નવસારીમાં પૂર્ણા નદી, તાપીમાં વાલ્મીકિ, સુરત જિલ્લામાં અંબિકા અને વ્યારાની ઝાંઝરી નદીમાં પૂર આવતાં અનેક ગામો અને નગરોમાં તારાજી
નવસારીમાં પૂર્ણા નદીના પૂરનાં પાણી ફરી વળતાં જવાનોએ નાગરિકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત રીતે બહાર કાઢ્યા હતા, તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નોલથા ગામેથી બાળકો તેમ જ નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં.
ગુજરાતમાં ગઈ કાલે વરસાદ હળવો થયો હતો, પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નદીઓના પૂરનો પ્રકોપ જોવા મળ્યો હતો. નવસારીમાં પૂર્ણા નદી, તાપીમાં વાલ્મીકિ, સુરત જિલ્લામાં અંબિકા અને વ્યારાની ઝાંઝરી નદીમાં પૂર આવતાં અનેક ગામો અને નગરોમાં પૂરનાં પાણી ઘૂસતાં તારાજી સર્જાઈ હતી અને નાગરિકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
નવસારી ગ્રામ્ય વિસ્તારમાં નવસારીથી સૂપા જતા માર્ગમાં આવતા બ્રિજ પરથી પૂર્ણા નદીના પૂરનું ધસમસતું પાણી નીકળતાં આ બ્રિજ સલામતીના કારણોસર બંધ કરીને ત્યાં પોલીસ-બંદોબસ્ત મુકાયો હતો.
ADVERTISEMENT
પૂર્ણા નદીમાં પૂર આવતાં નવસારી શહેરના ૧૬ વિસ્તારો, નવસારી ગ્રામ્ય વિસ્તારનાં ૧૧ ગામ અને જલાલપોર તાલુકાનાં ૧૧ ગામને અસર થઈ હતી. જલાલપોર તાલુકાના માણેકપોર ગામમાં પૂરનાં પાણી ભરાતાં વહીવટી તંત્ર દ્વારા પાંચ સગર્ભા બહેનોનું રેસ્ક્યુ કરીને નવસારી સિવિલ હૉસ્પિટલમાં સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
પૂર્ણા નદીની ભયજનક સપાટી ૨૩ ફુટ છે અને એ ગઈ કાલે બપોરે ૨૮ ફુટની સપાટીથી વહી રહી હતી એટલે કે ભયજનક સપાટી કરતાં પાંચ ફુટ ઉપરથી વહી રહી હતી. પૂર્ણા નદીમાં આવેલા પૂરને કારણે નવસારી જિલ્લામાં કાંઠા વિસ્તારમાંથી ૨૨૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
નવસારી શહેરના રેલ રાહત કૉલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રુસ્તમવાડી, વિજલપોર, મારુતિનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીનાં પૂરનાં પાણી ભરાતાં ૧૫૬૦ લોકોને સલામત ખસેડીને સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં આવેલા વાલોડ તાલુકાના નાલોથા ગામે પાણી ભરાઈ જતાં દોરડા બાંધીને નાગરિકોનું સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) ટીમે રેસ્કયુ કર્યું હતું, જ્યારે વેડછી ગામે કેડસમાં પાણીમાંથી ફસાયેલા નાગરિકોને વ્યારા ફાયર-બ્રિગેડના જવાનોએ બચાવીને સ્થળાંતર કરાવ્યું હતું.
તાપી જિલ્લાના વાલોડમાં રહેતાં ૭૦ વર્ષનાં જશુબહેન હળપતિ કોઝવે પરથી લપસી જતાં કોતરમાં તણાઈ જવાને કારણે મૃત્યુ પામ્યાં હતાં. તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને કારણે તાપી જિલ્લામાં ફરજ બજાવતા જિલ્લા સંકલનના તમામ અધિકારીઓએ હેડ ક્વૉર્ટર નહીં છોડવા નિવાસી અધિક કલેક્ટરે તાકીદ કરી હતી.
સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં વરસાદ પડતાં તેમ જ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂર આવતાં વહીવટી તંત્રે મહુવા તાલુકાનાં ૪ ગામોમાંથી ૧૭૧ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.
વડોદરા નજીક આવેલા વડસરમાં વિશ્વામિત્રી નદીના પૂરનાં પાણી ભરાઈ જતાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)એ બાળકો સહિત ૧૬ વ્યક્તિને બોટમાં બેસાડીને સલામત રીતે બહાર કાઢ્યાં હતાં.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૫ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના ઉચ્છલમાં સવારે ૬થી ૮ વાગ્યા દરમ્યાનના બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. કુકરમુંડામાં સવા ઇંચ અને નિઝરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

