Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આશા અમર છે: માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો ગાઈને આશાતાઈ રડી પડેલાં

આશા અમર છે: માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો ગાઈને આશાતાઈ રડી પડેલાં

Published : 13 April, 2026 07:11 AM | Modified : 13 April, 2026 07:12 AM | IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો ગાઈને આશાતાઈ રડી પડેલાં, બોલેલાં કે મને અંબાજી દર્શન કરવા લઈ જાઓ

આશા ભોસલે સાથે ગૌરાંગ વ્યાસ અને તેમનાં પત્ની નયના વ્યાસ.

આશા ભોસલે સાથે ગૌરાંગ વ્યાસ અને તેમનાં પત્ની નયના વ્યાસ.


૯૨ વર્ષની ઉંમરે મલ્ટિપલ ઑર્ગન-ફેલ્યરને કારણે આશા ભોસલેનું અવસાન, આજે રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર : ગુજરાતી માતાના સંસ્કારને કારણે આશા ભોસલે ગુજરાતને માતૃભૂમિ ગણતાં હતાં

ગુજરાતના વિખ્યાત સંગીતકાર અવિનાશ વ્યાસની આશા ભોસલે સાથેની વાતો વાગોળી પુત્ર ગૌરાંગ વ્યાસે : પિતા-પુત્ર સાથે આશાતાઈએ ૧૦૦થી વધુ ગુજરાતી ગીતોને કંઠ આપ્યો હતો : ગૌરાંગભાઈ સાથે સ્કૂટર પર પાછળ બેસીને અમદાવાદમાં લટાર મારી હતી



  વર્ષો પહેલાં જ્યારે આશાતાઈ અમદાવાદ આવ્યાં હતાં ત્યારે સંગીતકાર ગૌરાંગ વ્યાસની સાથે સ્કૂટર પર બેસીને અમદાવાદમાં લટાર મારવાની ઇચ્છા વ્યક્ત કરીને સાડી ખરીદવા ગયાં હતાં. એ વખતે ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે લોકો જોશે તો ખરાબ લાગશે, ત્યારે આશા ભોસલે તેમની વાતને હસીને ટાળી દઈને કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર સ્કૂટરની પાછળ બેસીને અમદાવાદમાં ફરવા નીકળ્યાં હતાં. ગઈ કાલે આશા ભોસલેનું નિધન થયું છે ત્યારે ગૌરાંગ વ્યાસે આશાજીને યાદ કરીને તેમને હ્યદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.      


આશાતાઈના હુલામણા નામથી સૌકોઈ જેમને આદર આપે છે એ વિશ્વવિખ્યાત ગાયિકા આશા ભોસલેનો ગુજરાત સાથે વર્ષોથી નાતો રહ્યો છે. તેમણે ગુજરાતીમાં અગણિત ગીતો ગાયાં છે. ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ અને ‘રામ તમે સીતાજીની તોલે ના આવો’ સહિતનાં ભક્તિગીતો ઉપરાંત અગણ‌િત ગુજરાતી ફિલ્મી ગીતો અને ગરબા ગાઈને ગુજરાતીઓને ઘેલું લગાડ્યું હતું. ગુજરાતના વિખ્યાત સંગીતકાર અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસના સ્વરાંકનમાં આશાજીએ ૧૦૦થી વધુ ગુજરાતી ગીતોને કંઠ આપ્યો હતો. આશા ભોસલે સાથેની યાદોને વાગોળતાં જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આશાજીએ મારા પિતાજી અવિનાશ વ્યાસ તેમ જ મારી સાથે બહુ બધાં ગીતો ગાયાં છે. ૧૦૦થી વધુ ગુજરાતી ગીતો તેમણે ગાયાં છે. તેઓ વર્સેટાઇલ સિંગર હતાં અને તેમની ગાયકી બહુ જ સારી હતી. સ્ટુડિયોમાં તો તેઓ ગીતો સારી રીતે ગાતાં હતાં પરંતુ સ્ટેજ પર જ્યારે તેઓ પર્ફોર્મ કરતાં ત્યારે તેમની પ્રતિભા નીખરી ઊઠતી હતી. તેમની મારી સાથે અને મારા પિતાજી સાથે અનેક યાદો વણાયેલી છે. તેમનું વ્યક્તિત્વ એકદમ સરળ હતું. આશાબહેન મારી સાથે સ્કૂટર પર બેસીને અમદાવાદમાં ફર્યાં છે. વર્ષો પહેલાં જ્યારે તેઓ અમદાવાદ આવ્યાં હતાં ત્યારે તેમને સ્કૂટર પર બેસાડીને અમદાવાદ બતાવવા લઈ ગયો હતો. એ સમયે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ પાસે નૂતન વસ્ત્ર ભંડાર હતો એમાં અમે સાડી જોવા ગયાં હતાં અને આશાજીએ ત્યાંથી સાડી ખરીદી હતી. તેમણે જ્યારે મને સ્કૂટર પર લઈ જવા કહ્યું ત્યારે મેં તેમને કહ્યું હતું કે લોકો તમને સ્કૂટર પર જોશે તો ખરાબ લાગશે. ત્યારે તેઓ હસતાં રહ્યાં હતાં અને કહ્યું કે કોઈ વાંધો નહીં, તમે મને સ્કૂટર પર લઈ જાઓ.’    

આશા ભોસલેની પર્સનાલિટીને જોતાં પહેલી નજરે એમ ન લાગે કે આ મહિલા બહુ સંવેદનશીલ અને ભાવુક હશે. તેમની સંવેદનશીલતાનો દાખલો આપતાં ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે ‘આશા ભોસલે સાથે મારા પિતાજી અવિનાશ વ્યાસે અને મેં ‘માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ ગીત સ્વરબદ્ધ કર્યું હતું. આ ગીત ગાઈને આશાજી ભાવુક થઈ ગયાં હતાં અને રડી પડ્યાં હતાં. તેમણે મારા પિતાજીને કહ્યું હતું કે મને અંબાજી દર્શન કરવા લઈ જાઓ અને તેમને અંબેમાનાં દર્શન કરવા અંબાજી લઈ ગયા હતા. આશાજીને અંબેમામાં બહુ શ્રદ્ધા હતી. મારા પિતાજી સાથે તેઓ ઘણી વાર અંબાજી દર્શન કરવા ગયાં હતાં. અમદાવાદના માણેક ચોકના રાત્ર‌િ ફૂડ બજારમાં આશાજી અમારી સાથે આવીને રગડાપેટીસ અને આઇસક્રીમ ખાતાં હતાં. અમદાવાદ આવે ત્યારે મને અચૂક ફોન કરે. આશાજી સાથે અમારે છેક સુધી સંબંધ રહ્યા છે અને ફોન પર વાત પણ થતી હતી.’  


આશા ભોસલેને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે ‘આશાજીના નિધનના સમાચાર જાણીને અમને બહુ દુઃખ થયું છે. તેઓ વર્સેટાઇલ સિંગર હતાં. અનેક પ્રકારનાં ગીતો તેમણે ગાયાં છે. હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.’ 

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 07:12 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK