Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોણ કળી શક્યું છે કાળના કહેણને? મુન્દ્રાનાં તારા ગાલાને ટ્રેનમાં મુસાફરી દરમ્યાન હાર્ટ-અટૅક આવી ગયો

કોણ કળી શક્યું છે કાળના કહેણને? મુન્દ્રાનાં તારા ગાલાને ટ્રેનમાં મુસાફરી દરમ્યાન હાર્ટ-અટૅક આવી ગયો

Published : 14 April, 2026 07:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેલવે-સ્ટાફ અને નવસારી જૈન સમાજના કાર્યકરોમાં માનવતાનાં દર્શન થયાં તારાબહેન સાથે ટ્રાવેલિંગ કરતાં દીકરી-જમાઈને

તારા ગાલા

તારા ગાલા


કચ્છથી રૂટીન મેડિકલ ચેકઅપ કરાવવા આવી રહેલાં મુન્દ્રાનાં તારા ગાલાને ટ્રેનમાં મુસાફરી દરમ્યાન હાર્ટ-અટૅક આવી ગયો, નવસારીમાં હૉસ્પિટલ લઈ જતી વખતે દમ તોડ્યો ઃ કટોકટીના સમયે સહાયરૂપ બનેલા કચ્છ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો, રેલવે-સ્ટાફ અને નવસારી જૈન સમાજના કાર્યકરોમાં માનવતાનાં દર્શન થયાં તારાબહેન સાથે ટ્રાવેલિંગ કરતાં દીકરી-જમાઈને

કચ્છના મુન્દ્રા ગામથી દાદર રહેતાં દીકરી અને જમાઈ સાથે તેમનું રેગ્યુલર ચેકઅપ કરાવવા માટે કચ્છ એક્સપ્રેસમાં મુંબઈ આવવા નીકળેલાં ફિટ ઍન્ડ ફાઇન ૮૦ વર્ષનાં તારા ગાલાને મુસાફરી દરમ્યાન જ ઊંઘમાં હાર્ટ-અટૅક આવી ગયો હતો. રેલવેની અને નવસારીના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના કાર્યકરોની સહાયથી તેમને સારવાર માટે નવસારીની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં હતાં ત્યારે તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. તેમની નજર સામે જ મમ્મીનું મૃત્યુ થતાં આઘાતમાં સરી ગયેલાં દીકરી, જમાઈએ કહ્યું હતું કે ‘આ પળ અમારા માટે અત્યંત ગમગીન હતી, પરંતુ અમારી સાથે મુસાફરી કરી રહેલા પૅસેન્જરો, રેલવે-સ્ટાફ અને નવસારીના જૈન સમાજના કાર્યકરોએ જે રીતે પળે-પળે અમને સહાય કરી ત્યારે ચોક્કસ એવું ફીલ થયું કે માનવતા હજી જીવંત છે.’



મૂળ સાડાઉ ગામનાં તારાબહેન ઘણાં વર્ષોથી મુન્દ્રામાં ‌આઇસક્રીમનો બિઝનેસ કરતા તેમના નાના પુત્ર સુનીલ ગાલા સાથે રહેતાં હતાં. ત્યાં તેઓ ઘરના કામકાજથી લઈને અન્ય કામો પૂરી સ્વસ્થતા સાથે કરતાં હતાં, પરંતુ બે વર્ષથી તેમણે હેલ્થ ચેક-અપ કરાવ્યું નહોતું. આથી પ્રભાદેવીમાં રહેતાં તેમનાં દીકરી પ્રજ્ઞાબહેન અને જમાઈ નવીનભાઈ સાથે રવિવારે રાતે કચ્છ એક્સપ્રેસમાં મુંબઈ આવી રહ્યાં હતાં.


મમ્મી ટ્રેનમાં બેઠાં ત્યાં સુધી તેમને હેલ્થ માટે કોઈ જ ફરિયાદ નહોતી એમ જણાવતાં તારાબહેનના જમાઈ નવીન ભેદાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ‘તારાબહેનનો પૌત્ર રચિત અને તેની મિસિસ આશા ગાંધીધામ સ્ટેશન પર અમને મૂકવા આવ્યાં હતાં. તેમને ક્યાં ખબર હતી કે દાદી સાથે આ તેમની છેલ્લી મુલાકાત હશે. અમારી ટ્રેન થોડી મોડી ઊપડી હતી. ત્યાં સુધી મમ્મી અમારી સાથે હસીખુશીથી વાતો કરતાં હતાં. અમારી AC કોચની ટિકિટ હતી. અમે ટ્રેનમાં બેઠાં એટલે મમ્મીને વૉશરૂમ જઈ આવીને સૂઈ જવા કહ્યું હતું, પણ મમ્મીએ કહ્યું હતું કે હું વહેલી સૂઈશ તો સવારે વહેલી જાગી જઈશ એના કરતાં મને બેસવા દો. ત્યાર પછી રાતે ૧૧.૩૦ વાગ્યા સુધી મમ્મી જાગતાં હતાં. સામખિયાળી સ્ટેશન આવ્યા પછી અમે તેમને બ્લૅન્કેટ ઓઢાડીને સુવડાવી દીધાં હતાં, પરંતુ તેઓ શાંતિથી સૂતાં નહોતાં. વચ્ચે અમે એક-બે વાર ચેક કર્યું ત્યારે મમ્મી ગાઢ નિદ્વામાં સૂતાં હતાં.’

નવીન ગાલાએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘સવારે ૬ વાગ્યે સુરત આવ્યું ત્યારે સુરતથી અમારી બાજુમાં આવીને બેસેલા એક પૅસેન્જરે અમને ઉઠાડીને મમ્મી સાથે કંઈ અજુગતું બન્યું હોવાની જાણકારી આપી હતી. અમે ઊઠીને જોયું તો મમ્મીએ ઊંઘમાં જ વૉમિટ અને યુરિન કરી નાખ્યાં હતાં. બ્લૅન્કેટ ખરાબ થઈ ગયું હતું. અમે તરત જ ટ્રેનમાં કોઈ ડૉક્ટર હોય તો તેમની સહાય લેવા માટે તપાસ કરી, પણ અમારા કમનસીબે કોઈ ડૉક્ટર ટ્રેનમાં મુસાફરી કરતા નહોતા. એ સમયે મમ્મીના શ્વાસોશ્વાસ બરાબર ચાલતા હતા, પણ મમ્મી બોલતાં નહોતાં. અમને થોડી વાર માટે એમ થયું કે તેમના ગળામાં કંઈ ખાવાનું અટકી ગયું હશે એટલે અમારી સાથે મુસાફરી કરી રહેલાં એક બહેને આવીને મમ્મીની પીઠ થાબડી તેમને પમ્પિંગ પણ કર્યું, પણ મમ્મી તરફથી પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો નહોતો.’


અન્ય પૅસેન્જરો તરત જ અમારી મદદે આવ્યા હતા એમ જણાવતાં નવીન ગાલાએ કહ્યું હતું કે ‘તેમણે જોયું કે મમ્મી તરફથી કોઈ પૉઝિટિવ રિસ્પૉન્સ મળતો નથી એટલે તેમણે તરત જ મેડિકલ સહાય માટે રેલવેના ઇમર્જન્સી નંબર અને ૧૦૮ નંબર પણ ફોન કર્યો હતો. ટ્રેન નવસારી પહોંચી ત્યારે ૧૦૮ નંબરની ઍમ્બ્યુલન્સ ડૉક્ટર સાથે આવી ગઈ હતી. તેમણે પણ તેમનું ચેકઅપ કરીને પમ્પિંગ કર્યું હતું અને ઇમર્જન્સી ટ્રીટમેન્ટ આપી હતી. જોકે મમ્મી તરફથી રિસ્પૉન્સ ન મળતાં તેઓ મમ્મીને નવસારીની સિવિલ હૉસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ અમારી નજર સામે મમ્મીએ દેહ છોડી દીધો હતો. ૧૦૮ના મેડિકલ સ્ટાફે ખૂબ જ પ્રયાસ કર્યા, પણ મમ્મીનો જીવ પાછો ન આવ્યો. અમે સિવિલ હૉસ્પિટલમાં પહોંચ્યાં ત્યારે અમારા નવસારી જૈન સમાજના કાંતિલાલ ધરોડ, રાકેશ વીરા અને અન્ય અગ્રણીઓ પ્રકાશ દોશી, નવીન શાહ અને મહેન્દ્ર દરબાર તથા નવસારીના કલેક્ટર અમારી મદદ માટે હૉસ્પિટલમાં આવી ગયા હતા. સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ પણ ચેકઅપ કર્યા પછી મમ્મીને મૃત જાહેર કર્યાં હતાં. તેમણે અમને મમ્મીના મૃતદેહને ડોમ્બિવલીમાં ખાખરાનો બિઝનેસ કરતા તેમના પુત્ર દિનેશ ગાલાના ઘર સુધી પહોંચાડવા માટેની બધી જ વ્યવસ્થા કરી આપી હતી. અમારા પર અચાનક આવી પડેલી આફતના સમયે સાંત્વન આપવા અને મેડિકલ હેલ્પ કરવા આવેલા અમારી ટ્રેનના મુસાફરો, ઇમર્જન્સીમાં ફરિયાદ મળતાં તાત્કાલિક હાજર થયેલા રેલવેના સ્ટાફ અને હંમેશાં સેવા માટે તત્પર રહેતા નવસારી જૈન સમાજના કાર્યકરોનો અમને સહાયભૂત થવા માટે આભાર માનીએ છીએ. એમાં અમને માનવતાની મહેક જોવા મળી હતી.’

 

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK