વિરમગામ બેઠક પર પાટીદાર અનામન આંદોલન સમિતિના નામે અનેક જગ્યાએ લગાવવામાં આવ્યાં વિરોધી બૅનર : મતદાન પહેલાં છેલ્લી ઘડીએ હાર્દિક પટેલની વિરુદ્ધનાં બૅનરોના કારણે રાજકારણ ગરમાયું
Gujarat Election
વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લાગેલાં બૅનરો, જે કોણે લગાવ્યાં એની ચર્ચા થઈ રહી છે
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન છે ત્યારે છેલ્લી ઘડીઓમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પરથી બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા અને એક સમયે પાટીદાર આંદોલન કરીને બીજેપી સરકાર સામે આંદોલન છેડનાર હાર્દિક પટેલ સામે તેનો વિરોધ કરતા પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે વિરમગામમાં ઠેર-ઠેર બૅનર લાગ્યાં છે. હાર્દિક પટેલ સામે લાગેલાં બૅનરોથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન કરીને ચહેરો બનેલા હાર્દિક પટેલને આજે ખુદ તેણે જ બનાવેલી સમિતિના વિરોધનો સામનો કરવો પડી રહ્યો હોય એવો ઘાટ ઘડાયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ રચીને આંદોલન કરીને કૉન્ગ્રેસમાં જોડાઈ જનારા અને એ પછી કૉન્ગ્રેસ સાથે છેડો ફાડીને જે પક્ષ સામે એલફેલ બોલીને ગંભીર આક્ષેપો કર્યા હતા અને જેની સામે રાજદ્રોહનો ગુનો દાખલ થયો છે તે હાર્દિક પટેલ બીજેપીમાં જોડાઈ જતાં સૌને આશ્ચર્ય થયું હતું. એટલું જ નહીં, બીજેપીએ હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ઉમેદવાર પણ બનાવ્યો છે. જોકે હાર્દિક પટેલને મતદાનના આગલા દિવસોમાં વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
વિરમગામ બેઠક પર પાટીદાર અનામન આંદોલન સમિતિના નામે હાર્દિક પટેલ સામે વિરોધી બૅનર લાગ્યાં છે. આ બૅનરોમાં ‘ગમે તે જીતે, હાર્દિક હારવો જોઇએ’, ‘હાર્દિક જાય છે’, ‘જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય’, ‘જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?’, ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’, ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં’, ‘૧૪ પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે હાર્દિક જાહેર કરે’ એવા લખાણ સાથેનાં બૅનરો વિરમગામમાં જુદી-જુદી જગ્યાઓએ લાગ્યાં છે.
આ બૅનરો લાગતાં ચોરે ને ચૌટે ચર્ચા જાગી છે કે મતદાન પહેલાં છેલ્લી ઘડીએ શું હાર્દિક પટેલ સામે પાટીદારોનું મૌન વૉર છેડાયું છે કે વિરોધીઓની આ ચાલ છે? બીજી તરફ ખુદ બીજેપીના કાર્યકરો પણ અંદરખાને હાર્દિક પટેલની બીજેપીમાં એન્ટ્રીથી અને તેને પક્ષે ઉમેદવાર બનાવતાં નાખુશ છે.