કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ઉદ્ઘાટન : સ્વદેશી સંકલ્પ અભિયાન, સ્ટાર્ટઅપ્સ ઉડાન, માતૃશક્તિની ભૂમિકા વિષયો પર યોજાશે સત્રો
સ્વદેશી વસ્તુઓ અપનાવવાની અપીલ કરનારા નરેન્દ્ર મોદીના કટઆઉટ પાસે અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને આયોજકો
આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ગઈ કાલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે સ્વદેશોત્સવ–૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું હતું. સ્વદેશી ઉત્પાદનો, સ્ટાર્ટઅપ્સ અને ભારતની સાંસ્કૃતિક ઓળખનું આ મોટું પ્રદર્શન બની રહેશે.
સ્વર્ણિમ જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ૯ ડિસેમ્બર સુધી ચાલનારા સ્વદેશોત્સવમાં અમિત શાહે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની સાથે લટાર મારી હતી. જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય મહત્ત્વના વિવિધ વિષયો પર સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વદેશી સંકલ્પ અભિયાન, સ્ટાર્ટઅપ્સ ઉડાન, માતૃશક્તિની ભૂમિકા, સાઇબર સિક્યૉરિટી અવેરનેસ, આયુર્વેદ અને સ્વાસ્થ્ય, પ્રાકૃતિક ખેતી, ઑર્ગેનિક ખેતી સહિતનાં વિષય-સત્રો યોજાશે. આ ઉપરાંત રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પાંચ દિવસના આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી આવેલા વેપારીઓ તેમ જ સ્ટાર્ટઅપ્સના ૬૦૦થી વધુ સ્ટૉલમાં હૅન્ડલૂમ, હસ્તકલા, કૃષિઉત્પાદનો, સ્ટાર્ટઅપ્સનાં ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.


