ગઈ કાલે અબુ ધાબીથી ચાર દિવસ પછી અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચેલી સુરતની રિતિકા ભજિયાવાળાના પપ્પાના છે આ શબ્દોઃ પોતાના લોહાણા સમાજ પર આફરીન જિજ્ઞેશ ભજિયાવાળા
ગઈ કાલે રાતના અમદાવાદ ઍરપોર્ટ પર હળવાશની પળોમાં મમ્મી-પપ્પા સાથે રિતિકા ભજિયાવાળા.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુબઈમાં શનિવારથી અટવાઈ ગયેલી સુરતની ૨૬ વર્ષની રિતિકા ભજિયાવાળા ગઈ કાલે સાંજે મુંબઈ, દુબઈ અને અબુ ધાબીના શ્રી લોહાણા મહાપરિષદના કાર્યકરોની સહાયથી ૪ દિવસ પછી સુરત પહોંચી ગઈ હતી. તેના મિલનથી હરખઘેલા થયેલા તેના પિતા જિજ્ઞેશ ભજિયાવાળાએ કહ્યું હતું કે ‘અમારી દીકરી સહીસલામત ઘરે પહોંચી ગઈ એ જ અમારા માટે સૌથી મોટી હોળી અને ધુળેટી હતી. આમ પણ સુરતના રંગીન મિજાજના સુરતીઓ કોઈ પણ તહેવારને બે દિવસ ઊજવતા હોય છે એટલે રિતિકા પાછી આવી ગઈ એ સમય અમારા માટે હોળી અને ધુળેટીનો મહાઉત્સવ સમાન બની ગયો હતો.’
અમેરિકામાં જિનેટિક્સમાં બૅચલર ઑફ સાયન્સ કરીને ત્યાર પછી કૅનેડામાં માસ્ટર ઑફ સાયન્સ કરનાર રિતિકા તેના પરિવાર સાથે હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણી કરવા શનિવારે કૅનેડાથી અમદાવાદ આવી રહી હતી. તેની ફ્લાઇટનો અબુ ધાબીમાં અઢી કલાકનો હૉલ્ટ હતો. એ જ અરસામાં યુદ્ધને કારણે સર્જાયેલી ઇમર્જન્સી જાહેર થતાં અબુ ધાબીથી ફ્લાઇટો બંધ થઈ ગઈ હતી અને રિતિકા ઍરપોર્ટ પર જ અટકી ગઈ હતી. આ સમાચાર રિતિકાના પપ્પા જિજ્ઞેશ ભજિયાવાળાને મળતાં જ તેમણે રિતિકા સુરક્ષિત રહે અને તે કોઈ પણ સમસ્યાનો સામનો કર્યા વગર ભારત પાછી પહોંચી જાય એ માટે શ્રી લોહાણા મહાપરિષદના મુંબઈના પ્રમુખ અને અન્ય શહેરોના તેમના સમાજના પદાધિકારીઓ/મિત્રોના સંપર્ક કરવાની દોડાદોડી શરૂ કરી દીધી હતી. એને પરિણામે રિતિકા ગઈ કાલે અમદાવાદ પાછી ફરી હતી.
ADVERTISEMENT
આ બાબતની માહિતી આપતાં જિજ્ઞેશ ભજિયાવાળાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેવા મને રિતિકા તરફથી અબુ ધાબીમાં તેની ફ્લાઇટ કૅન્સલ થઈ છે અને ઍરપોર્ટ બંધ થયું છે એવા સમાચાર મળ્યા એટલે તરત જ મેં અમારા લોહાણા મહાપરિષદના સતીષ વિઠલાણીને ફોન કરીને કોઈ માર્ગ શોધી આપવા જણાવ્યું હતું. તેમણે તરત જ દુબઈમાં સ્થાયી થયેલા અને અનેક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટોને દુબઈમાં સેટ કરનારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાકેશ કાનાબારનો સંપર્ક કરીને રિતિકાને સુરક્ષિત ઘરે લઈ આવવા જણાવ્યું હતું. રાકેશ કાનાબારે તરત જ તેમની કાર અબુ ધાબી ઍરપોર્ટ પર રિતિકાને લેવા મોકલી હતી. જોકે અચાનક સર્જાયેલી અફરાતફરીને લીધે ઍરલાઇન્સે બધો સામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો. બીજી બાજુ મિસાઇલ અને ડ્રોનના અવાજોથી પૅસેન્જરોમાં ફફડાટ ફેલાયો હતો. આથી રિતિકા માટે પણ મુસીબત ઊભી થઈ હતી કે સામાન વગર દુબઈ જઈને શું કરે? રાકેશ કાનાબારે રિતિકાને કહ્યું કે સામાન ભૂલી જા અને આવી જા, પણ સવાલ રિતિકાનાં કપડાંનો હતો. આથી રિતિકાએ તેમની પાસે થોડો સમય માગ્યો. નસીબજોગે તેનો સામાન ૨૦ મિનિટમાં મળી ગયો હતો અને તે કારમાં દુબઈ પહોંચી ગઈ હતી. રાકેશ કાનાબારે તેને માનસિક શાંતિ મળે અને કોઈ પણ સ્ટ્રેસ ન આવે એવી રીતે સાચવી હતી.’
ત્યાર પછી રોલ આવ્યો અમારા જામનગરના લોહાણા મહાપરિષદના જિતુભાઈ લાલનો એમ જણાવતાં જિજ્ઞેશ ભજિયાવાળાએ કહ્યું હતું કે ‘બીજા દિવસે ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિની ચાર્ટર્ડ ફ્લાઇટ ગુજરાતના એક VVIPને અને અબુ ધાબીમાં અટવાયેલી એક-બે બીજી વ્યક્તિઓને લઈને ઓમાનથી અમદાવાદ આવી રહી હતી. જિતુભાઈ લાલે એ VVIPને વાત કરીને રિતિકાને અમદાવાદ લઈ આવવા માટે સેટઅપ કર્યું હતું. એ માટે રિતિકાએ દુબઈથી ઓમાન જવું પડે એમ હતું, પણ ઑન ધ સ્પૉટ વીઝા શક્ય ન હોવાથી રિતિકા એ પ્લેનમાં આવી શકી નહોતી.’
દુબઈ ઍરપોર્ટ બંધ હોવાથી રિતિકાએ હવે અબુ ધાબીથી ફ્લાઇટ પકડવી પડે એમ હતું. ત્યાંથી જ તેને નવો PNR નંબર મળી શકે એમ હતો. એ સંદર્ભમાં ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર જિજ્ઞેશ ભજિયાવાળાએ કહ્યું હતું કે ‘એ માટે રિતિકાને ત્યાંના સાગર કોટેચા પરિવારે સાથસહકાર આપ્યો હતો. રિતિકાને અબુ ધાબીના ઍરપોર્ટ પર ૭ કલાક PNR નંબર મેળવતાં લાગ્યા હતા. ત્યાં સુધી સાગર કોટેચા પરિવારનો ડ્રાઇવર કાર સાથે ઍરપોર્ટ પર રહ્યો હતો. રિતિકાને અબુ ધાબીથી PNR નંબર મળ્યા પછી ત્યાંની સરકારે કરેલી જાહેરાત પ્રમાણે હોટેલમાં ફ્રી સ્ટે અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રિતિકા અબુ ધાબીથી સુરક્ષિત અને કોઈ પણ પ્રકારની હેરાનગતિ વગર અમદાવાદ પહોંચી એ અમારા માટે અમારા સમાજનું કટોકટીના કાળમાં પરદેશની ધરતી પર રહેલા સમાજના લોકો કેવી રીતે ઉપયોગી થાય એનું બેસ્ટ ઉદાહરણ છે. એટલું જ નહીં, આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વસ્તરે બનાવેલા સારા સંબંધોનું આ પરિણામ છે. અમારા લોહાણા સમાજની આ તાકાત છે જેને કારણે અમારો પરિવાર ૪ દિવસથી મજબૂત બનીને રિતિકાની રાહ જોવા સમર્થ બન્યો હતો. આનાથી સમાજના અન્ય પરિવારોને મોટિવેશન મળશે.’
