કર્મચારીઓ ઉપરાંત મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના કર્મચારીઓ અને શ્રીનગર પોલીસ પણ ઘટનાસ્થળે હાજર હતા. અહેવાલ મુજબ ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના કર્મચારીઓએ સવારે લગભગ ૩.૨૫ વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લઈ લીધી હતી અને સંપૂર્ણપણે ઓલવી નાખી હતી. આ ઘટનામાં ૩ મીટર-બૉક્સ સંપૂર્ણપણે બળી ગયાં હતાં. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર કોઈને ઈજા થઈ નથી.
દાદર કબૂતરખાનાની આસપાસ પારદર્શક ઍક્રિલિક શીટ્સ લગાડવામાં આવી
બૉમ્બે હાઈ કોર્ટે આપેલા આદેશને કારણે દાદર કબૂતરખાનામાં પક્ષીઓને ચણ નાખવાનું છેલ્લા એક વર્ષથી બંધ છે. હમણાં સુધી આ કબૂતરખાનાને પતરાની શીટ્સથી ઢાંકવામાં આવતું હતું જેથી કોઈ ચણ ન નાખી શકે. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓને જાણ થઈ કે ફેરિયાઓ ગેરકાયદે એ પતરાની શીટ ખસેડી ત્યાં તેમનો માલ રાખતા હતા. ત્યાર બાદ BMCએ વર્ષો જૂના કબૂતરખાનાની અંદર જોઈ પણ શકાય, બંધ પણ રહે અને એ જગ્યામાં અતિક્રમણ ન થાય એ માટે પારદર્શક ઍક્રિલિક શીટ્સ પસંદ કરવાનું નક્કી કર્યું હતું. BMCના જી-નૉર્થ વૉર્ડના સહાયક મ્યુનિસિપલ કમિશનર યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે હવે ઍક્રિલિકની ટ્રાન્સપરન્ટ શીટ લગાડી દેવાઈ છે. કોઈ પણ એમાં પ્રવેશ ન કરે એની ખાતરી કરવા માટે કબૂતરખાના પર કડક દેખરેખ રાખવામાં આવશે.
BMCએ પ્રતિષ્ઠિત કોલાબા કૉઝવે પર ૯૧ યુનિફૉર્મ હૉકર સ્ટૉલ માટે ૨.૨૮ કરોડનો કૉન્ટ્રૅક્ટ આપ્યો
કોલાબા શહેરનો પહેલો વિસ્તાર હશે જ્યાં BMCના QR કોડ-આધારિત ઓળખ કાર્ડ ધરાવતા ફેરિયાઓને યુનિફૉર્મ સ્ટ્રીટ વેન્ડિંગ સ્ટૉલ આપવામાં આવશે. ૨૦૨૪માં કોઝવેના ડેવલપમેન્ટના ભાગરૂપે એકસરખા સ્ટૉલ અને દુકાનનું નામ ધરાવતા સાઇન બોર્ડ સાથેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના કરવામાં આવી હતી. આ પહેલને સ્થાનિક વિધાનસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના પ્રયાસો દ્વારા ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DPDC) દ્વારા સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય ફેરિયાઓને સુવિધા પૂરી પાડવાનો છે અને રસ્તા પરથી જોવામાં આવે ત્યારે સ્ટાન્ડર્ડાઇઝ અને આકર્ષક દેખાવ રજૂ કરવાનો છે. આ સ્ટૉલનો એક પ્રોટોટાઇપ કોઝવે ખાતે રાખવામાં આવ્યો હતો. આ સ્ટૉલનો પહેલો લોટ આગામી અઠવાડિયામાં આવવાની અપેક્ષા છે.
બંગાળની ખાડીમાં ઊઠ્યું ચક્રવાતી તોફાન
બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર એરિયા રવિવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાયો છે અને એને કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરલમ અને પૉન્ડિચેરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ચક્રવાતી તોફાન ૨૮ ઑક્ટોબરે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે. આ સમયગાળા દરમ્યાન પવન ૧૧૫થી ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય એવી શક્યતા છે. આજે કેરલમમાં ભારે વરસાદ માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. તામિલનાડુ અને પૉન્ડિચેરી માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. કર્ણાટક, રાયલસીમા અને આંધ્ર પ્રદેશમાં વરસાદ માટે યલો અલર્ટ જાહેર કરી છે. અહીં ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
રિયાધ અને દમ્મામ જતી ફ્લાઇટ્સ ૭ નવેમ્બર સુધી સસ્પેન્ડ
ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઇન્ડિગોએ સાઉદી અરેબિયાના રિયાધ અને દમ્મામ જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ ૭ નવેમ્બર સુધી સસ્પેન્ડ કરી દીધી છે. અકાસા ઍરે ૩૦ નવેમ્બર સુધી રિયાધ ફ્લાઇટ્સ સ્થગિત કરી છે. ઍર ઇન્ડિયા અને ઍર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના રિયાધ અને દમ્મામ આવતી-જતી ફ્લાઇટ્સ ૭ નવેમ્બર સુધી સ્થગિત રહેશે, જ્યારે જેદ્દાહની સર્વિસ ૩૧ ઑક્ટોબર સુધી બંધ રહેશે. જે મુસાફરો પાસે ૨૪ ઑક્ટોબર કે એ પહેલાંનું કન્ફર્મ બુકિંગ છે તેઓ ફ્લેક્સિબલ રીબુકિંગ વિકલ્પો પસંદ કરી શકે છે અથવા બુકિંગ રદ કરીને સંપૂર્ણ રીફન્ડ મેળવી શકે છે. ઍર ઇન્ડિયા એવા મુસાફરોને એક વખત મફતમાં તારીખ બદલવાની સુવિધા આપી રહી છે જેમણે ૨૪ ઑક્ટોબર કે એ પહેલાં બુકિંગ કરાવ્યું હતું. રિયાધ અને દમ્મામ રૂટ પર જેમની મૂળ મુસાફરીની તારીખ ૭ નવેમ્બર સુધીની છે એવા મુસાફરો સાઉદી અરેબિયામાં ઍર ઇન્ડિયાનાં કાર્યરત સ્ટેશનો પર એક વખત મફતમાં રીબુકિંગ કરાવી શકે છે. આ વૈકલ્પિક મુસાફરી ૨૧ નવેમ્બર સુધીમાં પૂરી કરવાની રહેશે. જેદ્દાહ આવતા-જતા મુસાફરો જેમની મૂળ મુસાફરીની તારીખ ૩૧ ઑક્ટોબર સુધીની છે તેઓ ૧૪ નવેમ્બર સુધીની મુસાફરી માટે રીબુકિંગ સુવિધાનો લાભ લઈ શકે છે.
પાકિસ્તાનમાં ગૅસ સિલિન્ડર વેચાય છે ૭૦૦૦ રૂપિયામાં
પાકિસ્તાનમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના સિલિન્ડરના ભાવ થોડા જ દિવસોમાં ૪૫૦૦ પાકિસ્તાની રૂપિયાથી વધીને ૭૦૦૦ પાકિસ્તાની રૂપિયા થઈ ગયા છે. પાકિસ્તાનમાં ઈરાનથી આવતો LPGનો પુરવઠો ૧૭ ઑક્ટોબરથી બંધ થઈ ગયો છે. પાકિસ્તાનમાં LPGનો ૫૦ ટકા જેટલો ગૅસપુરવઠો ઈરાનથી આવે છે. ૧૭ ઑક્ટોબરથી બન્ને દેશો વચ્ચેનાં બે મુખ્ય સરહદ-ક્રૉસિંગ બંધ કરવામાં આવ્યાં છે. બન્ને દેશોએ આ માટે અલગ-અલગ કારણો આપ્યાં છે. પાકિસ્તાને જણાવ્યું હતું કે એણે સુરક્ષા-ચિંતા અને દાણચોરી અટકાવવા માટે સરહદ બંધ કરી દીધી છે. ઈરાને ટેક્નિકલ કારણો આપ્યાં છે. ૧૧.૮ કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ૩૨૯૬ પાકિસ્તાની રૂપિયા નક્કી કરવામાં આવી છે. એમ છતાં બજારમાં સિલિન્ડર સત્તાવાર કિંમત કરતાં બમણાથી વધુ ભાવે વેચાઈ રહ્યાં છે. પાકિસ્તાન LPG અસોસિએશનના જણાવ્યા અનુસાર LPG સિલિન્ડર બલૂચિસ્તાનમાં લગભગ ૭૦૦૦ રૂપિયા, લાહોરમાં ૭૫૦૦ રૂપિયા અને સ્કાર્દુમાં ૮૨૦૦ રૂપિયા સુધી વેચાઈ રહ્યાં છે.
