Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં પકડાયો નકલી PSI, મુંબઈમાં પણ કરી ચૂક્યો છે કાંડ

અમદાવાદમાં પકડાયો નકલી PSI, મુંબઈમાં પણ કરી ચૂક્યો છે કાંડ

Published : 23 May, 2026 09:52 AM | Modified : 23 May, 2026 09:57 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડેટિંગ ઍપ અને મૅટ્રિમોનિયલ ઍપ્સ પર ગુજરાત પોલીસના યુનિફૉર્મવાળા ફોટો મૂકીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો અને રૂપિયા પડાવતો હતો હિમાંશુ પંચાલ

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે પકડેલો આરોપી હિમાંશુ પંચાલ

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે પકડેલો આરોપી હિમાંશુ પંચાલ


મુંબઈની યુવતી પર રેપકેસમાં જામીન પર છૂટ્યા પછી પણ સુધરવાને બદલે અમદાવાદ સહિતનાં શહેરોની બીજી યુવતીઓને ફસાવીને રૂપિયા પડાવતા નકલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) રૉકી ઉર્ફે હિમાંશુ પંચાલને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે પકડી લીધો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે કહ્યું હતું કે ‘હિમાંશુ પંચાલ ડેટિંગ ઍપ અને મૅટ્રિમોનિયલ ઍપ્સ પર ગુજરાત પોલીસના યુનિફૉર્મવાળા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલા ફોટો મૂકીને પોતે ગુજરાત પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર છે એવી ખોટી ઓળખ આપીને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હતો અને તેમની પાસેથી રૂપિયા પડાવતો હતો. ૨૦ જેટલી યુવતીઓને ખોટી ઓળખ આપીને અને તેમની સાથે સંબંધો કેળવીને પૈસાની જરૂર છે એમ કહીને તેમની પાસેથી તેણે પૈસા પડાવ્યા છે. હિમાંશુ પંચાલ સામે અમદાવાદમાં ગુના નોંધાયા છે. યુવતીઓને ફસાવીને સંબંધ કેળવ્યા બાદ પોતાને પૈસાની જરૂર છે પણ અમુક રકમ ઓછી પડે છે એમ કહીને શરૂઆતમાં ૫૦,૦૦૦, ૮૦,૦૦૦ કે ૧,૦૦,૦૦૦ રૂપિયા પડાવતો હતો.’



નાલાસોપારામાં ફરિયાદ


હિમાંશુ પંચાલે એક વર્ષ પહેલાં વિરારમાં રહેતી એક યુવતીને ડેટિંગ ઍપ્લિકેશન મારફત સંપર્ક કરીને લગ્ન કરવા માટે પોલીસની ખોટી ઓળખ આપી હતી. તે યુવતી સાથે હોટેલમાં રોકાયો હતો જે વિશે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં રેપ અને ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધાયેલો છે. આ કેસમાં હિમાંશુ પંચાલની ધરપકડ થઈ હતી અને તે જામીન પર છૂટ્યો હતો.

અનેક યુવતીઓને ફસાવી


મુંબઈના રેપકેસમાં જામીન પર છૂટ્યા બાદ અમદાવાદની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ૫૦,૦૦૦ રૂપિયા લઈને હિમાંશુ મુંબઈ અને ગોવા ફરવા ગયો હતો. અમદાવાદની ૩ યુવતીઓને તેણે ફસાવી હતી. એમાં એક યુવતીને ફસાવીને તેની પાસેથી લગ્ન કરવાની લાલચ આપીને જુદા-જુદા બહાના હેઠળ ૧,૮૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ મેળવી હતી તો બીજી યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને મકાન બનાવવા માટે પૈસા ખૂટતા હોવાનું જણાવીને ૭૯,૭૦૦ રૂપિયા પડાવ્યા હતા. મુંબઈ, અમદાવાદ ઉપરાંત મધ્ય ગુજરાતના ડભાણ તેમ જ મધ્ય પ્રદેશના ભોપાલ, રાજસ્થાનના ઉદેપુરની યુવતીઓને પણ તેણે ફસાવી હોવાની વિગતો બહાર આવી છે. આ તમામ કિસ્સાઓમાં જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઈ છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 09:57 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK