Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > પૂરાં ૨૦૦ વર્ષથી રાજસ્થાનના આ ગામમાં કોઈ રાતવાસો નથી કરતું

પૂરાં ૨૦૦ વર્ષથી રાજસ્થાનના આ ગામમાં કોઈ રાતવાસો નથી કરતું

Published : 02 November, 2025 11:04 AM | IST | Rajashan
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કુલધરા ગામની સ્થાપના ઈસવી સન ૧૨૯૧માં થઈ. જેસલમેર રાજ્યમાં રહેતા પાલીવાલ બ્રાહ્મણોના એક પંચે જેસલમેરના મહારાજા સંગ્રામસિંહ રાજપૂત પાસે પોતાના ગામની માગ કરી અને મહારાજાએ તેમને થારના રણવિસ્તારમાં જમીન આપી. પોતાનું અલાયદું ગામ માગવાનું કારણ શું હતું?

કુલધરા ગામમાં લોકો દિવસ દરમ્યાન ફરવા જાય છે અને પુરાતત્ત્વ ખાતાએ અહીંના ઘરોની દિવાલોની જાળવણી શરૂ કરી છે.

કુલધરા ગામમાં લોકો દિવસ દરમ્યાન ફરવા જાય છે અને પુરાતત્ત્વ ખાતાએ અહીંના ઘરોની દિવાલોની જાળવણી શરૂ કરી છે.


રાજસ્થાનના જેસલમેર પાસેના કુલધરા ગામના લોકો ૧૮૨૫ની સાલમાં એક રાતે અચાનક જ ઘરબાર છોડીને ચાલી નીકળ્યા હતા અને આ ગામમાં કોઈ વસી નહીં શકે એવો શ્રાપ આપતાં આખું ગામ ભૂતિયું બની ગયું હતું. એક સમયે સુખસમૃદ્ધિ અને જાહોજલાલીથી હર્યુંભર્યું આ ગામ બે સદી વહી ગઈ હોવા છતાં ફરી બેઠું નથી થઈ શક્યું. આજે પણ આ ગામમાં પ્રવાસીઓને ભૂતિયા અનુભવો થાય છે. પશ્ચિમના દેશોમાં હૅલોવીનની સીઝન ચાલી રહી છે ત્યારે ચાલો, એક લટાર મારીએ કુલધરાના ભૂતાવળા ઇતિહાસમાં

રાજસ્થાન સરકાર જેસલમેરને તો ટૂરિસ્ટ સ્પૉટ તરીકે પ્રમોટ કરે છે પણ જેસલમેરથી ૪૬ કિલોમીટર દૂર આવેલા એક ગામને પ્રમોટ નથી કરતું. એ પણ એવા સમયે જ્યારે જેસલમેર આવનારા દસમાંથી નવ ટૂરિસ્ટ એ પ્લેસ જોવા જવાના છે એની ખાતરી છે છતાં પણ. સ્વાભાવિક રીતે મનમાં પ્રશ્ન જન્મે કે એવું શું કામ કરવામાં આવે છે તો એનું કારણ તમને ખડખડાટ હસાવી જશે. એ જગ્યા ભૂતાવળ સાથે જોડાયેલી છે, એ જગ્યાના ઇતિહાસમાં શ્રાપ જેવી અંધશ્રદ્ધા ફેલાવે એવી વાતો છે અને એવી વાતો ફેલાવવી ભારતીય બંધારણમાં ગેરકાનૂની છે!
હા, આપણે વાત કરીએ છીએ જેસલમેર પાસે આવેલા કુલધરા નામના ગામની. પશ્ચિમના દેશો જ્યારે હૅલોવીનના નામે ડરાવવાનો ઉત્સવ ઊજવી રહ્યા છે ત્યારે કુલધરા ગામમાં તો સદીઓથી ભૂતાવળ જાગેલી છે અને એ ભૂતાવળ આજે પણ અકબંધ છે. વાત સૈકાઓ પહેલાંની છે પણ એમ છતાં આજે પણ એનો ખોફ અકબંધ છે અને એટલે જ કુલધરામાં આજે પણ કોઈ રાતવાસો કરી શકતું નથી. બૉલીવુડના સ્ટોરી રાઇટરથી માંડીને ટૂરિસ્ટ્સમાં પૉપ્યુલર થયેલું કુલધરા ગામ છેલ્લી બે સદીથી ટોટલી ખાલી છે. સ્વાભાવિક છે કે સમયની થપાટ સાથે હવે એ ગામનાં ઘરો જર્જરિત થવા માંડ્યાં છે પણ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે આ જગ્યા, એનો ઇતિહાસ અકબંધ રાખવાના હેતુથી આ આખા ગામને સંરક્ષિત સ્મારક જાહેર કર્યું અને રાજસ્થાન સરકારે આખું ગામ પુનઃસ્થાપિત કરવાની દિશામાં કામ પણ શરૂ કરી દીધું. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું, પુનઃસ્થાપિત માત્ર ગામનાં મકાનોની દીવાલો કરવાની છે, અહીં નવેસરથી ગામ વસાવવાનું નથી કારણ કે ભૂતકાળમાં એવા પ્રયાસો થયા ત્યારે ગામને લાગેલા શ્રાપની આડઅસર પણ ત્યાં રહેવા માગતા લોકોએ ભોગવવી પડી છે.
સસ્પેન્સ-હૉરર ફિલ્મ જેવો ભૂતકાળ ધરાવતા આ ગામ વિશે જાણવા જેવું છે.



શું છે આ કુલધરા?


રાજસ્થાનના થારના રણ-વિસ્તારમાં આવેલું આ કુલધરા ગામ એક સમયે જેસલમેર વિસ્તારનું શ્રીમંત ગામો પૈકીનું એક હતું. આપણે વાત કરીએ છીએ ૧૪મી સદીની.
કુલધરા ગામની સ્થાપના ઈસવી સન ૧૨૯૧માં થઈ. જેસલમેર રાજ્યમાં રહેતા પાલીવાલ બ્રાહ્મણોના એક પંચે જેસલમેરના મહારાજા સંગ્રામસિંહ રાજપૂત પાસે પોતાના ગામની માગ કરી અને મહારાજાએ તેમને થારના રણવિસ્તારમાં જમીન આપી. પોતાનું અલાયદું ગામ માગવાનું કારણ શું હતું એ પણ જાણવા જેવું છે.
પાલીવાલ બ્રાહ્મણો ધર્મની બાબતમાં ભારોભાર ચુસ્ત છે તો સાથોસાથ પાલીવાલ બ્રાહ્મણોની કન્યા રૂપ-રૂપનો અંબાર હોય છે. જાણે કે સ્વર્ગમાંથી અપ્સરા જ જોઈ લો. પાલીવાલ પંચને લાગતું હતું કે આવા સમયે અન્ય લોકો સાથે રહેવું અને એ લોકોની નજર તેમની કન્યાઓ પર પડે એ વાજબી નથી. આ જ દલીલ પાલીવાલ પંચે મહારાજા સામે કરી હતી. શરૂઆતમાં તો મહારાજાએ તેમને સમજાવવાની કોશિશ કરી કે કોઈ તેમના ધર્મ માટે આડખીલીરૂપ નહીં બને અને બહેન-દીકરી પર નજર બગાડવાનું તો કોઈ વિચારી સુધ્ધાં નહીં શકે પણ પાલીવાલ પંચ પોતાની માગ પર અડગ રહ્યું અને મહારાજાએ સહમતી આપી. મહારાજાના મનમાં હતું કે પાલીવાલ બ્રાહ્મણો રણની જગ્યાથી થાકી-હારીને ફરી બધા વચ્ચે રહેવા સહમત થઈ જશે પણ પાલીવાલ બ્રાહ્મણો ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે તનતોડ મહેનત કરીને કુલધરા ગામને ખમતીધર બનાવવાનું શરૂ કર્યું તો સાથોસાથ આ વિસ્તારમાં ખેતીની પણ શરૂઆત કરી. પાલીવાલોની મહેનત જોઈને મહારાજા પણ ખુશ થયા અને તેમણે કુલધરાને કરમાં રાહત આપી. બસ, દોડવું’તું ને ઢાળ મળ્યું જેવો ઘાટ સર્જાયો અને પાલીવાલોનું કુલધરા ગામ રાજાની કુંવરીની જેમ દિન દોગુના, રાત ચૌગુના વિકાસ કરવા માંડ્યું. 
પાલીવાલ બ્રાહ્મણોના વ્યવહારથી અને કુલધરાના વિકાસથી મહારાજાને પણ લાગ્યું કે તેમણે કમને પણ જે નિર્ણય લીધો એ વાજબી હતો. પાલીવાલ બ્રાહ્મણો કર્મકાંડ પોતાના પૂરતા સીમિત રાખતા. ખેતી અને વેપારમાં તેમની માસ્ટરી હતી તો સાથોસાથ આર્કિટેક્ચરલ સેન્સ પણ અદ્ભુત હતી. પાલીવાલનો મુખ્ય વ્યવસાય જ ખેતી અને વેપાર હતાં. કુલધરા પણ આખું એના પર જ ટકેલું હતું. પોતાની મહેનત અને ખંતથી પાલીવાલોએ કુલધરા ગામમાં સુંદર ઘરો, મંદિરો, કૂવા અને ગલીઓ બનાવ્યાં. એક તબક્કો તો એવો આવી ગયો કે જેસલમેર રાજ્યનાં આજુબાજુનાં ગામોના લોકો ખાસ કુલધરા જોવા જતા અને કુલધરા જેવું પોતાનું ગામ બને એનાં સપનાં જોતા.
કુલધરા ગામના જન્મનાં બસો વર્ષમાં તો એવો સમય આવી ગયો કે જેસલમેરમાં પથરાયેલા પાલીવાલ કમ્યુનિટીના લોકો પોતપોતાના ગામ અને વિસ્તાર છોડીને કુલધરાની આસપાસનાં ૮૪ ગામોમાં પાલીવાલો વસવા માંડ્યા.

દિવસની નીરવ શાંતિ અહીં રાતે ભેંકાર ભાસે છે. 


પૅરાનૉર્મલ ઍક્ટિવિટીસ્ટ માટે તો આ ફેવરિટ સ્પૉટ

કુલધરા ગામની આવી વાતોને કારણે જ એ પૅરાનૉર્મલ ઍક્ટિવિસ્ટની પસંદીદા જગ્યા બની ગઈ છે. લોકો ત્યાં જઈને રિસર્ચ કરવાની કોશિશ કરે છે તો ઘણા એવા ફૉરેનર્સ વ્લૉગર્સે પણ પ્રયાસ કર્યો છે કે કુલધરા ગામનાં ખાલી ઘરો, દુકાનોમાં રહીને વિડિયો બનાવે. અલબત્ત, તેમના કહેવા મુજબ, એ પ્રયાસો સફળ નથી રહ્યા. ગામમાં રહેવાનો પ્રયાસ કરનારા લોકોનો અનુભવ છે કે તેમને ગામમાં સતત ડર અને ગુસ્સાનો અનુભવ થયા કરે છે, જેની સીધી અસર તેમના મન પર થાય છે.
કુલધરાની આવી જ વાતોને કારણે બૉલીવુડ પણ એના પ્રત્યે ખેંચાણ અનુભવે છે. કેટલાક ટીવી-શોમાં આ જગ્યા પર એપિસોડ બનાવવામાં આવ્યા છે તો ‘ફિઅર ફૅક્ટ્સ’ નામના એક ટીવી-શોમાં આ જગ્યા પર ડૉક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી હતી. સની લીઓનીના એક રિયલિટી શો ‘હૉન્ટેડ વીક-એન્ડ્સ વિથ સની લીઓની’માં કુલધારાને સમાવવામાં આવ્યું હતું તો ‘ભૂત રિટર્ન્સ’માં પણ કુલધરાની વાતને આધાર બનાવીને લેવામાં આવી હતી. રામગોપાલ વર્માએ પણ કુલધરાના ઇતિહાસ પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું પણ એ પ્રોજેક્ટ ક્યારેય આગળ વધ્યો નહીં.

આવી એ ગોઝારી રાત

ઓગણીસમી સદીના આરંભ સુધી બધું ક્ષેમકુશળ રીતે ચાલ્યું. ગામના લોકો હસીખુશી સાથે રહેતા પણ ૧૮૨પના વર્ષના આરંભના મહિનાઓમાં એક સવારે એવું દૃશ્ય જોવા મળ્યું કે આખું જેસલમેર હેબક ખાઈ ગયું. બન્યું એવું કે ગામમાં નિયમિત રીતે માલ વેચવા આવતા વેપારીઓ કુલધરામાં દાખલ થયા, પણ ગામમાં એક માણસ નહીં!
ગામની દુકાનો ખુલ્લી પડી હતી, ઘરો ખુલ્લાં હતાં. સડક સૂમસામ હતી. બળદ છોડેલાં ગાડાંઓ પણ એમનેમ પડ્યાં હતાં અને ઘોડા વિનાની બગીઓ પણ એમ જ પડી હતી. માણસ તો ઠીક, ગામમાં જીવમાત્ર દેખાય નહીં. ધીમે-ધીમે આજુબાજુમાં વાત ફેલાઈ અને લોકો જોવા આવ્યા, દૃશ્ય જોઈને એ લોકો પણ હેબતાઈ ગયા. આખું ગામ ખાલી હતું. રાતોરાત કુલધરાના લોકો ગાયબ થઈ ગયા હતા.
અહીંથી વાત શરૂ થાય છે લોકવાયકાની, પણ એ લોકવાયકા પર જતાં પહેલાં હકીકતની ચર્ચા કરી લઈએ.
કુલધરા ગામ ખાલી જોઈને અનેક લોકો એવા નીકળ્યા કે જેમને એ ગામનાં ખાલી ઘરો અને દુકાનો પર કબજો કરી લેવાનું મન થયું. કેટલાક તો ચોવીસ જ કલાકમાં ગામ કબજો કરવા આવી ગયા. દિવસે પોતાનો સામાન ઘરોમાં ગોઠવી દીધો પણ જેવી રાત પડી કે ગામમાં એવી ભૂતાવળ દેખાવી શરૂ થઈ કે કલાકમાં તો એ લોકો ગામ છોડીને ભાગી ગયા. કહે છે કે એ સમયે કુલધરા અને એની આસપાસનાં ૮૪ ગામોનો વહીવટ જેને સોંપવામાં આવ્યો હતો એ રાજદરબારી પણ આ વાતની ખરાઈ કરવા માટે ગામમાં એક રાત રોકાવા આવ્યો હતો પણ રાતે એક વાગતા સુધીમાં તો તે પણ ભાગતો ગામની બહાર આવી ગયો. લોકવાયકા કહે છે કે એક ઘટના એવી ઘટી હતી જેને લીધે ગામવાસીઓએ સ્વૈચ્છિક રીતે પોતાનું ઘર ખાલી કરવાનો સામૂહિક નિર્ણય લીધો અને ગામ ખાલી કરતાં પહેલાં કુલધરાને શ્રાપ આપ્યો કે આ ધરતી પર કોઈ એક રાત પણ રહી નહીં શકે. 
એ દિવસ અને આજની ઘડી.
કુલધરામાં એ શ્રાપ અકબંધ છે. કુલધરામાં કોઈ રાતવાસો કરી શકતું નથી. ભૂતિયા ગામ તરીકે કુખ્યાત થયેલા કુલધરામાં એવી તે કઈ ઘટના ઘટી હતી જેને લીધે કુલધરાવાસીઓએ પસીનાથી સીંચેલું ગામ છોડીને નીકળી જવાનું નક્કી કરવું પડ્યું એ જાણવા જેવું છે.
કોણ નડ્યું કુલધરાને?
જેસલમેરમાં રહેતા અને એ સમયના મહારાવ ગજસિંહના દીવાન સલીમસિંહને કારણે કુલધરા ખાલી થયું હોવાનું કહેવાય છે અને સલીમસિંહનો ઇતિહાસ પણ એ પ્રકારનો રહ્યો છે કે એ લોકવાયકામાં તથ્ય લાગે.
ગજસિંહ મહારાવ બન્યા એ પહેલાં પણ સલીમસિંહ જેસલમેરના દીવાન હતા. સલીમસિંહ પ્રજા માટે એકદમ નિર્દયી હતા. રાજ્યની તિજોરી છલકાતી રહે એ માટે તે સતત કાર્યરત રહેતા અને એટલે જ દીવાન હોવા છતાં પણ તે રાજાને પોતાની ઇચ્છા મુજબ ચલાવી શકતા કારણ કે રાજાને પણ છલકાતી તિજોરી જોવી ગમતી હતી. સલીમસિંહની તાકાત ગજસિંહના શાસનમાં તો જબરદસ્ત વધી ગઈ. સલીમસિંહની તાકાતનો અંદાજ તમને એ વાત પર આવી શકે કે આજે પણ જેસલમેરમાં સલીમસિંહની હવેલી જોવાલાયક સ્થળોમાં પહેલા નંબરે છે. 
આ હવેલીનો પણ એક ઇતિહાસ છે. 
સલીમસિંહ પોતાની હવેલી રાજમહેલથી પણ ઊંચી બનાવવા માગતા હતા, જેની મહારાજાને ખબર પડી અને તેમણે એનું કામ રાતોરાત અટકાવી દીધું અને એ પછી સલીમસિંહ મહારાજાની આંખે ચડી ગયા. ઍનીવેઝ, વાત કરીએ કુલધરાની. કુલધરાને કરમાં મળેલી રાહતો સલીમસિંહે જ બંધ કરી, તેના મનમાં હતું કે પાલીવાલ લોકો તેના આ નિર્ણયથી તૂટી પડશે અને તેના પગમાં ઝૂકી જશે પણ પાલીવાલ અને કુલધરાના લોકોએ સ્વમાનને પસંદ કર્યું અને તેમણે જેસલમેર રાજમહેલના નિર્ણયને શિરઆંખો પર ચડાવી લીધો. સલીમસિંહ મનોમન સમસમી ગયો પણ વાત ત્યારે વધી જ્યારે તેની આંખોમાં કુલધરા ગામના મુખીની દીકરી વસી ગઈ.
પહેલી નજરે જ સલીમસિંહનું દિલ એ છોકરી પર આવી ગયું અને તેણે મુખી સામે લગ્નનું માગું મૂક્યું. ચુસ્ત પાલીવાલીએ સહેજ પણ વિચાર કર્યા વિના માગું ઠુકરાવી દીધું. વાત આગળ વધી. સલીમસિંહે નવો રસ્તો વિચાર્યો અને ગામના કૂવે પાણી ભરવા માટે પહોંચેલી મુખીની દીકરીને આંતરીને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તો દીકરીએ પણ ના પાડી દીધી. સલીમસિંહ પણ એમ કંઈ ગાંજ્યો જાય એવો નહોતો, તેણે ગામના આગેવાન કહેવાય એવા પાંચ લોકોને જેસલમેર પોતાની હવેલીએ મળવા બોલાવ્યા અને તેમની સામે પ્રસ્તાવ મૂક્યો કે જો એ લોકો મુખીને આ લગ્ન માટે રાજી કરશે તો તેમને જેસલમેરના રાજદરબારમાં સ્થાન અપાવશે. પહેલો જવાબ તો એ લોકોએ સલીમસિંહને ઘરે જ આપી દીધો કે મુખી માનશે નહીં એ નક્કી છે પણ તમે કહો છો તો અમે પ્રયાસ કરીશું.
આગેવાનોએ મુખી સામે પ્રસ્તાવ મૂક્યો અને મુખી પોતાના નિર્ણય પર અફર રહ્યા. સલીમસિંહ સુધી એ જવાબ પહોંચી ગયો એટલે સલીમસિંહ જાત પર આવી ગયો અને તે પોતાના લાવલશ્કર સાથે કુલધરા ગામ પહોંચ્યો. ત્યાં જઈ તેણે ધમકી આપી કે જો મુખી તેની દીકરીનાં મૅરેજ નહીં કરાવે તો આખા કુલધરાએ સહન કરવું પડશે. જેસલમેર રાજ્ય કુલધરા પાસેથી દંડ સાથે કર વસૂલશે, જેની ટકાવારી આવકના એંસી ટકા રહેશે!
મુખીને પંદર દિવસનો સમય આપીને સલીમસિંહ નીકળી ગયો અને ગભરાટ વચ્ચે કુલધરાના લોકો માટે કાઉન્ટડાઉન શરૂ થયું.

આ ભૂતિયા જગ્યા પર કઈ રીતે જવાય?

જેસલમેર ઍરપોર્ટ કુલધરાથી બાવીસ કિલોમીટર અને રેલવે-સ્ટેશન ૨૬ કિલોમીટર દૂર છે. નવેમ્બરથી ફેબ્રુઆરીના ઠંડા મહિનાઓમાં જેસલમેર અને કુલધરાનું વેધર ખુશનુમા હોય છે. વિલેજ સવારે આઠથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લું હોય છે. ગામમાં જવા માટે ટિકિટ લેવી પડે છે જે સીઝન મુજબ બદલાતી રહે છે. તમારું પોતાનું વાહન લઈને જવું હોય તો એક્સ્ટ્રા પૈસા લાગે છે. અહીં તમને બહુ ટૂરિસ્ટો નહીં જોવા મળે, પરંતુ જેમને હૉન્ટેડ જગ્યાઓ એક્સપ્લોર કરવાનો શોખ હોય તેઓ જઈ શકે છે. 
જેસલમેર જાઓ તો સાથે વ્યાસ છત્રી, જેસલમેર ફોર્ટ, સલીમ સિંહની હવેલી, બડા બાગ, તનોટ માતાનું મંદિર, ગડિસર લેક, નથમલજી કી હવેલી, લૉન્ગેવાલા વૉર મ્યુઝિયમ અને ડેઝર્ટ નૅશનલ પાર્ક જેવાં અઢળક સ્થળો તમારી મસ્ટ વિઝિટની યાદીમાં હોવાં જોઈએ. 

એક રાતમાં લેવાયો નિર્ણય

પાલીવાલ કમ્યુનિટી પર માન થઈ આવે એવો નિર્ણય પહેલી જ રાતે લેવાયો કે જો મુખીની ઇચ્છા ન હોય તો દીકરીનાં લગ્ન સલીમસિંહ સાથે નહીં જ થાય. ગામવાસીઓ તેમના પર કોઈ દબાણ નહીં કરે. નિર્ણય લેવાયા પછી વાત આવી કે હવે કરવું શું?
બધાને ખાતરી હતી કે સલીમસિંહ માત્ર દંડયુક્ત કરથી નહીં અટકે. મુખીને ઝુકાવવા માટે તે નવો રસ્તો વાપરશે જ વાપરશે એટલે બહેતર છે કે સલીમસિંહના હાથમાંથી કાયમ માટે છુટકારો મેળવવો અને એ મેળવવા માટે કાયમ માટે કુલધરા છોડીને નીકળી જવું. સલીમસિંહ કે પછી જેસલમેર સલ્તનત સામે લડવાની તો સ્વાભાવિક છે કે કોઈની તૈયારી નહોતી અને કુલધરા પાસે પોતાની સેના પણ નહોતી. કુલધરા તો રૈયત હતી, જે જેસલમેરના રાજવીની છત્રછાયામાં જીવતી હતી.
માત્ર ચોવીસ જ કલાકમાં કુલધરા ખાલી કરીને નીકળી જવાનું નક્કી થયું અને એવું જ કરવામાં આવ્યું. ગામની બહાર સમાચાર જાય નહીં અને સલીમસિંહ તેમને રોકવાના બીજા કોઈ રસ્તાઓ વાપરે નહીં એની તકેદારી સાથે પુરુષોએ આખો દિવસ કામ કર્યું અને બૈરાઓએ ઘરમાં રહીને કીમતી સામાન ભર્યો. સાંજે છ વાગ્યે બજારો બંધ થઈ. બધાએ છેલ્લી વાર ગામમાં વાળુ કર્યું અને મુખી સાથે બેસીને છેલ્લી વાર મસલત કરી. બાર વાગતા સુધીમાં ગામમાંથી એક પછી એક પરિવાર નીકળવા માંડ્યો. છેલ્લી વાર મુખી સાથે થયેલી મસલતમાં કેટલીક અગત્યની વાતો નક્કી થઈ હતી. એક કે બધાએ સાથે જવું નહીં અને આવતા સમયમાં પણ સાથે રહેવું નહીં. જો સાથે હોય તો કોઈ એક થકી સલીમસિંહ મુખી અને તેની દીકરી સુધી પહોંચી શકે અને એવું બને એવું એક પણ પાલીવાલ ઇચ્છતો નહોતો. બીજો જે નિર્ણય લેવાયો હતો એમાં નક્કી થયું હતું કે કોઈ કાળે સલીમસિંહને ખબર ન પડવી જોઈએ કે ગામના લોકો કઈ દિશામાં ગયા છે અને એટલે જ ગામમાંથી નીકળનારા દરેકેદરેકે પોતાના પગની પિંડી પર પીંછાનું ઝાડુ બાંધ્યું હતું જેથી ગામવાસીઓનાં પગલાં ઝાડુથી સાફ થતાં રહે અને સલીમસિંહ પગલાંનો આધાર લઈ ગામવાસીઓની પાછળ જાય નહીં.

આવી શાપની ઘડી... 

સૌથી છેલ્લો જે પરિવાર કુલધરામાંથી નીકળ્યો એ પરિવાર હતો મુખીનો. ગામ ખાલી કરતાં મુખીની આંખોમાં આંસુ હતાં. જે ગામને બનાવવામાં તેમના વડવાઓએ લોહીપાણી એક કર્યાં હતાં એ ગામને કાયમ માટે હવે છોડીને જવાનું હતું. મુખીએ રડતી આંખે ગામને શ્રાપ આપ્યો કે આ ધરાએ જ અમને સુખ આપ્યું અને આ ધરા થકી જ અમારે દુઃખ જોવું પડ્યું છે. અમારો કોઈ વાંક નથી, અમે કોઈ ગુનો નથી કર્યો અને એ પછી પણ અમારે આ ધરા છોડીને જવું પડે છે ત્યારે અમે શ્રાપ આપીએ છીએ કે આ ગામમાં હવે કોઈ ચોવીસ કલાક પણ રહી નહીં શકે.
એ દિવસે ગામનાં ખાલી ઘરોએ આ શ્રાપને પોતાનામાં સમાવી લીધો અને પત્યું.

ક્યાં છે પાલીવાલ?

પાલીવાલ બ્રાહ્મણ આજે પણ દેશભરમાં જોવા મળે છે પણ કુલધરા છોડીને નીકળી ગયેલા પાલીવાલ બ્રાહ્મણો ક્યાં ગયા એની ક્યારેય કોઈને ખબર નથી પડી. કોઈ કહે છે કે એ લોકો રણના રસ્તે આજના પાકિસ્તાનના વિસ્તારમાં ચાલ્યા ગયા તો ઘણા કહે છે કે એ લોકો સમગ્ર દેશમાં ફેલાઈ ગયા અને પછી તેમણે પોતાનો સંપ્રદાય વિખેરી નાખ્યો. 

ત્યારથી આજ સુધી ગામમાં કોઈ એક રાત રહી શકતું નથી. અહીં રહેવાના ઇરાદે આવનારા લોકો જો ઘરમાં જઈને રહે છે તો તેમને રાતના સમયમાં જબરદસ્ત ભૂતાવળનો અનુભવ થાય છે. જેણે પણ આના પ્રયાસો કર્યા છે તેમનું કહેવું છે કે તેમને રાત દરમ્યાન જાતજાતના ભેદી અને ડરામણા અવાજો સાંભળવા મળે છે તો તેમનો સામાન વેરવિખેર થઈ જાય છે. રડતી મહિલાઓનો અવાજ તો અહીં આવીને રહેવાનો પ્રયાસ કરનારાઓ માટે સર્વસામાન્ય છે, જ્યારે કેટલાકને એવો પણ અનુભવ થયો છે કે ઘરમાં કોઈ તેમની સાથે રહે છે જે ઘરમાં કામ કરે છે અને રસોઈ સુધ્ધાં બનાવે છે.

સલીમસિંહની હવેલી.

આજથી બસો વર્ષ પહેલાં ગામને આપવામાં આવેલા શ્રાપ પછી ગામના કૂવાઓ પણ આપમેળે સુકાઈ ગયા છે. આઝાદી પછી આ ગામને નવેસરથી ઊભું કરવાનું કાર્ય શરૂ થયું હતું પણ થયેલા ભૂતાવળના અનુભવો વચ્ચે એ પ્રયાસ પડતો મૂકવામાં આવ્યો. આજે પણ આજુબાજુનાં ગામોમાં રહેનારા સ્થાનિક લોકો ટૂરિસ્ટને રાતના સમયે કુલધરામાં પ્રવેશ કરવા નથી દેતા. તમારે જો રાતે ત્યાં જવું હોય તો અઢળક પરમિશન લેવાની રહે છે અને એ પરમિશનમાં મહિનાઓ નીકળી જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2025 11:04 AM IST | Rajashan | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK