રાતે નીકળેલી રવેડીમાં હજારો નાગા બાવા, સાધુ-સંતો જોડાયા
મહાશિવરાત્રિની રાતે અખાડાથી ભવનાથ મંદિર સુધી રવેડી નીકળી હતી
સૌરાષ્ટ્રમાં આવેલી ઐતિહાસિક ભૂમિ જૂનાગઢમાં મહાશિવરાત્રિની મધરાતે અલૌકિક દિવ્ય નઝારો સર્જાયો હતો. જૂનાગઢમાં બુધવારે મહાશિવરાત્રિની રાતે અખાડાથી ભવનાથ મંદિર સુધી રવેડી નીકળી હતી જેમાં હજારો નાગા બાવા, સાધુ-સંતો જોડાયા હતા. જૂનાગઢમાં નીકળેલી રવેડી જોવા માટે સમગ્ર ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. રવેડીમાં જોડાયેલા સાધુઓનાં હેરતઅંગેઝ કરતબથી ધાર્મિકજનો મંત્રમુગ્ધ થયા હતા. રવેડીમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઊઠ્યો હતો. રવેડીમાં જોડાયેલા હજારો સાધુ-સંતો ભવનાથ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં આવેલા પૌરાણિક મૃગીકુંડ પાસે સૌ એકઠા થયા હતા. મૃગીકુંડ પાસે પહેલાં આરતી યોજાઈ હતી અને ત્યાર બાદ રાતે ૧૨ વાગ્યે નાગા બાવાઓ અને સાધુ-સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. સ્નાન કરીને સાધુ-સંતો ભવનાથ મંદિરમાં ભોળા શંભુનાં દર્શન કરીને છૂટા પડ્યા હતા.

