વન્યજીવોની દેખરેખ અને સલામતી માટે આધુનિક સર્વેલન્સ અને સ્પીડ-મૉનિટરિંગ સિસ્ટમ કાર્યરત
ગીરમાં આવેલી ગીર હાઇ-ટેક મૉનિટરિંગ યુનિટની ઑફિસ અને ગીરમાં લગાવેલા કૅમેરા અને એના દ્વારા કેવી રીતે મૉનિટરિંગ થાય છે એ દર્શાવતાં ચિત્રો.
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ ગીર જંગલમાં આધુનિક ટેક્નૉલૉજીની મદદથી ગીરનું સંરક્ષણ થઈ રહ્યું છે. બૃહદ ગીર વિસ્તારનું સંરક્ષણ, પર્યાવરણનું જતન તેમ જ વન્યજીવોની દેખરેખ અને સલામતી માટે આધુનિક સર્વેલન્સ અને સ્પીડ-મૉનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.
ADVERTISEMENT
વન્યપ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિઓ વિશે લોકજાગૃતિની સાથે એમનું સંરક્ષણ-સંવર્ધન થઈ શકે એવી પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં અત્યાધુનિક ટેક્નૉલૉજીને પણ સામેલ કરવામાં આવી છે. ગીરમાં અત્યાધુનિક મૉનિટરિંગ યુનિટ બનાવવામાં આવ્યું છે. આ હાઇ-ટેક મૉનિટરિંગ યુનિટના માધ્યમથી પ્રાણીઓ અને પક્ષીઓનો રેડિયો-ટેલિમેટ્રી સ્ટડી કરવામાં આવે છે. એ ઉપરાંત વાયરલેસ કમ્યુનિકેશન, માઇક્રોચિપ ડેટાસેટ, સફારીનાં વાહનો તેમ જ અંદર અને બહાર જવાના પૉઇન્ટ્સનું સર્વેલન્સ પણ કરવામાં આવે છે. રેડિયો-ટેલિમેટ્રી સ્ટડીમાં પ્રાણીઓની મૂવમેન્ટ અને એમની વર્તણૂકનો રેડિયો ટ્રાન્સમીટરના માધ્યમથી અભ્યાસ કરવામાં આવે છે.
સંરક્ષિત વિસ્તાર પાસેથી પસાર થતા રસ્તાઓ પર વાહનો સાથે પ્રાણીઓ અથડાય નહીં એ હેતુથી આધુનિક સ્પીડ-મૉનિટરિંગ સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી છે. આ સેન્સર આધારિત મૉનિટરિંગ પ્રણાલી છે જે થર્મલ કૅમેરા ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ પસાર થતાં વાહનોની ગતિને માપે છે જેને LED પર રજૂ કરીને ડ્રાઇવરને અલર્ટ કરવામાં આવે છે. થર્મલ કૅમેરા પ્રાણીઓ અને ચીજોની હિટ સિગ્નેચરની ઓળખ કરે છે. આ ટેક્નૉલૉજીની મદદથી ખરાબ હવામાન અને ઓછા પ્રકાશમાં પણ વન્યજીવોની મૂવમેન્ટ જાણવામાં મદદ મળે છે. વાહનની માહિતી, વન્યજીવોની ઉપસ્થિતિ સહિતની જરૂરી માહિતીને કન્ટ્રોલ-સેન્ટર અને ફૉરેસ્ટ ચેક પોસ્ટ પર મોકલવામાં આવે છે, જેને લીધે સંવેદનશીલ રસ્તાઓ પર વન્યજીવોના અકસ્માતને અટકાવવામાં મદદ મળી છે.

